રામજી સિંહ પ્રો. ડૉ. (જ. 20 ડિસેમ્બર 1931, ઇંદ્રરૂખ, બિહાર) : રાજસ્થાનના લાડનું સ્થિત જૈન વિશ્વભારતી યુનિવર્સિટી પૂર્વકુલપતિ, પૂર્વસાંસદ, ગાંધીયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટડીઝ-વારાણસીના પૂર્વનિર્દેશક. સ્વાતંત્ર્યસેનાની. પદ્મશ્રીથી સન્માનિત લેખક અને સંશોધક. રામજી સિંહનો જન્મ બિહારના મુંગેર જિલ્લામાં આવેલા ઇંદ્રરૂખ ગામમાં થયો હતો. 1942માં ગાંધીજીના ‘અંગ્રેજો ભારત છોડો આંદોલન’માં તેમણે ભાગ લીધો હતો. 1953માં પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ. કર્યું હતું. જૈનિઝમ, પ્રાચીન હિંદુ વિચારધારા અન પોલિટિકલ સાયન્સમાં તેમણે ઊંડું સંશોધન કરીને ડી. લિટ્. પીએચડીની સાથે સાથે ભારતીય ફિલસૂફી, ભારતીય સંસ્કૃતિ અને ગાંધીયન વિચારધારા અંગે 50 કરતાં વધુ પુસ્તકો લખ્યાં છે. ભારતની પ્રાચીન ફિલૉસૉફીથી લઈને ગાંધી વિચારધારા સહિતના વિવિધ વિષયો પર તેમણે 150 જેટલાં સંશોધનપત્રો રજૂ કર્યાં છે. 90 વર્ષના આ વિદ્વાન ગાંધીવાદી સામાજસેવકના નામે 250 કરતાં વધુ નિબંધો પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. તેમણે ભારતની અસંખ્ય યુનિવર્સિટી, કૉલેજોના વિદ્યાર્થિનીઓને શિક્ષણ આપ્યું છે. તેમના પ્રયાસોથી જ દેશમાં પૉસ્ટ ગ્રેજ્યુએશન ઍન્ડ સ્ટડીઝના અલગ શૈક્ષણિક વિભાગો શરૂ થયા હતા. ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને ડૉ. રામજી સિંહે દેશભરમાં સેવાપ્રવૃત્તિ કરી છે. વિનોબા ભાવે અન જયપ્રકાશ નારાયણનાં સેવાકીય કાર્યોથી પ્રેરાઈને તેમણે યુવાવયે સર્વોદય, ભૂદાન અને ગ્રામદાન જેવા સામાજિક સુધારણાનાં આંદોલનોમાં ભાગ લીધો હતો. કટોકટી સામે દેશભરમાં ચાલતા આંદોલનમાં પણ તેઓ સક્રિય રહ્યા અને એ પછી થયેલી ચૂંટણીમાં જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાઈને લોકસભાના સાંસદ બન્યા.

રામજી સિંહ

કેટલીય વિખ્યાત સંસ્થાઓ સાથે તેઓ વર્ષો સુધી સંકળાયેલા રહ્યા છે. જેમાં ઇન્ટરનેશનલ સોસાયટી ઑફ સોશિયલ ફિલૉસૉફી, આફ્રો-એશિયન ફિલૉસૉફિકલ ઍસોસિયેશન, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ફિલૉસૉફિકલ રિસર્ચ, બ્રિટનની જગવિખ્યાત રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિલૉસૉફી અને માઇન્ડ ઍસોસિયેશન, એમનેસ્ટી ઇન્ટરનેશનલ વગેરેનો સમાવેશ થાય છે. 1991માં ટોરેન્ટોમાં યોજાયેલી વર્લ્ડ ફિલાન્ર્થોપી કૉન્ફરન્સમાં તેમણે ભારતીય દર્શનો – હિન્દુ-જૈન-બૌદ્ધ ધર્મની પરોપકારવૃત્તિ રજૂ કરી હતી. 1993માં યોજાયેલી શિકાગોની ધર્મપરિષદમાં તેમને નિમંત્રણ મળ્યું હતું. 1995માં ઈસ્ટ-વેસ્ટ ફિલૉસૉફી મીટમાં તેમણે ભાગ લીધો હતો. ગાંધીવાદી ડૉ. રામજી સિંહે મહાત્મા ગાંધીજીના વિચારો દેશ ઉપરાંત દુનિયાભરમાં પહોંચાડ્યા છે. તેઓ ઇન્ડિયન સોસાયટી ઑફ ગાંધીયન સ્ટડીઝના પ્રમુખ હતા એ વખતે દેશભરની વિવિધ યુનિવર્સિટીઝ અને કૉલેજોમાં તેમણે ગાંધીયન પીસ અને રિસર્ચના અભ્યાસક્રમો શરૂ કરાવ્યા હતા. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કમિટિના સભ્ય રહી ચૂકેલા ડૉ. રામજી સિંહે દેશમાં શિક્ષણસુધારણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

પ્રો. ડૉ. રામજી સિંહે બિહારના એક નાના એવા ગામમાં અભ્યાસ કરીને યુનિવર્સિટીના કુલપતિથી લઈને સંસદસભ્ય બનવા સુધીની સફળ સફર કરી છે. 2020માં ભારત સરકારે પદ્મશ્રી આપીને તેમનું સન્માન કર્યું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ફિલૉસૉફિકલ રિસર્ચે ડૉ. રામજી સિંહને લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડથી નવાજ્યા છે. તેઓ એમની સાદાઈ માટે જાણીતા છે. લોકસભાના સાંસદ હતા ત્યારે પણ સાઇકલ લઈને યુનિવર્સિટી અને સંસદસભામાં જતા હતા. તેમણે ગાંધીજીના વિચારો નવી રીતે દુનિયાભરમાં પહોંચાડ્યા છે. 50 વર્ષ સુધી તેમણે ભારતીય વિચારધારા અને ગાંધી વિચારધારા વિશે દુનિયાભરનાં વિશ્વવિદ્યાલયોમાં પ્રવચનો આપ્યાં છે. 90-91 વર્ષે પણ ડૉ. રામજી સિંહ ગાંધીવિચારના સંશોધનમાં સક્રિય છે.

હર્ષ મેસવાણિયા