રામપુર : ઉત્તર પ્રદેશ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 25´થી 29° 10´ ઉ. અ. અને 78° 51´થી 79° 28´ પૂ. રે. વચ્ચેનો 2,367 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 81 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 49 કિમી. જેટલી છે. આ જિલ્લો રોહિલખંડ વિભાગની મધ્યમાં આવેલો છે. તેની ઉત્તર અને ઈશાનમાં નૈનીતાલ, પૂર્વ અને અગ્નિમાં બરેલી, દક્ષિણમાં બદાયૂં તથા પશ્ચિમમાં મોરાદાબાદ જિલ્લા આવેલા છે. જિલ્લામથક રામપુર જિલ્લાની પશ્ચિમે મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લાનું ભૂપૃષ્ઠ ક્યાંક ક્યાંક અસમતળતા સહિતનાં લગભગ ખુલ્લાં મેદાનોથી બનેલું છે. મેદાનો ઘણી નદીઓથી છેદાયેલાં છે. જિલ્લાનો સામાન્ય ઢોળાવ ઉત્તરથી દક્ષિણ તરફનો છે. જિલ્લાની ઉત્તર સરહદ તરફની ઊંચાઈ આશરે 192 મીટર જેટલી છે, રામપુરની દક્ષિણે તે ઘટીને 166 મીટર જેટલી થઈ જાય છે. ડેવિડસને તેના પુસ્તક ‘ટ્રાવેલ્સ ઇન અપર ઇન્ડિયા’માં રામપુર નગરની આજુબાજુના પ્રદેશને અત્યંત રમણીય તથા સમૃદ્ધ હોવાનો ઉલ્લેખ કરેલો છે. આ જિલ્લાને ચાર પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય છે : (i) ઉત્તરનો જંગલ-વિસ્તાર અથવા અર્ધતરાઈ પ્રદેશ, (ii) મધ્યનું મેદાન, (iii) રામગંગા નદીનો ખદરપ્રદેશ અથવા પૂરનાં મેદાનોનો પ્રદેશ અને (iv) દક્ષિણનો ઊંચાણવાળો પ્રદેશ.
વનસ્પતિ : ટેકરીઓ અને તરાઈ પ્રદેશ નજીક હોવાથી અહીં જંગલો ઊગવા માટે ખૂબ જ અનુકૂળતા છે. જિલ્લાનો કુલ જંગલ-વિસ્તાર 6,611 હેક્ટર ભૂમિમાં છે. વસ્તીવૃદ્ધિની સાથે સાથે જંગલો કપાતાં જાય છે, પરંતુ અહીં ઊંચું ઘાસ ઊગી નીકળતું હોવાથી ખેતી શક્ય બનતી નથી. બાવળ, શીમળો, ઉમરડો, વડ, સીસમ અહીંનાં મુખ્ય વૃક્ષો છે. હવે આ વૃક્ષોને સ્થાને નીલગિરિ અને ખેરનાં વૃક્ષોનું વાવેતર થાય છે. જંગલો સિવાયના પ્રદેશમાં બોર, જાંબુ અને આંબાનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.
જળપરિવાહ : રામગંગા અને તેની સહાયક નદીઓ કોસી તેમજ ગાંગણ અહીંની મુખ્ય નદીઓ છે. અન્ય નાની નદીઓમાં બાહ, કછિયા, બહગુલ, ધાયા, ભાકરા, ઢીમરી, સોહાયા, સૈંજની, પિલાખાર, હાથી, ચિંઘર અને નહાલનો સમાવેશ થાય છે.
ખેતી : ખેતી અહીંના અર્થતંત્રનો મુખ્ય આધાર છે. જિલ્લાની વસ્તીનો આશરે 75 % ભાગ ખેડૂતો અને ખેતમજૂરોથી બનેલો છે. જિલ્લામાં ખરીફ અને રવી પાકો લેવાય છે, જિલ્લામાં સિંચાઈની સગવડ મળી રહે છે. જ્યાં સિંચાઈ ઉપલબ્ધ છે ત્યાં જૈદ પાક પણ લેવાય છે. ખરીફ પાકોમાં શેરડી, ડાંગર, જુવાર અને મકાઈ તથા રવી પાકોમાં ઘઉં અને ચણાનો સમાવેશ થાય છે. અહીં ઘઉંનું વાવેતર વધુમાં વધુ થાય છે. તે પછીના ક્રમે ડાંગર, જુવાર, શેરડી અને મકાઈ આવે છે. ખેતી પછીના ક્રમે પશુપાલન આવે છે. ગાયો અને ભેંસો અહીંનાં મુખ્ય પશુઓ છે. આ ઉપરાંત ભૂંડ અને મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે
ઉદ્યોગ-વેપાર : આ જિલ્લામાં મોટા, મધ્યમ અને નાના પાયા પરના આશરે 335 જેટલા ઉદ્યોગો વિકસેલા છે. આ ઉપરાંત ગ્રામીણ કક્ષાએ ગૃહઉદ્યોગો તેમજ કુટિર-ઉદ્યોગો પણ છે. મુખ્ય ઉદ્યોગોમાં કાગળ, કાપડ, ખાંડ, આર.સી.સી.નાં પતરાં, આલ્કોહૉલ, મેન્થા, સૉલવન્ટ ઑઇલ અને સ્ટ્રૉબૉર્ડનો સમાવેશ થાય છે. ગ્રામીણ અને કુટિર-ઉદ્યોગોમાં ગુંદર, પગરખાં, ચામડાં, ખાદ્યતેલ, દોરડાં, માટલાં, રાચરચીલું અને બારીબારણાંના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. જિલ્લામાં સીવવાના સંચા, ચોખા, ખાંડ, ચપ્પાં-છરીઓ, માટલાં અને બીડીનું ઉત્પાદન લેવાય છે. મેન્થૉલ, ખાદ્યતેલો, ખાંડ, મરચાં, ઘઉં, ચોખા અને છરી-ચપ્પાંની નિકાસ થાય છે; જ્યારે ડીઝલ, ઘઉં, શેરડી, મેન્થા અને લાકડાંની આયાત થાય છે.
પરિવહન-પ્રવાસન : આ જિલ્લામાં રાષ્ટ્રીય ધોરી માર્ગો, જિલ્લા માર્ગો અને ગ્રામ માર્ગો આવેલા છે. દિલ્હી-બરેલી-લખનઉનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. તે રામપુર, ધરમોરા અને મિલાકને જોડે છે. રામપુરબરેલી અને મોરાદાબાદને જોડતો બ્રૉડગેજ રેલમાર્ગ શાહજાદપુર, ધરમોરા, દુગરપુર અને મિલાકને સાંકળી લે છે. આ જિલ્લામાં તેની લંબાઈ 40 કિલોમીટર જેટલી છે. રામપુર જિલ્લામાં વિશિષ્ટ મહત્વ ધરાવતાં કોઈ પ્રવાસ-સ્થળો નથી. વર્ષ દરમિયાન અહીં વારતહેવારે મેળા અને ઉત્સવોનું આયોજન થાય છે. સીદી મિયાં અને મસ્તાન મિયાંના ઉર્સ તથા જન્માષ્ટમી, મોહરમ, શિવરાત્રી, દશેરા, ઈદ અને નવરાત્રી ઊજવાય છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 19,22,450 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 75 % અને 25 % જેટલું છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીઓ વિશેષ છે; જ્યારે જૈન અને બૌદ્ધ ઓછા છે. જિલ્લામાં હિન્દી, પંજાબી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 30 % જેટલું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 5 તાલુકા અને 6 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 8 નગરો અને 1,153 (55 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : જિલ્લાનું નામ જિલ્લામથક પરથી પડેલું છે. પ્રાચીન કાળમાં અહીં આહર, આહીર, બસવાર, બેરિયા, ભુઈનહાર, દલેરા, ગુજર, કાંજર, નટ અને પાસી જેવી મુલકી જાતિઓનો વસવાટ હતો. કહેવાય છે કે અહીંનાં ગામડાં મહાભારતના સમયમાં પણ અસ્તિત્વ ધરાવતાં હતાં, પરંતુ અહીં તેના કોઈ પુરાતત્વીય પુરાવા મળતા ન હોવાથી આ માન્યતાને સમર્થન મળતું નથી.
બ્રિટિશ શાસન હેઠળ અહીંનો છેલ્લો નવાબ મુહમ્મદ રઝા અલીખાન હતો. તેણે અહીં સારા વહીવટ માટે ખૂબ જહેમત ઉઠાવેલી, સુધારા કરેલા અને વિકાસવાદી નીતિઓને અમલમાં મૂકેલી. 1947માં દેશી રાજ્યોનું વિલીનીકરણ થયું ત્યારે સહકાર આપનાર તે સર્વપ્રથમ હતો. ત્યારપછી રામપુરનું રાજ્ય જિલ્લામાં ફેરવાયું. તે વખતે તેનો વિસ્તાર તો માત્ર 894 ચોકિમી. જેટલો જ હતો, પરંતુ તેની મહેસૂલી આવક 1 કરોડ જેટલી હતી. ત્યારે પણ તેના 5 તાલુકા હતા. તે પછીથી તાલુકાઓનાં ગામોમાં હેરફેર સિવાય બીજા કોઈ ખાસ ફેરફારો થયેલા નથી.
રામપુર (નગર) : ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાનું જિલ્લામથક અને નગર. ભૌગોલિક સ્થાન : 28° 50´ ઉ. અ. અને 79° 05´ પૂ. રે. તે કોસી નદી પર આવેલું છે. અહીંથી બ્રૉડગેજ રેલમાર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થતો હોવાથી તે રેલમાર્ગ-સડકમાર્ગ જંક્શન બની રહેલું છે. અહીં ખાંડનાં કારખાનાં અને સૂતરની મિલો આવેલાં છે. આજુબાજુના વિસ્તાર માટે તે કૃષિપેદાશો તેમજ ઔદ્યોગિક પેદાશોનું વેપારી મથક બની રહેલું છે. આ નગરમાં રાજ્ય-પુસ્તકાલય તથા રઝા કૉલેજ આવેલાં છે. આજુબાજુના જિલ્લાઓ માટેનાં દૂરદર્શન અને આકાશવાણી-મથકો રામપુર ખાતે આવેલાં છે.
1774માં અવધના નવાબ અને રોહિલ્લાઓ વચ્ચે સંધિ થઈ તે પહેલાં આ સ્થળે રોહિલ્લાઓની ગાદીનું મુખ્ય મથક હતું. ત્યારે તે ચાર ગામના સમૂહનું કેન્દ્રીય સ્થળ હતું. કટિહારના રાજા રામસિંહના નામ પરથી આ સ્થળને રામપુર નામ અપાયેલું હોવાનું કહેવાય છે. 1775માં ફૈઝુલ્લાખાને આજના આ રામપુરની સ્થાપના કરેલી. તેણે તેને સર્વપ્રથમ ફૈઝાબાદ નામ આપેલું, પરંતુ આ નામનાં બીજાં સ્થળો પણ હોવાથી તેણે તેનું મુસ્તફાબાદ અથવા રામપુર નામ પાડેલું. 1991 મુજબ આ શહેરની વસ્તી 2,42,752 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા