રામચંદ્રન્, એમ. જી. (જ. 1917, કૅન્ડી, શ્રીલંકા; અ. 24 ડિસેમ્બર 1987, ચેન્નાઈ) : દક્ષિણ ભારતીય ચિત્રોના અભિનેતા અને રાજકારણી. મૂળ નામ : મારુદર ગોપાલમેનન રામચંદ્રન્. તમિળ ચિત્રોમાં આદર્શવાદી અને ભલા તથા પરદુ:ખભંજક નાયકની જ મોટાભાગે ભૂમિકાઓ ભજવીને એક આદર્શ છબિ ઉપસાવનાર આ અભિનેતા ‘એમજીઆર’ તરીકે લોકપ્રિય બન્યા હતા. તેમના જન્મ સંબંધી એક વાયકા એવી છે કે તેમનો જન્મ થયો હતો તે જ દિવસે તેમના પિતાનું નિધન થયું હતું. એ પછી પરિવાર તમિલનાડુ આવી ગયો હતો અને અત્યંત ગરીબાઈમાં તેમનો ઉછેર થયો હતો. ગરીબીને લીધે પ્રાથમિક શિક્ષણ પણ મુશ્કેલીથી મેળવ્યું.
તેમનાં ત્રણ ભાંડરડાં મૃત્યુ પામ્યાં ત્યારે છ વર્ષની ઉંમરે રામચંદ્રન્ નાટ્યમંડળીમાં જોડાયા હતા. ત્યાં તેઓ નૃત્ય, અભિનય અને તલવારબાજી શીખ્યા. 1936માં તેમણે ચલચિત્રોમાં પદાર્પણ કર્યું. જોકે 1947માં એ. એસ. એ. સ્વામીના ચિત્ર ‘રાજકુમારી’માં તેમને પહેલી વાર મહત્વની ભૂમિકા મળી, જેણે તેમને ખૂબ ખ્યાતિ અપાવી. તમિલનાડુના એક રાજકીય પક્ષ દ્રવિડ મુનેત્ર કળગમ(ડીએમકે)માં તેઓ 1953માં જોડાયા. 1954માં તેમની ‘મલઈકાલ્લન’માંની ભૂમિકાને કારણે લોકોએ તેમને હર્ષનાદથી વધાવ્યા. તે વખતે પક્ષમાં સક્રિય કરુણાનિધિ ચિત્રોની પટકથા પણ લખતા હતા. એમજીઆરે કરુણાનિધિ-લિખિત પટકથાઓ પરથી બનેલાં ઘણાં ચિત્રોમાં કામ કર્યું. આ ચિત્રોએ એક બાજુ તો ડીએમકેની વિચારધારાનો પ્રચાર કરવાનું પણ કામ કર્યું, તે સાથે એમજીઆરની એક વિશિષ્ટ છબિ ઉભારવાનું કામ પણ કર્યું, શરૂઆતમાં તેમણે સ્ટંટ-ચિત્રોમાં કામ કર્યું ત્યારે તેમની છબિ ગરીબોના બેલીની તથા પરદુ:ખભંજકની હતી. સામાજિક ચિત્રોમાં તેમણે માછીમાર, રિક્ષાચાલક, માળી, ટૅક્સીચાલક વગેરે ભૂમિકાઓ ભજવીને શ્રમજીવી વર્ગમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. એક બાજુ તેમની અભિનેતા તરીકે કારકિર્દી લોકપ્રિયતાની ચરમ સીમાએ હતી. ‘નાદોદી માનમ’ ફિલ્મ જેનું તેમણે નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું તે મોટા ગજાની ફિલ્મ પુરવાર થઈ અને ચલચિત્રોનાં ઘણાં કીર્તિમાન આ ફિલ્મે તોડ્યાં.
આ સાથે તેઓ રાજકારણમાં વધુ ને વધુ સક્રિય થતા ગયા હતા. 1962-64 દરમિયાન તેઓ ચેન્નાઈ વિધાન પરિષદના સભ્ય બન્યા. 1967માં ડીએમકે પક્ષનો વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય થયો ત્યારે તેઓ ધારાસભ્ય બન્યા. 1970માં ડીએમકેના ખજાનચીનો હોદ્દો સંભાળ્યો અને પછી પક્ષના વડા કરુણાનિધિ સાથે મતભેદો થતાં ‘નામનાડુ’ ચિત્રમાં ડીએમકેનું જ હથિયાર વાપરીને આ પક્ષની નીતિઓનો વિરોધ કર્યો. એ પછી તેઓ ડીએમકેમાંથી છૂટા પડ્યા અને 1972માં અન્ના-ડીએમકે પક્ષની સ્થાપના કરી. 1977માં આ પક્ષ ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કળગમ બન્યો. તે વખતે ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કૉંગ્રેસનો ટેકો લઈને આ પક્ષ વિધાનસભાની ચૂંટણીઓ જીત્યો અને એમજીઆર તમિલનાડુના મુખ્ય પ્રધાન બન્યા. આ હોદ્દા પર તેઓ એ પછી ત્રણ વખત ચૂંટાયા હતા. મુખ્યમંત્રી તરીકે તેમણે અનેક યોજનાઓ અમલમાં મૂકી, પરંતુ તેમની મધ્યાહ્ન ભોજન યોજના અત્યંત લોકપ્રિય નીવડી. 1977થી ’87ના દશક દરમિયાન રાજકીય રીતે તામિલનાડુમાં તેઓ બિનવિવાદાસ્પદ નેતા બની રહ્યા. ગંભીર માંદગીને કારણે તેઓ લાંબો સમય હોદ્દા પર હાજર ન રહી શક્યા છતાં તેમની પ્રચંડ લોકપ્રિયતામાં જરીકે ઓટ આવી નહોતી. 1984માં જ્યારે તેમણે પુન: સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું ત્યારે જયલલિતાએ તેમના પડછાયારૂપ બની કામ કર્યું અને રાજકારણમાં આ મહિલાએ નેતૃત્વની જમાવટ કરી પરોક્ષ રીતે રામચંદ્રનના વારસદાર તરીકેનું સ્થાન નિશ્ચિત કર્યું. 1987માં આ કરિશ્માતી નેતાના અવસાનથી તેમના કેટલાક ચાહકોએ આત્મવિલોપન કરવાનું પસંદ કર્યું હતું. 1988માં એમ. જી. રામચંદ્રનને મરણોત્તર ભારતરત્નનો ખિતાબ અપાયો હતો. રામચંદ્રને 260થી વધુ ચિત્રોમાં અભિનય આપ્યો હતો. કેટલાંક ચિત્રોનું દિગ્દર્શન પણ કર્યું હતું. તેમની કારકિર્દી સંદર્ભે એક નોંધપાત્ર બાબત એ છે કે તેમણે સમ્રાટ અશોક વગેરે રાજાઓની ભૂમિકા તો કેટલાંક ચિત્રોમાં ભજવી હતી, પણ કદી કોઈ ધાર્મિક કે પૌરાણિક પાત્ર પડદા પર ભજવ્યું નહોતું.
હરસુખ થાનકી