રાષ્ટ્રગીત : રાષ્ટ્ર પ્રત્યે પ્રજાનો પ્રેમ તથા ભક્તિનો ભાવ વ્યક્ત કરતું રાષ્ટ્રનું સત્તાવાર ગીત. મોટે ભાગે તે સમૂહમાં ગવાય છે. સાથે વાદ્યવૃંદનું સંગીત પણ હોઈ શકે છે. રાષ્ટ્રગીતનો હેતુ રાષ્ટ્રજનોમાં રાષ્ટ્ર પ્રત્યે, જરૂર પડ્યે બલિદાનની ભાવના પ્રેરવાનો છે. રાષ્ટ્રીય પર્વ, વિશેષ પ્રસંગ, આંતરરાષ્ટ્રીય સંમેલન, રમતોત્સવ અને પરદેશી અતિથિના સ્વાગત જેવા પ્રસંગોએ રાષ્ટ્રગીત ગાવા-વગાડવામાં આવે છે.
મધ્યયુગ ઊતરતાં રાષ્ટ્રીય ભાવનાનો ઉદભવ અને પ્રસાર થયો. તે સાથે રાષ્ટ્રગીતો સંભળાતાં થયાં. મઠોમાં પાદરીઓ સમૂહ-ભક્તિગીત ગવડાવે છે તેમને ‘ઍન્થમ’ કહે છે. તે ઉપરથી દેશ-ભક્તિનું ગીત પણ ‘ઍન્થમ’ કહેવાયું. પ્રારંભે આવાં વિશેષ ગીતો લખાતાં નહિ. મોટે ભાગે દેશ માટે લડતી સેનાનું કૂચગીત કે સૈનિકોમાં રાષ્ટ્રપ્રેમ પ્રેરવા રચાયેલાં ગીત જેવાં ગીતો રાષ્ટ્રવ્યાપી બન્યાં. ફ્રાંસની ક્રાંતિ-સમયે, 1792માં પૅરિસ પર કૂચ કરી જનારા ગણતંત્રવાદીઓમાં ‘માર્સાઇલેઝ’ પ્રિય કૂચગીત હતું. 1795માં તે ફ્રાંસનું રાષ્ટ્રગીત બન્યું. જોકે, 1879માં તે નિશ્ચિત રૂપે રાષ્ટ્રગીત રૂપે અપનાવાયું તે પહેલાંના ગાળામાં અવારનવાર તે પ્રતિબંધનો ભોગ બન્યું હતું. સિંગાપુરનું રાષ્ટ્રગીત પણ કૂચગીત છે.
કોઈ વાર ઈશ્વરની પ્રાર્થનાનું કે સ્તુતિનું ગીત પરિવર્તનો સાથે રાષ્ટ્રગીત બને છે. બ્રિટનનું ‘ગૉડ સેવ ધ કિંગ’ આ પ્રકારનું રાષ્ટ્રગીત છે. વસાહતો સ્વતંત્ર બની તે પહેલાંના સમયમાં તેમના માટે આ જ રાષ્ટ્રગીત હતું. સ્વતંત્રતા પછી વસાહતોએ પોતપોતાનાં રાષ્ટ્રગીતો રચ્યાં. બ્રિટનમાં તે 1825માં રાષ્ટ્રગીત બન્યું. યુનાઇટેડ સ્ટેટ્સમાં એ જ રાગમાં થોડા ફેરફારવાળું રાષ્ટ્રગીત અપનાવાયું. બ્રિટન જોડે સંબંધો બગડ્યા પછી 1931માં વર્તમાન ‘સ્ટાર-સ્પૅન્ગલ્ડ બૅનર’ રાષ્ટ્રગીત બન્યું. જાપાને 1893માં બ્રિટનના પ્રકારનું રાજભક્તિનું ગીત રાષ્ટ્રગીત તરીકે ઘોષિત કર્યું. 1949માં ચીન સામ્યવાદી શાસન હેઠળ આવતાં ત્યાં ‘લોકો, કૂચ કરો’ – એ ભાવાર્થનું રાષ્ટ્રગીત પસંદ કરાયું. રશિયામાં પહેલાં રાજભક્તિનું – ઝારની રક્ષાનું ગીત હતું. 1917માં સામ્યવાદી ‘ઇન્ટરનૅશનલ’ રાષ્ટ્રગીત બન્યું. 1943માં ‘મુક્ત ગણતંત્રોનો અતૂટ સંઘ’ રાષ્ટ્રગીતનું સ્થાન પામ્યું.
કેટલાંક રાષ્ટ્રગીતોમાં દેશની સુંદરતાનું વર્ણન હોય છે. ઑસ્ટ્રેલિયાએ બ્રિટનના રાષ્ટ્રગીતથી ચલાવ્યું; પણ, 1984માં તેણે પોતાનું સત્તાવાર નવું રાષ્ટ્રગીત સ્વીકાર્યું. ડેન્માર્કના રાષ્ટ્રગીતમાં દેશના વીરપુરુષોની પ્રશંસા છે. કેટલાંક રાષ્ટ્રગીતો કેવળ બૅન્ડની ધૂન રૂપે છે.
ભારતના સ્વાતંત્ર્ય-આંદોલનની કેટલીક વિશેષતાઓમાં એક એ પણ રહી કે તેને તેનું રાષ્ટ્રગીત સ્વતંત્રતા પૂર્વે જ મળી ગયું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું ‘વંદે માતરમ્’ સ્વાતંત્ર્ય-આંદોલનને ભારે પ્રેરક નીવડ્યું. કવિવર રવીન્દ્રનાથે 1911માં લખેલું ‘જનગણમન અધિનાયક’ રાષ્ટ્રગીત માટે બંધબેસતું ગીત નીવડ્યું. આંદોલનના ભાગરૂપ સભાસરઘસોમાં આ ગીતો ગવાતાં. 1947માં ભારત સ્વતંત્ર થયું. તેની બંધારણ સભાની સમાપ્તિમાં ‘જનગણમન’ ગવાયું. તેને રાષ્ટ્રગીત ઘોષિત કરાયું. ‘વંદે માતરમ્’નો ફાળો ઓછો નહોતો; તેથી તેને પણ સમાન દરજ્જાનું રાષ્ટ્રીય ગીત ઘોષિત કરાયું. રાષ્ટ્રગીત ગાવા સંબંધી વિશેષ નિયમો છે. કેટલી લીટીઓ, કેવા પ્રસંગે, કયા રાગમાં, કેટલા સમયમાં ગાઈ શકાય. આ બધાના જે નિયમો છે તેમનું પાલન કરવું જરૂરી લેખાય છે.
બંસીધર શુક્લ