રામોજી રાવ ચેરુકુરી (.16 નવેમ્બર 1936, પેદાપરુપુડી, કૃષ્ણા જિલ્લો, આંધ્રપ્રદેશ) : રામોજી ગ્રૂપના અધ્યક્ષ અને મીડિયા મુઘલ.

એક કૃષિ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. માતાપિતા ચેરુકુરી વેંકટ સુબમ્મા અને ચેરુકુરી વેંકટ સુબૈયા. બે બહેનો રંગનાયક્મ્મા અને રાજ્યલક્ષ્મી. પરંપરાગતપણે પરિવાર ખેતી સાથે જોડાયેલો હોવાના કારણે રામોજી રાવને ગળથૂથીમાં જ કૃષિસંબંધી જ્ઞાન મળેલું. બાળપણમાં રામોજી રાવને નવી બાબતો શીખવાની, કાંઈક નવું કરવાની અને  ખેડૂતોના કલ્યાણ માટે કાંઈક નક્કર કામગીરી કરવાની ધગશ હતી. સાહિત્યના વિષય સાથે અભ્યાસ પૂરો કર્યા પછી રામોજી રાવે વિશાખાપટ્ટનમથી એક કિસાન પત્રિકા પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. આ પત્રિકા ખેડૂતોનાં હિત અને ખેડૂતોની સમસ્યા ઉજાગર કરવાનું કામ કરતી. સાથે જ ખેડૂતોને  નવીનતમ તથા અત્યાધુનિક ટૅકનૉલૉજી અંગે જાણકારી આપવાનું કામ પણ કરતી. જોતજોતામાં જ આંધ્રપ્રદેશના સાગરકાંઠાના ખેડૂતોમાં આ પત્રિકા અત્યંત લોકપ્રિય થઈ ગઈ. પત્રિકા પોતાના સમયની બ્લોકબસ્ટર પુરવાર થઈ.

રામોજી રાવ તરીકે જાણીતા ચેરુકુરી રામોજી રાવ ભારતીય ઉદ્યોગપતિ, મીડિયા મુઘલ અને ફિલ્મ નિર્માતા છે. રામોજી રાવ રામોજી ગ્રૂપના અધ્યક્ષ છે. તેઓ ભારતના રૂપર્ટ મર્ડોક તરીકે જાણીતા છે. અવિભાજ્ય આંધ્રપ્રદેશના રાજકારણમાં રામોજી રાવનો દબદબો રહ્યો. અભિનેતામાંથી રાજકારણી બનેલા સુપરસ્ટાર એન. ટી. રામારાવને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીના પદે પહોંચાડવામાં રામોજી રાવની મહત્ત્વની ભૂમિકા રહી હતી.મુખ્યત્વે સફેદ શ્વેત સફારી અને શ્વેત જૂતાંમાં જોવા મળતા રામોજી રાવ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. 2015માં રામોજી રાવે હૈદરાબાદમાં ભારતનાં 108 મંદિરોની પ્રતિકૃતિ ધરાવતા ઓમ આધ્યાત્મિક નગર – ઓમ સ્પિરિચ્યુઅલ સિટીના નિર્માણની ઘોષણા કરી હતી.કોરોના કાળમાં રામોજી રાવે આંધ્રપ્રદેશ અને તેલંગણના મુખ્યમંત્રી રાહત કોશમાં 10 કરોડ રૂપિયાનો ફાળો આપ્યો હતો.

રામોજી રાવ દુનિયાની સૌથી મોટી અને વિશાળ ફિલ્મ નિર્માણ સુવિધા પ્રદાન કરતી રામોજી ફિલ્મ સિટી, ઈનાડુ અખબાર, ફિલ્મ સામયિક સિતારા, ટેલિવિઝન ચૅનલોના ઈટીવી નેટવર્ક તથા ફિલ્મનિર્માણ કંપની ઉષા કિરણ મૂવીઝના માલિક છે. રામોજી રાવના અન્ય વ્યવસાયિક સાહસોમાં માર્ગદર્શી ચિટ ફંડ, કલંજલિ શોપિંગ મોલ,પ્રિયા ફૂડસ અને પ્રિયા પીકલ્સ, રમાદેવી પબ્લિક સ્કૂલ અનેમયૂરી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર્સનો સમાવેશ થાય છે. રામોજી રાવ આંધ્રપ્રદેશની ડોલ્ફિન ગ્રૂપ ઓફ હોટેલ્સના અધ્યક્ષ પણ છે. 2016માં પત્રકારત્વ, સાહિત્ય અને શિક્ષણક્ષેત્રે રામોજી રાવે કરેલા પ્રદાન બદલ ભારત સરકારે તેમને દેશના બીજા સર્વોચ્ચ સન્માન પદ્મવિભૂષણથી સન્માનિત કર્યા હતા.

ધીમે ધીમે રામોજી રાવે મુખ્ય ધારાના પ્રિન્ટ મીડિયામાં પદાર્પણ કર્યું. 1974માં તેલુગુ ભાષામાં ‘ઈનાડુ’ અખબારનું પ્રકાશન  શરૂ કર્યું. જિલ્લાની અલગ આવૃત્તિઓ સાથે રાષ્ટ્રીય સમાચારો આવરી લેતું પહેલું વર્તમાનપત્ર હોવાનું શ્રેય ઈનાડુને મળે છે. સાથે રામોજી રાવે કૃષિલક્ષી ‘અન્નદાતા’ નામનું સામયિક પણ શરૂ કર્યું. 1980માં શરૂ કરેલું  પ્રિયા ફૂડસ પ્રિયા પીકલ્સ માટે પ્રખ્યાત બન્યું. ત્યાર બાદ તેમણે ટીવી મીડિયામાં પણ નસીબ અજમાવ્યું. 1995માં ઈટીવી નેટવર્ક અંતર્ગત તેલુગુ, હિન્દી, બંગાળી, મરાઠી, કન્નડ, ઊડિયા, ગુજરાતી અને ઉર્દૂ સહિત વિવિધ ભાષાઓમાં 12 ચૅનલ શરૂ કરી. ચૅનલ પર ખેડૂતોનાં જીવન અને ખેતીની જુદી જુદી પદ્ધતિઓ અંગે જાણકારી આપતો ‘અન્નદાતા’ નામના કાર્યક્રમનું પ્રસારણ શરૂ થયું. ખેડૂતોના કલ્યાણ માટે શરૂ થયો હોય એવો આ પહેલો જ કાર્યક્રમ હોવાથી કિસાનોમાં એ ખૂબ લોકપ્રિય થયેલો. અન્નદાતા ટીઆરપીમાં લાંબા સમય સુધી પહેલા ક્રમાંકે રહેલો. રામોજી રાવ સફળ ઉદ્યોગપતિ અને મીડિયાના મહારથી બન્યા. રમાદેવી સાથે લગ્ન કર્યાં. બે દીકરા સુમન પ્રભાકર અને કિરણ પ્રભાકર. સપ્ટેમ્બર,  2012માં સુમનનું  મૃત્યુ થયું.

દરમિયાન, રામોજી રાવ તેલુગુ ફિલ્મજગતમાં પગરણ કરી ચૂકેલા. ‘ઉષાકિરણ મૂવીઝ’ નામથી ફિલ્મ- નિર્માણગૃહ બનાવ્યું. તેલુગુ ભાષામાં કેટલીયે સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું. ફિલ્મ નિર્માણ દરમિયાન રામોજી રાવને ખ્યાલ આવ્યો કે ફિલ્મના શૂટિંગ પછી ખાસ્સો સમય પોસ્ટ પ્રોડક્શન અને એડિટિંગ પાછળ આપવો પડે છે. તથા એ કામ સુપેરે પાર પાડવા માટે વિભિન્ન એજન્સીઓની મદદ લેવી પડે છે. પરિણામે ફિલ્મનિર્માણમાં વિલંબ થાય છે. ઉપરાંત ફિલ્મનું બજેટ પણ વધી જાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે રામોજી રાવે 1996માં એક જ સ્થાને ફિલ્મનિર્માણને લગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવતી ‘રામોજી ફિલ્મ સિટી’નું નિર્માણ કર્યું.

‘રામોજી ફિલ્મ સિટી’ દુનિયાનો સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો પરિસર હોવાનું મનાય છે. તત્કાલીન આંધ્રપ્રદેશની રાજધાની  હૈદરાબાદમાં વિજયવાડા હાઈવે  પર અબ્દુલ્લાપુરમેટમાં આવેલો ‘રામોજી ફિલ્મ સિટી’ સ્ટુડિયો 1666 એકર જેટલા  ક્ષેત્રફળમાં વિસ્તરેલો છે.ફિલ્મ સિટીમાં રેલવેસ્ટેશન, એરપૉર્ટ, મંદિર, મહેલ, નગર, ગામ, જંગલ, સમુદ્ર, નદીઓ, બજાર, હોસ્પિટલ, અદાલત, ચર્ચ, ગુરુદ્વારા, મસ્જિદ, સેન્ટ્રલ જેલ, અને ખેલકૂદનું મેદાન જેવાં લોકેશનોની સુવિધા છે. દર વર્ષે 10 લાખ સહેલાણીઓ ફિલ્મ સિટીની સફર કરે છે. પર્યટન સ્થળ તરીકે પ્રખ્યાત અને ‘શહેરની ભીતરના શહેર’ તરીકે પણ જાણીતી ફિલ્મ સિટીમાં 500થી વધુ લોકેશન, સંખ્યાબંધ ઉદ્યાનો, 50 શૂટિંગ ફ્લોર અને 15થી 25 ફિલ્મોનું એકસાથે શૂટિંગ થઈ શકે તેવી સુવિધા છે. ફિલ્મ સિટીમાં ટેલિવિઝન  શ્રેણીઓનું નિર્માણ પણ થાય છે. ફિલ્મ સિટીમાં થ્રી સ્ટાર અને ફાઈવ સ્ટાર હોટેલો છે. એક અહેવાલ મુજબ પ્રતિવર્ષ 200 લેખે  ફિલ્મ સિટીમાં 25,000 જેટલી ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે. તેમાં સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલી ઉપરાંત બોલિવૂડની ‘ક્રિશ’, ‘ધ ડર્ટી પિક્ચર’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘સૂર્યવંશમ્’, ‘દિલવાલે’, ‘નાયક’ અને ‘ગોલમાલ’ સહિતની  ફિલ્મોનો સમાવેશ થાય છે.

રામોજી રાવે પોતે પણ  તેલુગુ, કન્નડ, મલયાળમ અને હિન્દી સહિતની વિવિધ ભાષાઓમાં 80 જેટલી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. 1984માં તેમણે પહેલી ફિલ્મ ‘શ્રીવારિકી પ્રેમલેખા’ તેલુગુ ભાષામાં બનાવેલી. અન્ય ફિલ્મોમાં ‘કંચના ગંગા’, ‘સુંદરી સુબ્બારાવ’, ‘ચંદામામા રેવ’, ‘પ્રતિજ્ઞા’, ‘પાખરિનુ પકરમ’, ‘ચિત્રા’, ‘આનંદ’, ‘સાંવરી’, ‘તુઝે મેરી કસમ’અને ‘મયૂરી’ સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે. 1985માં બનાવેલી ‘મયૂરી’ મલયાળમ અને તમિળ ભાષામાં ‘મયૂરી’ નામે અને હિન્દીમાં ‘નાચે મયૂરી’ નામે બનાવેલી. આ ફિલ્મ જાણીતાં અભિનેત્રી સુધા ચંદ્રનના જીવન પર આધારિત છે.

સિનેમાક્ષેત્રે રામોજી રાવે કરેલા યોગદાન બદલ 4 ફિલ્મફેર પુરસ્કાર પ્રાપ્ત થયા છે. 1985માં તેલુગુ ફિલ્મ ‘પ્રતિઘાતન’ માટે તેમને ફિલ્મફેરનો સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર, 1998માં દક્ષિણ  ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ ફિલ્મફેર વિશેષ પુરસ્કાર, 2000માં તેલુગુ ફિલ્મ ‘નુવ્વે કવલી’ માટે ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કાર અને 2004માં ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેંટ ઍવૉર્ડ-સાઉથ એનાયત કરાયો હતો. રામોજી રાવને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેના 5 નંદી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. 1984માં ‘કંચના ગંગા’ને રજત ચંદ્રક, 1985માં ‘મયૂરી’ને  સુવર્ણ ચંદ્રક, 1989માં ‘મૌના પોરટમ’ને રજત ચંદ્રક, 1991માં ‘અશ્વિની’ને કાંસ્ય ચંદ્રક અને 1992માં ‘તેજા’ને સર્વશ્રેષ્ઠ બાળફિલ્મ માટેનો સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો હતો.

 

ટીના દોશી