રાષ્ટ્રસમૂહ રમતોત્સવ : રાષ્ટ્રસમૂહના વિવિધ દેશો માટે યોજાતો વિવિધ રમતોનો ઉત્સવ.
ઑલિમ્પિક રમતોત્સવ અને એશિયાઈ રમતોત્સવની જેમ આ રાષ્ટ્રસમૂહ રમતોત્સવ પણ દર ચાર વર્ષે રાષ્ટ્રસમૂહના સભ્ય દેશોમાં યોજાતો રહે છે; જેમાં સભ્ય દેશોના રમતવીરો વિવિધ રમત-સ્પર્ધાઓમાં ભાગ લે છે.
આ રમતોત્સવનો ઉદભવ 1930માં થયો હતો. કૅનેડાના એક પત્રકાર અને ઍથ્લેટિક્સ વહીવટકર્તા મિ. બૉબી રૉબિન્સનની પ્રેરણા અને સહયોગથી રાષ્ટ્રસમૂહ મંડળે આ રમતોત્સવ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો અને 1930માં ઇંગ્લૅન્ડમાં હૅમિલ્ટન ખાતે પ્રથમ રાષ્ટ્રસમૂહ રમતોત્સવ યોજાયો હતો. એ કાળે આ રમતોત્સવ ‘બ્રિટિશ એમ્પાયર ગેઇમ્સ’ તરીકે જાણીતો બન્યો હતો. આ રમતોત્સવ યોજવા પાછળનો ઉદ્દેશ બ્રિટિશ શાસકોએ ભૂતકાળમાં જ્યાં જ્યાં શાસન કર્યું હતું, તે રાષ્ટ્રોના રમતવીરોને એક જ મેદાન પર એકત્રિત કરીને તેમની શ્રેષ્ઠતા પુરવાર કરવાનો હતો.
ઇંગ્લૅન્ડમાં માન્ચેસ્ટર ખાતે જુલાઈ-ઑગસ્ટ, 2002 દરમિયાન યોજાઈ ગયેલા 17મા રાષ્ટ્રસમૂહ રમતોત્સવમાં 70થી વધુ દેશોના 6,000થી વધુ રમતવીરોએ 19 જેટલી રમત-સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. બ્રિટનનાં મહારાણી એલિઝાબેથની તાજપોશીના સુવર્ણજયંતી વર્ષની ઉજવણીના એક ભાગરૂપે યોજાયેલો આ રમતોત્સવ ભારે સફળ રહ્યો હતો.
ભારતે આ રમતોત્સવમાં 30 સુવર્ણ, 20 રજત અને 19 કાંસ્યપદકો સાથે કુલ 69 પદકો જીત્યા હતા. ભારતનો વેઇટલિફ્ટર સતીશ રાય કેફી દ્રવ્યોના સેવન માટે કસૂરવાર પુરવાર થતાં તેણે જીતેલા બે સુવર્ણ અને એક રજતપદક પાછા ખેંચી લેવામાં આવતાં ભારત ત્રીજા ક્રમેથી ચોથા ક્રમે ઊતરી પડ્યું હતું. ભારતીય મહિલા હૉકી ટીમે પ્રથમ જ વાર હૉકીમાં સુવર્ણપદક મેળવ્યો હતો.
17મો રાષ્ટ્રસમૂહ રમતોત્સવ (કૉમનવેલ્થ ગેઇમ્સ) 2002ના ઑગસ્ટમાં (25 જુલાઈથી 4 ઑગસ્ટ દરમિયાન) ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટર શહેરમાં યોજાઈ ગયો હતો.
જગદીશ બિનીવાલે