રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation)
January, 2003
રાષ્ટ્રીય ખનિજ વિકાસ નિગમ (National Mineral Development Corporation) : હૈદરાબાદ ખાતે આવેલું રાષ્ટ્રીય કક્ષાનું ખનિજ વિકાસ નિગમ. આ નિગમ ખનિજ-અન્વેષણ, પર્યાવરણ-સંચાલન-સેવા, ખનિજ-સંશોધન અને તેના વિકાસનું ભૂસ્તરીય માહિતી-આંકડા કેન્દ્ર તરીકેનું તેમજ ખનિજો અંગેની સલાહ આપવાનું કાર્ય કરે છે.
આ નિગમની અન્વેષણ-પાંખ નવાં સંકુલો ઊભાં કરવા ઇચ્છતી પેઢીઓને ખનિજ-જથ્થાઓ માટે ભૂસ્તરીય સર્વેક્ષણ, શારકામ દ્વારા ખનિજ-જથ્થાઓની ગુણવત્તાનું મૂલ્યાંકન અને આકારણી કરી વિગતવાર સર્વેક્ષણ-અહેવાલો તૈયાર કરી આપે છે. કાર્યરત સંકુલોની વાર્ષિક જરૂરિયાતોને લક્ષમાં લઈને તેમના ખનનકાર્યનું તબક્કાવાર આયોજન તથા ઉત્પાદન-કાર્યક્રમો માટે જરૂરી નકશાઓ બનાવી આપે છે. ખનિજ-આધારિત ઉદ્યોગોના સ્પષ્ટ માપદંડની આવદૃશ્યકતા અનુસાર ખનિજોની ગુણવત્તા તથા જથ્થાને અનુલક્ષીને વેપારી ધોરણે જે તે ખનિજપટાધારકોને તે માર્ગદર્શન પૂરું પાડે છે. તેમના ખનનકાર્યને શાસ્ત્રીય ઢબે ચલાવવા તક્નીકી ઊર્ધ્વીકરણને લક્ષમાં લઈ કમ્પ્યૂટર-નિર્મિત ભરોસાપાત્ર માહિતીદર્શક આધારો પણ તે પૂરા પાડે છે. પર્યાવરણ-સંચાલન-સેવા દ્વારા જળ અને વાયુ-પ્રદૂષણ તથા ઘોંઘાટ અંગેની મોજણી તેમજ ઔદ્યોગિક કચરાના નિકાલ માટે પર્યાવરણનાં ધોરણો અનુસાર પ્રક્રિયા-આલેખન કરી આપે છે. પર્યાવરણ-અસરની આકારણી, પર્યાવરણ-સંચાલન-નકશાઓ તેમજ પર્યાવરણ-નિરીક્ષણ-અહેવાલો તૈયાર કરવાનું કાર્ય પણ નિગમ દ્વારા હાથ પર લેવાય છે. વળી આ નિગમ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ નિગમો મારફતે ‘વાંધાજનક નહિ હોવાનું પ્રમાણપત્ર’ મળી શકે તે માટે જરૂરી ત્વરિત અભ્યાસો અને વનજમીનના વપરાશ માટેના અહેવાલો પણ તૈયાર કરી આપે છે.
તેમના સંશોધન અને વિકાસ કેન્દ્ર દ્વારા લોહ, મૅગ્નેસાઇટ, ડૉલોમાઇટ, ચૂનાખડક તથા અન્ય ખનિજોના શુદ્ધીકરણ-અભ્યાસો, ધાત્વિક અને સંકેન્દ્રણ-અભ્યાસો હાથ પર લેવાય છે. તેમનું ભૂસ્તરીય આંકડા-કેન્દ્ર સૉફ્ટવેરનો ઉપયોગ કરીને કમ્પ્યૂટર પર ખનિજ-જથ્થાઓના મૂલ્યાંકન, શારકામ માટેનાં છિદ્રોની ગૂંથણી, અધિભારરહિત ખાણના ખોદાણ-ખાડાઓનો આધુનિક પદ્ધતિઓ દ્વારા મહત્તમ ઉપયોગ તથા તેમાં રહેલા જથ્થાઓના વૈવિધ્યની જાણકારી વિશેની માહિતી પૂરી પાડે છે.
નિગમની માર્ગદર્શન પાંખ ખનિજ-અન્વેષણ, શારકામ, શારછિદ્રોની ગૂંથણી અને તેમાંથી મળતા શારનમૂનાઓની એકત્રીકરણ-પદ્ધતિ, શારછિદ્ર-સ્તરક્રમાંકન, પર્યાવરણ-આકારણી-નકશા, પ્રાથમિક રોકાણ-અભ્યાસ, વિગતવાર તક્નીકી-આર્થિક ક્ષમતા-અહેવાલ અને ખનન-સંકુલ-સ્થાપનના સૂક્ષ્મ અહેવાલો તૈયાર કરી આપવાનું કાર્ય પણ હાથ પર લે છે. ખનન-સંકુલો માટેના પાયાકીય યાંત્રિક આલેખન-નકશા, ભાવપત્રકો, માપદંડો, ભાવપત્રક ચકાસણી અને ખરીદીહુકમો માટેની ભલામણો, માનવ-આધારિત કે યાંત્રિક ખનન-સંકુલોના વિકાસ અને વિસ્તૃતીકરણ માટેનો અભ્યાસ, બજારમાંગ અને સંચાલનવિકાસ માહિતી પદ્ધતિ, ખનનકાર્યનાં ઉપકરણો અને સાધનોનું સમારકામ, સારણીઓની માહિતી, માનવસંપત્તિનું આયોજન તથા તાલીમી વ્યવસ્થા માટેનાં સલાહસૂચનો આપે છે.
નિગમની બધી જ પાંખોમાં કુશળ ભૂસ્તરશાસ્ત્રીઓ, ખાણ-ઇજનેરો, શારકામ-ઇજનેરો, સર્વેક્ષકો, આંકડાશાસ્ત્રીઓ તેમજ અન્ય નિષ્ણાતોની સેવાઓ ઉપલબ્ધ છે. આ નિગમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે લોહ, તાંબું, મૅગ્નેસાઇટ, પન્નું, હીરા, ગ્રૅફાઇટ, ચૂનાખડક, ડૉલોમાઇટ, રૉક-ફૉસ્ફેટ, બેન્ટોનાઇટના પ્રૉજેક્ટ સંતોષકારક રીતે કરેલા છે. આ નિગમે લોહ અને હીરાના જથ્થા તથા ભુતાનના ચિરોડીના જથ્થા અંગે સંતોષકારક સેવાઓ આપેલી છે.
જયંતી વિ. ભટ્ટ