રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બૅંગલોર
January, 2003
રામન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બૅંગલોર : જગપ્રસિદ્ધ વિજ્ઞાની સી. વી. રામનની સ્મૃતિમાં સ્થપાયેલી બૅંગલોરસ્થિત અદ્યતન સંશોધન સંસ્થા. બૅંગલોરમાં નંદી હિલ્સ ખાતે મૈસૂરના મહારાજાએ ભેટ આપેલી 10 એકર જમીન પર આવેલી આ સંશોધન સંસ્થાની સ્થાપના એશિયાના પ્રથમ નોબેલ પારિતોષિક વિજેતા મહાન ભારતીય વિજ્ઞાની સર ચંદ્રશેખર વેંકટ રામનની સ્મૃતિમાં થયેલી.
2 એપ્રિલ 1934ના રોજ સર સી. વી. રામને ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સની સ્થાપના કરી તેનું વડું મથક બૅંગલોર ખાતે રાખ્યું હતું. પ્રારંભમાં જાણીતાં 160 જેટલા વિજ્ઞાનીઓને આ અકાદમીની ફેલોશિપ અપાઈ હતી. તે જ વર્ષે મહારાજાએ આવી વિજ્ઞાન-વિષયક પ્રવૃત્તિઓ માટે મકાન બનાવવા આ પ્લૉટ ભેટ આપ્યો. જોકે એક શરત એવી પણ હતી કે બાંધકામ થોડા સમયમાં જ કરવું. સાતેક વર્ષ બાદ 1941નું વર્ષ પૂરું થવા આવ્યું છતાં પણ કોઈ બાંધકામની પ્રવૃત્તિ ત્યાં ન થતાં રાજ્ય સરકારે તે પ્લૉટ પરત કરવા જણાવ્યું.
રામને આ વિજ્ઞાન અકાદમી વતી એક પત્ર લખી બાંધકામ માટે થોડી વધુ મુદત માંગી, જે મંજૂર કરવામાં આવી. સાથે આ પ્લૉટ અકાદમીની સંશોધનપ્રવૃત્તિ સહિતની સઘળી પ્રવૃત્તિઓ માટે વાપરવાની છૂટ અપાઈ. ફેબ્રુઆરી 1943માં અકાદમીએ ઠરાવ કરી આવી સંશોધન સંસ્થાની જરૂરિયાતને વાજબી ઠરાવી તેની સ્થાપના માટે આગળ ધપવાનું નક્કી કર્યું. જોકે રામન પોતે એવા મતના હતા કે આવી સંશોધન સંસ્થાની સ્વાયત્તતા જળવાઈ રહે તે માટે કોઈ સરકારી ફાળો કે સહાય ન લેવી. આ માટેની નાણાકીય જરૂરિયાતો માટે ફાળો ઉઘરાવી લાવવાની જવાબદારી તેમણે સ્વીકારી લીધી અને તે માટે દેશભરનો પ્રવાસ ખેડ્યો. ફાળો એકઠો થતાં તેમણે આ સંશોધન સંસ્થાનું મકાન બંધાવવાનું ચાલુ કર્યું.
1948માં 60 વર્ષે તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ, બૅંગલોરમાંથી નિવૃત્ત થવાના હતા તેનાં બે વર્ષ પહેલાં તેમણે આ નવી સંશોધન સંસ્થાનું બાંધકામ ચાલુ કરાવી દીધું હતું. તેમનું આયોજન એવું હતું કે તેમની નિવૃત્તિના બીજા જ દિવસથી તેમની સઘળી સંશોધનપ્રવૃત્તિ ત્યાં શરૂ કરી શકાય. 1948માં મકાન બંધાઈ ગયું એટલે ત્યાં રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામથી આ સંશોધન સંસ્થા શરૂ થઈ. જોકે શરૂઆતમાં અહીં પૂરતી સુવિધાઓ પણ નહોતી કે વીજળીનું જોડાણ પણ નહોતું.
રામન જેમનું નામ છે એવા આ મહાન વૈજ્ઞાનિકે થોડાક લેન્સ, પ્રિઝ્મો અને સૂર્યપ્રકાશથી તેમનું સંશોધનકાર્ય શરૂ કરી દીધું. દરમિયાન ભારત સરકારે તેમની નિવૃત્તિ બાદ તેમની આજીવન નૅશનલ પ્રોફેસર તરીકે નિમણૂક કરી. તેથી તેમને માનદ મહેનતાણું મળતું થયું. આ ઉપરાંત તેમના કેટલાક વિદ્યાર્થીઓ જેઓ હુન્નર-ઉદ્યોગો ચલાવતા હતા તેમણે પણ પ્રતિવર્ષ તેમના નફામાંથી અમુક રકમ આ સંશોધન સંસ્થા માટે આપવાનું ચાલુ કર્યું. આમ રામન પોતાની આગવી રીતથી સંસ્થાને વિકસાવતા ગયા. સંસ્થાના સંકુલમાં જ તેમનું રહેઠાણ બનાવાયું હતું. તેની બારીમાંથી સંસ્થાનું સંકુલ અને તેનો બગીચો દૃષ્ટિગોચર થતો હતો. તે જોઈને પણ તેમનું મન પ્રફુલ્લિત થતું હતું. સંસ્થામાં ગુલાબનો બગીચો ખૂબ જ ચિત્તાકર્ષક હતો. હકીકતમાં આ મહાન વિજ્ઞાનીએ તેમાં પોતાના પ્રાણનું સિંચન કર્યું હતું. સવારે સ્થાનિક શાળામહાશાળાઓના વિદ્યાર્થીઓ સંસ્થાની મુલાકાતે આવતા ત્યારે આ મહાન વિજ્ઞાની તેમને મળતા અને તેમના ચહેરાની પ્રસન્નતા જોઈ ખૂબ જ આનંદિત થતા હતા.
સંસ્થાનું મ્યુઝિયમ પણ મુલાકાતીઓને ખુશ કરી દે તેવી રીતે ગોઠવાયું છે. રામને પોતે એકત્રિત કરેલા અનેકવિધ આકારના ક્વાર્ટઝ અને બીજા સ્ફટિકો અહીં ગોઠવાયા છે. આ બધાને એવી સુંદર રીતે ગોઠવેલા છે કે તેના ઉપર પ્રકાશ પડતાં તે સઘળા ઝળહળી ઊઠે છે. આ ઉપરાંત તેના ઉપર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ પડતાં તેની સુંદરતા ઔર અધિક દેખાતી. ઘટાદાર વૃક્ષો અને તેમાં પણ તેના ઉપર પુષ્પો ખીલતાં સમગ્ર સંકુલ દીપી ઊઠતું. આ સંસ્થામાં રામને તેમની જીવનસંધ્યાનાં વર્ષો ગાળ્યાં હતાં. સંસ્થાની મુલાકાતે આવતા વિદ્યાર્થીઓને તેઓ બગીચાનાં ખીલેલાં પુષ્પો સાથે સરખાવતા.
21 નવેમ્બર 1970ના રોજ સવારે રામનનો દેહાંત થયો. તેમની ઇચ્છા મુજબ તેમના અંતિમ સંસ્કાર આ સંકુલમાં જ કરવામાં આવ્યા હતા. તેમની ઇચ્છા મુજબ કોઈ ધાર્મિક વિધિ રાખવામાં આવી નહોતી. કોઈ સમાધિ કે સ્મારક જેવું બાંધકામ પણ કરવામાં આવ્યું નહીં. તે સ્થળે એક વૃક્ષને ઉછેરવામાં આવ્યું છે. હવે તો તેના ઉપર સુંદર મઝાનાં પુષ્પો પણ ખીલે છે.
આ સંસ્થામાં વ્યાપક સાપેક્ષવાદ તથા ગુરુત્વ પ્રવાહી સ્ફટિક પ્રણાલીઓ, ફ્લેક્સો ઇલેક્ટ્રિક પ્રવાહી, સ્ફટિકમાં વિદ્યુત દ્રવગતિકીય અસ્થિરતાઓ, સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાન અને અવલોકનની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં આણ્વિક ખગોળવિદ્યાના અભ્યાસ અને મિલિમીટર તરંગ ખગોળવિદ્યા માટે 10 m ડિશની વ્યવસ્થા પણ છે. તે સાથે પલ્સાર મૉડેલિંગ ઉપર પણ કામ ચાલે છે. પ્રવાહી સ્ફટિકની વિવિધ અવસ્થાઓનો પણ અભ્યાસ અહીં કરવામાં આવે છે. સંઘનિત દ્રવ્ય ભૌતિકવિજ્ઞાન ઉપર અદ્યતન સંશોધન ચાલે છે.
આ ભારતીય મહામાનવે પોતે સ્થાપેલી અને ઉછેરેલી આ સંસ્થામાં હવે તો બીજી સંશોધન સંસ્થાઓની માફક સંશોધન સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ સંસ્થામાં દાખલ થતાં જ ભારતરત્ન વિજ્ઞાનમહર્ષિ સી. વી. રામનના આયોજન માટે આદર થાય છે.
સુરેશ ર. શાહ