રાવ, મધુસૂદન (જ. 1853, પુરી, ઓરિસા; અ. 1912) : ઊડિયા કવિ, અનુવાદક તથા નિબંધકાર. તેમણે નિબંધકાર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો, જેમાં તેમણે નૈતિક મૂલ્યો અને તત્વજ્ઞાનવિષયક વિચારો રજૂ કર્યા.
1873માં તેમણે કેટલીક સંસ્કૃત અને અંગ્રેજી ગદ્ય અને પદ્યની રચનાઓનો અનુવાદ કર્યો. ‘કવિતાવલિ’ નામક કાવ્યસંગ્રહના બે ગ્રંથો 1873 અને 1874માં પ્રગટ થયા, જેનાથી ઊડિયા ઊર્મિકાવ્યનો નવો યુગ શરૂ થયો. ચૌતિસા, કોઈલી, બોલી, પડિયા જેવાં ઊર્મિકાવ્યનાં જૂનાં સ્વરૂપોની જગ્યાએ ગેયકાવ્ય, શોકગીત (રાજિયા), સૉનેટ અને પશ્ચિમની કવિતાનાં અન્ય સ્વરૂપોએ સ્થાન લીધું.
તેમનું મોટાભાગનું સાહિત્યિક સર્જન ઊર્મિકાવ્ય-રચનાઓનું છે. 1880થી તેમના અવસાનપર્યંતના 30 વર્ષના સમય દરમિયાન તેમણે તેમનાં અતિ સુંદર ઊર્મિકાવ્યોથી ઊડિયા સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. તેથી તેઓ અદ્યતન ઊડિયા ઊર્મિકાવ્યના પિતા ગણાયા છે.
તેમની સૌથી વધુ પ્રસિદ્ધ કૃતિઓમાં ‘છંદમાલા’ (ગ્રં. 1, 1880; ગ્રંથ 2, 1895); ‘સંગીતમાલા’ (1894); ‘વસંતગાથા’ (1910); ‘કુસુમાંજલિ’ (1903) અને ‘ઉત્કલગાથા’(1908)નો સમાવેશ થાય છે. ‘વસંતગાથા’ 7 સૉનેટની બનેલી છે. ‘કુસુમાંજલિ’માં સંખ્યાબંધ શોકગીતો જેવાં કે ‘શોકલહરી’, ‘મહાદેવી વિક્ટોરિયા’, ‘રાધાનાથ વિયોગ’, ‘શોક શ્ર્લોક’ વગેરેનો સમાવેશ થાય છે.
વિવિધ વિષયો પરની તેમની ગેય કાવ્યકૃતિઓમાં ‘પૃથ્વી પ્રતિ’; ‘નદી પ્રતિ’, ‘આકાશ પ્રતિ’; ‘જીવનચિંતા’ અને ‘કૌનસી પરલોકવાસીની પ્રતિ’ નોંધપાત્ર છે.
ઓગણીસમી સદીના છેલ્લા દસકામાં તેઓ સાચા દેશભક્ત બન્યા અને સાથોસાથ ધાર્મિક વિષયો છોડીને દેશભક્તિ અને રાષ્ટ્રીયતા તરફ વળ્યા. પરિણામે તેમણે ‘ઉત્કલગાથા’; ‘ભારતભાવના’; ‘ભારત વંદના’, ‘ઉત્કલવંદના’ અને ‘જન્મભૂમિ’ જેવી દેશભક્તિસભર કૃતિઓ આપી. એક સુધારક તરીકે તેમણે જૂની માન્યતાઓ, વહેમો, ધાર્મિકવેડા અને રૂઢિચુસ્તપણા સામે બંડ પોકાર્યું અને ઊડિયા સાહિત્યમાં વિશ્વબંધુત્વની પહેલ કરી.
તેમનાં શ્રેષ્ઠ ને સુંદર ઊર્મિકાવ્યોમાં ‘બિછડે’; ‘ઋષિપ્રાણ દેવાવતરણ’; ‘હિમાચલ ઉદય ઉત્સવ’; ‘એ સૃદૃષ્ટિ અમૃતમય હૈ’ ઉલ્લેખનીય છે. ઋતુકાવ્યો અને પ્રાકૃતિક કાવ્યોમાં ‘પ્રભાત’; ‘સુંદર સંસાર’ અને ‘શોભા’ વગેરેનો સમાવેશ થાય છે.
તેમની પાછલી અવસ્થામાં પણ તેમણે બે વાર્તાસંગ્રહો રચ્યા અને ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’નો ઊડિયામાં અનુવાદ કર્યો. બાળસાહિત્યના વિકાસમાં પણ તેમનો ફાળો નોંધપાત્ર રહ્યો છે.
બળદેવભાઈ કનીજિયા