રાવળ, દિનેશ (જ. 4 ઑગસ્ટ 1934, કરાંચી) : ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક. તેમનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનું હળવદ. મામા રેવાશંકર પંચોલી કરાંચીમાં ફિલ્મ-વિતરણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. નાના મામા દલસુખ પંચોલીનો લાહોરમાં સ્ટુડિયો હતો, જ્યાં હિન્દી ફિલ્મોનું નિર્માણ થતું હતું. મોસાળ પક્ષ સિનેમાના સર્જન અને વ્યવસાય સાથે સંકળાયેલો હોવાથી નાનપણથી જ દિનેશ રાવળને પણ એ વાતાવરણ પ્રાપ્ત થયું.
1947માં દેશના ભાગલા થયા અને કરાંચી છોડી પહેલાં હળવદ અને પછી મુંબઈ સ્થિર થયા. મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કર્યો. આ દરમિયાન મુંબઈ સ્થિર થયેલા દલસુખ પંચોલીએ હિન્દી ફિલ્મોનું નિર્માણ શરૂ કર્યું. 1951ની ‘નગીના’ ફિલ્મનું દિગ્દર્શન દિનેશભાઈના માસીના દીકરા રવીન્દ્ર દવેએ કર્યું હતું. ત્યારબાદ ‘ભાઈસાહબ’ ફિલ્મનું નિર્માણ શરૂ થયું ત્યારે રવીન્દ્રભાઈના સહાયક તરીકે તેમણે કારકિર્દીનો આરંભ કર્યો. રવીન્દ્ર દવેએ પોતાની ફિલ્મનિર્માણ-સંસ્થા ‘નગીના ફિલ્મ્સ’ શરૂ કરી ત્યારે પણ દિનેશભાઈ તેમની જોડે સક્રિય રહ્યા.
1960 આસપાસ રવીન્દ્ર દવેના સાળા કુમાર દવેએ ‘જીવણો જુગારી’ નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ આરંભ્યું અને દિગ્દર્શન દિનેશ રાવળને સોંપાયું. ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં ‘જીવણો જુગારી’ તેની ઉત્તમ સર્જકતાને કારણે વિશેષ રીતે ઉલ્લેખ પામી. 1963માં સેન્સર થયેલી આ ફિલ્મ બાદ વર્ષ 2002 સુધીમાં તેમણે 26 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું.
સિનેમા ઉપરાંત રંગભૂમિ સાથે પણ તેમણે આ દરમિયાન સંબંધ બાંધ્યો અને આઈ.એન.ટી.ના પ્રવીણ જોષી જોડે રહી નાટકનો સ્વાનુભાવે અભ્યાસ કર્યો.
તેમણે સામાજિક વિષયો ઉપરાંત ગુજરાતી સિનેમા વ્યવસાયની લોકપ્રિય સામગ્રી બનેલા લોકકથા, સતીકથા, ભક્તકથાના વિષયો પણ ફિલ્મ માટે અપનાવ્યા. તેમણે દિગ્દર્શન કરેલી 26 ફિલ્મોમાંથી ‘રમત રમાડે રામ’ (1964), ‘મેનાં ગુર્જરી’ (1975), ‘ભગત ગોરા કુંભાર’ (1978), ‘ચંદન મલયાગરી’ (1978), ‘અષાઢી બીજ’ (1979), ‘ગંગા સતી’ (1979), ‘અમર દેવીદાસ’ (1981), ‘પ્રેમઘેલી માલણ’ (1995) ફિલ્મો સફળ રહી છે. મલ્લિકા સારાભાઈ અભિનીત ‘મેનાં ગુર્જરી’ તો સુવર્ણ જયંતી ઊજવી શકેલી. ‘જીવણો જુગારી’, ‘રમત રમાડે રામ’ ફિલ્મો માટે તેમને ગુજરાત સરકારનો શ્રેષ્ઠ દિગ્દર્શક તરીકેનો પુરસ્કાર પણ મળ્યો હતો.
1970 પહેલાંનાં થોડાં વર્ષ ગુજરાતી ફિલ્મોના નિર્માણમાં ઓટ આવી ત્યારે તેમણે ‘કચ્છનો વિકાસ’ નામે દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. તેઓ ત્રણેક હિન્દી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક પણ રહ્યા હતા.
તેમના આગ્રહથી રવીન્દ્ર દવેએ 1971માં ઈસ્ટમેન કલરમાં ‘જેસલ તોરલ’ ઉતારી. તેના નિર્માણથી ગુજરાતી ફિલ્મોનો યુગ શરૂ થયો. ચારેક દાયકાની સક્રિયતા બાદ દિનેશ રાવળ નિવૃત્તિનું જીવન ગાળવા માટે વાંકાનેર જઈને વસ્યા છે.
હરીશ રઘુવંશી