રામગોપાલ (જ. 20 નવેમ્બર 1912, મૈસૂર) : અગ્રણી ભારતીય નર્તક. ઓગણીસ સો વીસનાં વર્ષો દરમિયાન યુવાનર્તક ઉદયશંકરને યુરોપ અને અમેરિકામાં મળેલી જ્વલંત સફળતાથી ભારતમાં ભારતીય નૃત્ય વિશે નવી ચેતના તથા ઉત્સાહપ્રેરક વાતાવરણનો જન્મ થયો. ભારતીય નૃત્યના પુનરુત્થાનની પ્રક્રિયા ઉદયશંકરની સફળતાથી વેગીલી બની. ઉદયશંકરથી પ્રેરાઈ ઉચ્ચ કુટુંબનાં શિક્ષિત યુવા-યુવતીઓ નૃત્ય શીખવા તરફ વળ્યાં. તેમાંના એક તે રામગોપાલ. બર્મી માતા અને રાજપૂત પિતાના એ સંતાન. તેમને બાળપણથી નૃત્ય પ્રત્યે અદમ્ય લગાવ હતો. તેમના બંગલા પાછળ સામાજિક પ્રસંગે ઉજવણી માટે ઢોલ વાગે અને કિશોર રામગોપાલના પગ થનગની ઊઠે. મૈસૂર રાજદરબારમાં બૅરિસ્ટર પિતાની જાણ બહાર નૃત્ય શીખી તેમણે દરબાર સમક્ષ તેની રજૂઆત કરી પ્રશંસા મેળવી અને રાજાના નાના ભાઈએ તેમને તેઓ ભારતીય નૃત્યનો ઉદ્ધાર કરે તે માટે વિધિપુર:સર નૃત્યની તાલીમ લેવા માટેની જોગવાઈ કરી આપવા જણાવ્યું.
રામગોપાલનાં દાદી બર્મી નાટક કંપનીમાં અચ્છાં ગાયિકા અને અભિનેત્રી હતાં. આ સિવાય રામગોપાલને નૃત્યકલાનો કોઈ પારંપરિક આધાર ન હતો. તેમણે વિદ્વાન ગુરુ મુથુકુમાર પિલ્લૈ પાસે ભરતનાટ્યમની તાલીમ લીધી. આ ઉપરાંત કાંજીવરમ્ એલ્લપ્પા પિલ્લૈ અને અભિનય-સમ્રાજ્ઞી માયલાપોર ગૌરી અમ્મા પાસે તેનું વધુ શિક્ષણ લીધું.
1936માં અમેરિકી નૃત્યાંગના લા મેરી પૂર્વના દેશોની સફરે આવ્યાં તે દરમિયાન તેઓ રામગોપાલની નૃત્ય-પ્રતિભાથી પ્રભાવિત થયાં અને તેમને જાપાનના નૃત્ય-પ્રવાસમાં જોડાવા આમંત્રણ આપ્યું; પણ ત્યાં પ્રેક્ષકોએ તેમના કરતાં પણ રામગોપાલના નૃત્યની વધુ પ્રશંસા કરી તે તેમનાથી સહન ન થતાં, તે પછીના દરેક કાર્યક્રમમાંથી તેમને પડતા મૂક્યા અને છેવટે મંડળીમાંથી પણ કાઢી મૂક્યા. અચાનક વિદેશમાં આવી રીતે નિ:સહાય થયેલ રામગોપાલને તેમની કફોડી સ્થિતિમાં ઍલેક્ઝાન્ડર જુન્ટા અને લિયપૉલ્ડ ટૉપોસ્કીએ સહાય કરી અને અમેરિકામાં નૃત્ય-કાર્યક્રમો અપાવ્યા. તેમની પ્રભાવક દેહયષ્ટિ, આકર્ષક દેહ-સૌષ્ઠવ અને મોહક નૃત્ય-પ્રતિભા જોઈ પ્રેક્ષકો અને સુજ્ઞ વિવેચકોએ તેમની ભરપેટ પ્રશંસા કરી.
1944માં ભારત આવી તેમણે મુંબઈ ખાતે અખિલ ભારતીય નૃત્ય-સમારોહમાં ભાગ લીધો અને અન્ય સ્પર્ધકોને પાછળ પાડી દીધા. આટલી સફળતાથી સંતોષ ન માનતાં, રામગોપાલે અન્ય શૈલીઓ શીખી તેમનું નૃત્ય-ફલક વિસ્તાર્યું. કથકલીના ગુરુ કુંજુકુરૂપ તથા કથકના ગુરુ સોહનલાલ પાસેથી પણ તેમણે અનુક્રમે કથકલી તેમજ કથક નૃત્યની તાલીમ લીધી. ગુરુ કુંજુકુરૂપે બેલૂરનાં શિલ્પોમાંથી પ્રેરણા લઈ નૃત્યમાં દૈવી તત્વ ઉમેરવા પ્રેરણા આપી; જ્યારે ભરતનાટ્યમની વિદ્વાન ગુરુ મીનાક્ષીસુંદરમ્ પિલ્લૈએ અગાઉ કોઈને નહિ શીખવેલ તાંડવના પૌરુષપ્રધાન નૃત્યઅંશો તેમને શીખવ્યા. આમ હંમેશ નાવીન્ય લાવવાની તેમની ધગશને મોકળાશ અને પ્રોત્સાહન મળતાં ગયાં. ભારતીય યુવા-નર્તકોને એક સંસ્થાના છત્ર હેઠળ જુદી જુદી નૃત્યશૈલીઓ શીખવા મળે અને તેમાં તૈયાર થયેલ નર્તકો ભારતીય નૃત્યની અસ્મિતા વિશ્વમાં વધારે એ ઉદ્દેશથી બૅંગલોરમાં રામગોપાલ એકૅડેમી ઑવ્ ડાન્સની સ્થાપના કરવામાં આવી. તેમાં જોડાયેલ અનેક યુવા-નૃત્યાંગનાઓમાં મૃણાલિની સારાભાઈ, તારા ચૌધરી, શેવંતી, કુમુદિની લાખિયા, લીલા રામનાથન્, સત્યવતી વગેરેનો સમાવેશ થાય છે. તારા ચૌધરી, કુમુદિની લાખિયા અને મૃણાલિની સારાભાઈએ તેમનાં બૅલેમાં તેમની સાથે મુખ્ય નર્તકી તરીકે સાથ આપ્યો હતો. રામગોપાલે આમ ભારતીય નૃત્યશૈલીને તેના મૂળ સ્વરૂપે પ્રથમ વાર પ્રસ્તુત કરી. તેમના નૃત્યમાં પૌરુષ અને અભિનયનું ગાંભીર્ય હતું. વળી મૌલિક વિચારો સાથેની નૃત્ય-પ્રસ્તુતિની તેમની શક્તિને લીધે તેમના નૃત્યને નવો ઓપ મળ્યો.
સતત નૃત્ય-પ્રવાસમાં રત રહેવાને કારણે તેમણે તેમની સંસ્થાને સમેટી લેવી પડી અને તેઓ લંડનમાં સ્થાયી થયા. ત્યાં નૃત્ય-તાલીમ માટે ગુરુ મુથુકુમાર પિલ્લૈ, કુંજુકુરૂપ અને સોહનલાલને બોલાવ્યા.
1956માં પાંચ-અંકી ‘લેજન્ડ્ઝ ઑવ્ તાજમહાલ’ નૃત્યનાટિકા એડિનબરો ફેસ્ટિવલ માટે તૈયાર કરી; શાહજહાં અને મુમતાઝની પ્રેમકહાણીના કથાનક પર ભવ્ય રંગસજ્જાને સહારે તૈયાર થયેલ ભારતીય નૃત્યોના ભરચક રૉયલ ફેસ્ટિવલ હૉલમાં અનેક કાર્યક્રમો આપ્યા. 1965માં કૉમનવેલ્થ ફેસ્ટિવલમાં નૃત્ય પ્રસ્તુત કરી ખૂબ પ્રશંસા મેળવી ભારતીય નૃત્યપરંપરાનું ગૌરવ વધાર્યું. તેમના એકલ-નૃત્ય ‘ગરુડ’ને વિશ્વમાં ખ્યાતિ મળી. રશિયન અભિનેત્રી અને નર્તકી એલિસિયા મારકોવા સાથે ‘લેજન્ડ્ઝ ઑવ્ તાજમહાલ’ અને ‘ડાન્સિઝ ઑવ્ ઇન્ડિયા’ લઈ વિશ્વનાં મુખ્ય શહેરોમાં તેમણે અનેક કાર્યક્રમો કર્યા; પણ સતત રહેતી નાણાભીડને કારણે લંડન ખાતેની નૃત્યસંસ્થા પણ બંધ કરવી પડી અને ગુરુઓને ભારત પાછા મોકલવા પડ્યા. વિખ્યાત ફ્રેંચ સિને-દિગ્દર્શક મદામ ક્લાઉડ લા મૉરિસે રામગોપાલનાં બે દસ્તાવેજી ચલચિત્રો તૈયાર કર્યાં છે. 1995માં અન્ય ફ્રેંચ ફિલ્મ-નિર્દેશક પોટ્રિક બેનસાર્ડે રામગોપાલ સાથે ભારતનાં અનેક શહેરોમાં પ્રવાસ કરી તેમની નૃત્ય-તવારીખોને તાજી કરતી 40 કલાકની ફિલ્મ તૈયાર કરી છે, જે ફ્રેંચ ટીવીના મહત્વના સમય દરમિયાન રજૂ કરવામાં આવે છે.
નૃત્ય ઉપરાંત રામ ગોપાલે હૉલિવુડની ફિલ્મ ‘ધ પ્લાન્ટર્સ વાઇફ’માં ક્લાઉડેટ કૉબર્ટ અને ગ્રેગરી પેક સાથે કામ કર્યું હતું. બ્રિટિશ ફિલ્મ ‘ધ રેડ શૂ’ અને ‘ધ ટેલ્સ ઑવ્ હૉફમૅન’માં બૅલેનો ઉપયોગ થયો હતો. રંગીન ફિલ્મ ‘જર્ની ઇન ધ સન’ની પટકથા તેમણે પોતે લખી અને તેમાં ભારતીય નૃત્યોનો પ્રયોગ કર્યો. તેમણે પોતાના જીવન પર આધારિત ‘રિધમ ઇન હેવન્સ’ પુસ્તક પણ લખ્યું છે. તેમને ઑર્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર(ઓબીઈ)નો ઇલકાબ ઇંગ્લૅન્ડનાં રાણીના જન્મદિવસે 1999માં એનાયત થયો હતો. વળી ભારતીય કેન્દ્રીય સંસ્કૃત નાટ્ય અકાદમી તરફથી તેમને ફેલોશિપ પણ આપવામાં આવેલી.
પ્રકૃતિ કાશ્યપ