રાય, સત્યજિત (જ. 2 મે 1921, પશ્ચિમ બંગાળ; અ. 23 એપ્રિલ 1992) : ચલચિત્રજગતમાં ભારતનું નામ રોશન કરનાર દિગ્દર્શક, લેખક અને સંગીતકાર. પિતા : સુકુમાર રાય, માતા : સુપ્રભા. સત્યજિત રાયનું બાળપણનું હુલામણું નામ માણિક હતું. તેઓ બે વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેને પરિણામે તેમનું બાળપણ મોસાળમાં વીત્યું હતું. તેઓ 10 વર્ષના હતા ત્યારે તેમને એક કૅમેરા ભેટ મળ્યો હતો. વિધવા માતાએ ભરતગૂંથણ વગેરે કામ કરીને સત્યજિતને ભણાવ્યા હતા.
1936માં સત્યજિત કોલકાતાની ખ્યાતનામ પ્રેસિડન્સી કૉલેજમાં દાખલ થયા હતા. 1940માં કવિવર ટાગોરની પ્રેરણાથી તેઓ શાંતિનિકેતન ગયા અને ત્યાં કલાકાર નંદલાલ બસુ પાસેથી કલાની જે સમજ તેમણે કેળવી એ તેમને પછી ખૂબ કામ લાગી. શાંતિનિકેતનથી કોલકાતા પરત આવ્યા બાદ 1943માં તેમણે જે. કીમર નામની એક બ્રિટિશ કંપનીમાં નોકરી કરવા માંડી. આ કંપની જાહેરખબરોનું કામ કરતી હતી. તેમણે દસેક વર્ષ આ કંપનીમાં કામ કર્યું. દરમિયાનમાં ચિત્રનિર્માણ તરફ તેમનું આકર્ષણ વધતું ચાલ્યું. બંગાળી ચિત્રો જોઈને તેમને પટકથાઓ લખવાની પ્રેરણા મળી. તેમણે ‘ધ પ્રિઝનર ઑવ્ ઝેન્ડા’ના બંગાળી ચિત્ર માટે પટકથા લખી અને તે બિમલ રૉયને બતાવી. બિમલ રૉયને તે પસંદ ન પડી. પણ તેથી નિરાશ થયા વિના સત્યજિત રાયે લેખન ચાલુ રાખ્યું અને ટાગોરની કૃતિ પર આધારિત ‘ઘરે-બાહિરે’ની પટકથા લખી. કેટલાક નિર્માતાઓને આ પટકથા ગમી, પણ તેમના કેટલાક આગ્રહોને કારણે આ પટકથા પરથી ચિત્ર બનાવવાની યોજના પૂરી ન થઈ શકી.
1945માં સિગ્નેટ પ્રેસે સત્યજિતને ‘પથેર પાંચાલી’ની નવી સંક્ષિપ્ત આવૃત્તિ માટે ચિત્રો બનાવવાનું કામ સોંપ્યું. તેઓ આ કામ કરતા હતા એ દરમિયાન જ તેમને આ કથા પરથી ચિત્ર બનાવવાનો વિચાર આવ્યો. દરમિયાનમાં તેઓ કોલકાતાથી પ્રગટ થતા અંગ્રેજી દૈનિક ‘ધ સ્ટેટ્સમૅન’માં ચલચિત્રોની સમીક્ષા લખતા હતા. લોકોને સારાં ચિત્રો જોવા મળે એ માટે 1948માં સત્યજિતે કોલકાતામાં એક ફિલ્મ સોસાયટીની સ્થાપના કરી. 1949માં સત્યજિતે તેમની ફોઈની દીકરી વિજયા સાથે લગ્ન કર્યાં. 1950માં તેમને કંપનીએ આર્ટ-ડિરેક્ટર તરીકે બઢતી આપી અને પોતાના ખર્ચે યુરોપ મોકલ્યા. પત્નીને સાથે લઈને તેઓ યુરોપ ગયા અને ત્યાં સાડા ચાર માસમાં લગભગ 100થી વધુ વિદેશી ચિત્રો જોયાં. ભારત પાછા આવીને તેઓ ‘પથેર પાંચાલી’ની પટકથા લખવામાં વ્યસ્ત થઈ ગયા. ચિત્ર બનાવવા માટે તેમણે કેટલાક નિર્માતાઓનો સંપર્ક સાધ્યો, પણ કોઈએ રસ ન દાખવતાં પોતાની વીમાની પૉલિસી પર વ્યાજે નાણાં લઈને અને થોડાક ઉછીના રૂપિયા લઈને ‘પથેર પાંચાલી’નું નિર્માણ શરૂ કરી દીધું, પણ સખત નાણાભીડ વચ્ચે એક તબક્કે તો ચિત્રનિર્માણ અટકાવી દેવું પડે એવી સ્થિતિ થઈ ગઈ; પણ અંતે પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય પ્રધાન બી. સી. રૉયની ભલામણથી રાજ્ય સરકારે એ ચિત્ર ખરીદી લીધું અને જરૂરી સહાય કરતાં ચિત્ર પૂરું થયું. આ ચિત્રને જ્યારે કાન ચિત્ર મહોત્સવમાં મોકલવાનો વારો આવ્યો ત્યારે કેટલાક લોકોએ એવો વિરોધ કર્યો કે આ ચિત્રમાં રજૂ કરાયેલી ગરીબી પરદેશોમાં દેશની આબરૂ ખરાબ કરશે, પણ સત્યજિતે આ વિરોધની પરવા કર્યા વિના ચિત્ર મોકલ્યું અને ત્યાં પુરસ્કૃત થયું. પ્રથમ જ ચિત્ર ‘પથેર પાંચાલી’એ માત્ર સત્યજિત રાયને જ નહિ, ભારતીય ચિત્ર-ઉદ્યોગને પણ નામના અપાવી. દુનિયાના તમામ ચિત્ર-મહોત્સવોમાં તે રજૂ થયું અને અસંખ્ય પારિતોષિકો જીત્યું. ભારતના રાષ્ટ્રપતિએ પણ આ ચિત્રને પારિતોષિક આપ્યું.
‘પથેર પાંચાલી’ પછી સત્યજિત રાયે જે પણ ચિત્રો બનાવ્યાં એ તમામની દેશમાં અને વિદેશમાં નોંધ લેવાઈ. અનેક બંગાળી સાહિત્યિક કૃતિઓને તેમણે પડદા પર ઉતારી. ‘પથેર પાંચાલી’ (1955) પછી તેમણે જે ચિત્રો બનાવ્યાં તેમાં ‘અપરાજિત’ (1956), ‘પારસ પાથર’ (1957), ‘જલસાઘર’ (1958), ‘અપુર સંસાર’ (1959), ‘દેવી’ (1960), ‘તીન કન્યા’ (1961), ‘કાંચનજંઘા’ (1962), ‘અભિયાન’ (1962), ‘મહાનગર’ (1963), ‘ચારુલતા’ (1964), ‘કાપુરુષ ઓ મહાપુરુષ’ (1965), ‘નાયક’ (1966), ‘ચિડિયાખાના’ (1967), ‘ગોપી ગાયેન બાઘા બાયેન’ (1969), ‘પ્રતિદ્વંદ્વી’ (1970), ‘અરણ્યેર દિનરાત્રિ’ (1970), ‘સીમાબદ્ધ’ (1971), ‘અશનિ સંકેત’ (1973), ‘સોનાર કેલ્લા’ (1974), ‘જનઅરણ્ય’ (1975), ‘શતરંજ કે ખિલાડી’ (1977), ‘જય બાબા ફેલુનાથ’ (1979), ‘હીરક રાજાર દેશે’ (1980), ‘સદગતિ’ (1981), ‘ઘરે-બાહિરે’ (1984), ‘ગણશત્રુ’ (1989), ‘શાખાપ્રશાખા’ (1990) અને ‘આગંતુક’(1991)નો સમાવેશ થાય છે. સત્યજિત રાયે એકમાત્ર હિંદી ચિત્ર ‘શતરંજ કે ખિલાડી’ મુનશી પ્રેમચંદની વાર્તા પરથી બનાવ્યું હતું. રાયનાં ચિત્રોમાં એક બાબત એ જોવા મળે છે કે કલા અને સંદેશ બંને દૃષ્ટિએ તેમનાં ચિત્રો સંપૂર્ણ હતાં અને તેમણે પોતાના કોઈ પણ ચિત્રમાં અગાઉના ચિત્રના સંદેશ કે દૃષ્ટિકોણનું પુનરાવર્તન કર્યું નથી. 1955થી 1991 સુધીમાં તેમણે 37 ચિત્રો બનાવ્યાં; જેમાં 29 કથાચિત્રો, 3 લઘુચિત્રો અને 5 દસ્તાવેજી ચિત્રો છે. 1971માં રાયે બનાવેલા એક દસ્તાવેજી ચિત્ર ‘સિક્કિમ’ પર ભારત સરકારે પ્રતિબંધ લગાવી દીધો હતો. હજી તે પ્રતિબંધ યથાવત જ છે. ચલચિત્રો ઉપરાંત સત્યજિત રાયે બાલવાર્તાઓ, કિશોરકથાઓ, વિજ્ઞાનકથાઓ અને રહસ્યકથાઓ લખી છે. રહસ્યકથાઓમાં એક ગુનાશોધક તરીકે મુખ્ય પાત્ર ફેલુદાનું તેમણે સર્જન કર્યું હતું. તેમણે કુલ 38 પુસ્તકો લખ્યાં, જેમાં 30 કિશોરો માટેનાં છે. તેમના પિતાએ શરૂ કરેલું બાળકો માટેનું સામયિક ‘સંદેશ’ બંધ પડી ગયું હતું, તે રાયે ફરી શરૂ કર્યું અને જીવ્યા ત્યાં સુધી તેનું સંપાદન કર્યું.
ચલચિત્રોમાં ભારતીય સમાજ, તેનું સાંસ્કૃતિક વૈવિધ્ય, ગરીબાઈ વચ્ચે પણ લોકોની જિંદાદિલી વગેરેનું નિરૂપણ કરતાં ચિત્રો બનાવવા બદલ સત્યજિત રાયને અનેક પ્રતિષ્ઠિત પારિતોષિકો મળ્યાં હતાં; જેમાં ‘પદ્મશ્રી’ (1958), ‘પદ્મભૂષણ’ (1965), ‘રેમન મૅગસેસે’ (1967), ‘સ્ટાર ઑવ્ યુગોસ્લાવિયા’ (1971), દિલ્હી યુનિવર્સિટી તરફથી માનદ ડી. લિટ્. (1973), ઑક્સફર્ડ યુનિવર્સિટી તરફથી માનદ ડી. લિટ્. (1977), બર્લિન ચિત્ર મહોત્સવનું ખાસ પારિતોષિક (1978), વેનિસ મહોત્સવમાં ગોલ્ડન લાયન (1982), બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટની ફેલોશિપ (1983), કોલકાતા યુનિવર્સિટી તરફથી માનદ ડી. લિટ્. (1985), સોવિયેત લૅન્ડ નહેરુ પારિતોષિક (1985), ફ્રાન્સનો લિજિયન દ ઑનર (1987) ઉપરાંત ભારત સરકારનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારતરત્ન’ તેમને અપાયું અને ચલચિત્રોને તેમણે આપેલા મહામૂલા પ્રદાન બદલ અને ચિત્રસર્જક તરીકેની સુદીર્ઘ સેવાઓ બદલ તેમને 1992માં ઑસ્કર ઍવૉર્ડ એનાયત કરાયો હતો. આ પ્રતિષ્ઠિત ઍવૉર્ડ જાહેર કરાયો ત્યારે તેમની તબિયત સારી નહોતી અને તેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. ઑસ્કર ઍવૉર્ડ આપતી અકાદમીના પ્રતિનિધિઓએ ખાસ કોલકાતા આવીને તેમને ઍવૉર્ડ અર્પણ કર્યો હતો. એ પછી થોડા જ દિવસોમાં તેમનું નિધન થયું હતું. તેમના એકમાત્ર પુત્ર સંદીપનો જન્મ 1953માં થયો હતો. સંદીપે પણ ચિત્રસર્જક તરીકે નામના મેળવી છે.
હરસુખ થાનકી