રામૈયા, બી. એસ. (જ. 1905, બટલાગુંડુ, મદુરાઈ પાસે) : તમિળના જાણીતા લેખક, વિવેચક, નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમના સાહિત્યના ઇતિહાસની કૃતિ ‘માણિક્કોડિ કલમ’ માટે 1982ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
અધવચ્ચે ચોથા ધોરણથી શાળા છોડ્યા બાદ તેમણે સ્વપ્રયત્ને અભ્યાસ કર્યો. કેવળ ટૂંકી વાર્તાઓ જ પ્રગટ કરતા પખવાડિક ‘માણિક્કોડિ’માં તેઓ જોડાયા. તેમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો અને જેલયાત્રા ભોગવી. તેમની સૌપ્રથમ ટૂંકી વાર્તાને 1933માં ઍવૉર્ડ મળેલો. ઉપર્યુક્ત પખવાડિકના તેમના સંપાદન દરમિયાન તમિળના મહત્વના લેખકોની સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ પ્રગટ થઈ.
વિધવાપુનર્લગ્નના પ્રશ્ર્નોની છણાવટ કરતા તેમના વાર્તાસંગ્રહોમાં ‘શિવશક્તિ નૃત્યમ્’; ‘એદિરક્કાત્ચિ’ અને ‘કંચિક્કાલયમ્’ મુખ્ય છે. તમામ જ્ઞાતિ અને ધર્મનાં સ્ત્રી-પુરુષ સમાન હોય અને વિવેકનું સર્વોપરી સ્થાન હોય એવા જગતની કલ્પનાથી પ્રેરિત તેમની નવલકથા ‘પિરેમા હરેમ’ ઉલ્લેખનીય છે. બાલમાનસનું કલાત્મક નિરૂપણ ‘નક્ષત્તિરક્કુલન્ડાઈ’(‘ધ ચાઇલ્ડ ઑવ્ સ્ટાર’)માં છે; તો અનેક-પત્નીત્વની વાત ‘એન્નેતુ મેજિક કનવન’(‘માય ફૉર્મર હસબન્ડ’)માં વણી લીધી છે.
1938માં તેમણે ફિલ્મ-ક્ષેત્રમાં ઝુકાવ્યું. તેમણે સંવાદો અને પટકથાઓ લખવા ઉપરાંત બે ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું. 1957માં તેમણે રંગમંચ-ક્ષેત્રે ‘પૌરાણિક નાટક’, ‘તિરોત્તિચિન મકન’(‘ધ ચૅરિયટિયર્સ સન’)થી પ્રારંભ કર્યો. તેને તમિલનાડુ સંગીત નાટક અકાદમી તરફથી પુરસ્કાર આપવામાં આવ્યો. તેમનાં અન્ય નાટકોમાં ‘પાંચાલીશપથમ્’ (‘ધ વાઉ ઑવ્ પાંચાલી’, 1961); ‘મલ્લીયમ મંગલમ્’ (1950); ‘પુ વિલંગુ’ (‘શૅકલ્સ ઑવ્ ફ્લાવર્સ’, 1963); ‘પ્રેસિડન્ટ પંજાક્ષરમ્’ (1957) નોંધપાત્ર છે. આ સિવાય તેમની અન્ય કૃતિઓમાં ‘સિનેમા’ (1943); ‘નાદ વિલક્કુ’ (‘ધ ઇટર્નલ લૅમ્પ’, નવલકથા, 1955); ‘રેડિયોનાટકમ્ એલનુવદુ ઇપ્પાડિ’ (‘હાઉ ટુ રાઇટ રેડિયો પ્લે’, 1955); ‘તિનાઈ વિર્દેત્તાવાન’ (નવલ, 1961); ‘કુંગુમાપ્પોટ્ટુ કુમારસામિ’ (વાર્તાસંગ્રહ, 1963) વગેરેનો સમાવેશ થાય છે. તમિળ ભાષાની અગ્રણી સાહિત્યિક ચળવળનું ઇતિહાસબદ્ધ આલેખન, તેના દસ્તાવેજીકરણની પ્રમાણભૂતતા, વીતેલા સાહિત્યિક યુગનું ચિત્તાકર્ષક નિરૂપણ અને રસપ્રદ શૈલીને કારણે તમિળ સાહિત્યમાં ‘માણિક્કોડિ કલમ’નું આગવું સ્થાન છે.
બળદેવભાઈ કનીજિયા