રામલો રૉબિનહુડ (1962) : ચુનીલાલ મડિયા-રચિત પ્રહસન. હાસ્યકાર-કટાક્ષકાર મડિયા ‘રામલો રૉબિનહુડ’ના નાટ્યલેખનમાં સુપેરે ખીલે છે. કટાક્ષયુક્ત, સચોટ સંવાદશૈલીને કારણે આ નાટકે પ્રહસન તરીકે આગવું કાઠું કાઢ્યું છે. મડિયાએ વર્તમાનપત્રમાં કોઈ ગુનેગારને પકડવા ઇનામની જાહેરાત વાંચી. મનમાં તુક્કો સૂઝ્યો અને તેમાંથી નીપજ્યું તે આ નાટક ‘રામલો રૉબિનહુડ’. કેટલાકના અનુમાન મુજબ આ નાટકનાં કથાવસ્તુ અને પાત્રો સૌરાષ્ટ્ર સરકારના વહીવટ સાથે સંબંધ ધરાવે છે.
સૌરાષ્ટ્રના ગ્રામીણ પરિસરનો મડિયાને બાલ્યાવસ્થાથી જ પ્રત્યક્ષ પરિચય હતો અને એટલે જ અમુક એકાંકીઓ અને ‘રામલો રૉબિનહુડ’ નાટકમાં અનુભવાતી પ્રાદેશિક બોલીના બળે કરીને આ કૃતિ વધુ અસરકારક અને રસપ્રદ બની છે.
લોકશાહી શાસનવ્યવસ્થાની નબળી નસને મડિયાએ દાબી છે. રાજકારણ, અર્થકારણ અને અપરાધીકરણનું નિરૂપણ અને આલેખન ‘રામલો રૉબિનહુડ’માં એવું નકાર અને આવેગપૂર્ણ રીતે કરવામાં આવ્યું છે કે (એ) સમગ્ર કૃતિની દૃશ્યાત્મકતાનું બાહુલ્ય અને પ્રવાહિતા નાટકનો ચોટદાર બનાવી તેને પ્રેક્ષણીય બનાવવામાં સહાયરૂપ થાય છે.
પ્રથમ રામલાથી લઈને અસલી, નકલી રામલાની રાજકીય રમત, સત્તા કાયમ ટકાવી રાખવા માટે રાજકારણીઓ ચાલુ રાખે છે. દર 3 કે 5 વર્ષે પોતાની સત્તાલાલસા-લોલુપતા સંતોષવા નવો રામલો ઊભો કરવાની અનિવાર્યતા પ્રધાનોને રહે છે. આ નાટકનો પ્રધાન સૂર પણ આ જ છે.
સાહિત્યિક દૃષ્ટિએ નહિ, પણ એક રાજકીય કટાક્ષિકા તરીકે ગુજરાતી નાટ્યસાહિત્ય-ક્ષેત્રે આ કૃતિ આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતી રંગભૂમિને ‘રામલો રૉબિનહુડ’ જેવાં તખ્તાલાયક પ્રહસનો બહુ ઓછાં સાંપડ્યાં છે.
હાસ્યોત્પાદક વસ્તુની પ્રહસનાત્મક માવજત આપવામાં મડિયા મહદ્ અંશે સફળ થાય છે. મડિયાની વિનોદવૃત્તિને કારણે નાટકનાં સીદી, વાલો, ભરથરી, ધરણીધર, પડઘમકાર, દેવદૂત, શિવરાજગિરિ, કુબેરપરી વગેરે પાત્રોના સંવાદોમાં સંભળાતો વ્યંગયુક્ત ઉક્તિભેદ પ્રહસનને પોષક બની રહે છે.
પત્રકાર તરીકે મડિયા કોઈની પણ શેહ-શરમ રાખ્યા વગર તેમનાં લખાણોમાં પોતાના વિચાર ઢપણે, સ્પષ્ટપણે અને ક્યારેક આઘાતજનક રીતે રજૂ કરતાં ખચકાતા નથી. પત્રકારત્વના અનુભવનો લાભ એમણે આ નાટકમાં લીધો જણાય છે.
જનક દવે