રાધા, મોહન (જ. 1907, પટણા, બિહાર) : આધુનિક ભારતીય ચિત્રકાર. તેમણે વિનયન અને કાયદામાં સ્નાતકની પદવી હાંસલ કરી. પછી મોગા ઘરાણાના મહાદેવ તેલી નામના ચિત્રકાર પાસે 14 વરસ ચિત્રકળાની તાલીમ લીધી. ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, મદનમોહન માલવિયા, મૌલાના આઝાદ, મોતીલાલ નહેરુ આદિ દેશનેતાઓનાં ત્વરાલેખનો કર્યાં અને એ પરથી પૂર્ણકદનાં અથવા તો એથીય મોટા કદનાં તૈલચિત્રો સર્જ્યાં. લંડનની ફેડરેશન ઑવ્ રૉયલ સોસાયટી ઑવ્ આર્ટિસ્ટ્સે 1940માં તથા તે ઉપરાંત રાજસ્થાન લલિત કલા અકાદમી અને ઑલ ઇન્ડિયા ફાઇન આર્ટસ ઍન્ડ ક્રાફ્ટ્સે તેમને સન્માન્યા છે. બિહાર વિધાનસભા અને પટણા યુનિવર્સિટીની દીવાલો પર તેમણે ભીંતચિત્રો કર્યાં છે. હાલમાં (2003) તેઓ પટણામાં કલાસાધનામાં વ્યસ્ત રહે છે.
અમિતાભ મડિયા