રાષ્ટ્રપતિ-શાસન : ભારતીય સંઘના કોઈ પણ ઘટક રાજ્યનું શાસનતંત્ર દેશના બંધારણની જોગવાઈઓ મુજબ ચલાવી શકાય તેમ ન હોય ત્યારે તેના તાત્કાલિક ઉકેલ તરીકે દેશના બંધારણની કલમ 356 હેઠળ કરવામાં આવેલી જોગવાઈ. ભારતના રાષ્ટ્રપતિ આવા રાજ્યનું શાસનતંત્ર જાહેરનામું બહાર પાડીને પોતાને હસ્તક લઈ શકે, એવી જોગવાઈ ઉપર્યુક્ત કલમમાં કરવામાં આવેલી હોવાથી આ કલમના અમલને ‘રાષ્ટ્રપતિ-શાસન’ કહેવામાં આવે છે. સંબંધકર્તા રાજ્યના રાજ્યપાલના તેમના હસ્તકના રાજ્યનું શાસનતંત્ર બંધારણની જોગવાઈઓ અનુસાર ચલાવી શકાય તેમ નથી તેવા અહેવાલના આધારે અથવા પોતાને અન્ય રીતે મળેલ માહિતીના આધારે દેશના રાષ્ટ્રપતિ આવું જાહેરનામું બહાર પાડવાની સત્તા ધરાવે છે.
રાષ્ટ્રપતિના શાસનકાળ દરમિયાન ઉપર્યુક્ત રાજ્યને સ્પર્શતી કોઈ પણ બંધારણીય જોગવાઈને નિલંબિત કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિને આપવામાં આવી છે. અલબત્ત, તેમાંથી જે તે રાજ્યની વડી અદાલતની સત્તાઓ નિલંબિત કરવાની બાબત બાકાત રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિએ બહાર પાડેલ ઉપર્યુક્ત જાહેરનામું વધુમાં વધુ બે માસમાં સંસદના બંને ગૃહોની મંજૂરી માટે રજૂ કરવાનું હોય છે, અન્યથા તે આપોઆપ રદબાતલ થયેલું ગણાય એવી એમાં આદેશાત્મક નોંધ છે. આ અંગે બંધારણમાં એ જોગવાઈ કરવામાં આવી છે કે જે સમયગાળા દરમિયાન આવું જાહેરનામું રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવ્યું હોય તે સમયગાળા દરમિયાન સંસદના નીચલા ગૃહ લોકસભાને વિખેરી નાખવામાં આવેલ હોય અથવા તો આ કલમમાં ઉલ્લેખિત બે માસની ઉપર્યુક્ત અવધિમાં લોકસભાનું વિસર્જન કરવામાં આવે અને તે પૂર્વે લોકસભાએ તે જાહેરનામું મંજૂર કરેલું ન હોય પરંતુ રાજ્યસભાએ મંજૂર કરેલું હોય, તો નવી લોકસભાની પ્રથમ બેઠક પછીના ત્રીસ દિવસમાં રાષ્ટ્રપતિનું જાહેરનામું નવી લોકસભાએ મંજૂર કરવાનું રહે છે, અન્યથા તે જાહેરનામું આપોઆપ રદબાતલ થયેલું ગણાય છે.
રાષ્ટ્રપતિએ બહાર પાડેલ આવા જાહેરનામાનો અમલ તે બહાર પાડવાની તારીખથી વધુમાં વધુ છ માસ સુધી જ કરી શકાય છે, સિવાય કે તે છ માસની અવધિ પૂરી થાય તે પહેલા જ કાં તો પાછું ખેંચી લેવામાં આવ્યું હોય અથવા અન્ય કોઈ રીતે રદબાતલ થયેલું હોય. બંધારણની ઉપર્યુક્ત કલમમાં વધારાની એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે એકવાર બહાર પાડવામાં આવેલું જાહેરનામું છ માસ પછી પુનર્જીવિત કરવાની બાબત સંસદની મંજૂરીને અધીન છે. જોકે બંધારણના તે અંગેના પ્રાવધાન મુજબ કોઈ પણ જાહેરનામું કુલ ત્રણ વર્ષ કરતા વધુ સમય માટે અમલમાં રહી શકે નહિ.
26 જાન્યુઆરી, 1950ના રોજ પ્રજાસત્તાક ભારતનું બંધારણ અમલમાં આવ્યા પછી કલમ 356નો સૌપ્રથમ ઉપયોગ કેરળ રાજ્યની ચૂંટાયેલી અને વિધાનસભામાં બહુમતી ધરાવતી ડાબેરી સરકારને બરતરફ કરવા માટે 1959માં કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાનની અવધિ પૂરી થતાં નવી સરકાર રચાય તે પૂર્વે રખેવાળ સરકાર તરીકે ચાલુ રહેવાની અનિચ્છાને કારણે તેનો છેલ્લામાં છેલ્લો ઉપયોગ ઑક્ટોબર, 2002માં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં કરવામાં આવ્યો હતો.
વિશેષ નોંધપાત્ર બાબત એ છે કે જે રાજકીય પક્ષો અગાઉ કેન્દ્રમાં સત્તામાં નહિ, પરંતુ વિરોધ પક્ષમાં હતા, તે રાજકીય પક્ષોએ ત્યારે બંધારણની આ વિવાદાસ્પદ કલમ રદ કરવાની માગણી અવારનવાર કરી હતી. પરંતુ જ્યારે તેઓ પોતે કેન્દ્રમાં સત્તાસ્થાને બિરાજમાન થયા છે ત્યારે તેમણે આ કલમ રદ કરવા માટે કોઈ પગલાં લીધાં નથી; એટલું જ નહિ, પરંતુ તેમણે આ કલમનો જરૂર પડે ત્યારે ઉપયોગ કરવામાં પણ પાછી પાની કરી નથી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે