રાતો સમુદ્ર : ઈશાન આફ્રિકા અને અરબ દ્વીપકલ્પને જુદા પાડતો સમુદ્ર. હિન્દ મહાસાગરનો લાંબો, સાંકડો ઉત્તર-પશ્ર્ચિમી ફાંટો. ભૌગોલિક સ્થાન : તે આશરે 13° 00´થી 30° 00´ ઉ. અ. અને 33° 00´થી 43° 00´ પૂ. રે. વચ્ચે વાયવ્ય-અગ્નિ દિશામાં વિસ્તરેલો છે. દુનિયાના ખૂબ જ વ્યસ્ત રહેતા જળમાર્ગો પૈકી આ સમુદ્રની ગણના થાય છે. સુએઝની નહેર મારફતે તે ભૂમધ્ય સમુદ્ર સાથે સંકળાયેલો હોઈ એશિયા અને યુરોપ વચ્ચે ચાલતો વેપાર આ ટૂંકા માર્ગથી થાય છે. વેપારી દૃષ્ટિએ આ માર્ગનું ઘણું મહત્વ અંકાય છે.
આ સમુદ્રનો કુલ વિસ્તાર આશરે 4,56,000 ચોકિમી. જેટલો છે. તેની લંબાઈ આશરે 2,200 કિમી., પહોળાઈ સ્થાનભેદે 200થી 400 કિમી., સરેરાશ 350 કિમી.; સરેરાશ ઊંડાઈ 538 મીટર અને મહત્તમ ઊંડાઈ 2,600 મીટર જેટલી છે. તેના ઉત્તર છેડે બે ફાંટાઓમાં વહેંચાયેલો છે. પશ્ર્ચિમ તરફનો ફાંટો સુએઝના અખાત અને પૂર્વ તરફનો ફાંટો અકાબા(Aqaba)ના અખાત તરીકે ઓળખાય છે. આ બે અખાતો વચ્ચે ત્રિકોણાકાર સિનાઈ દ્વીપકલ્પ આવેલો છે. સુએઝના અખાતને ઉત્તર છેડે સુએઝની નહેર આવેલી છે. સુએઝનો અખાત દૂરતટીય (off-shore) તેલ-ઉત્પાદક વિસ્તાર તરીકે પણ જાણીતો છે. રાતા સમુદ્રને દક્ષિણ છેડે બાબ-અલ-માંડબની સામુદ્રધુની નામનો સાંકડો જળમાર્ગ છે. તે એડનના અખાતમાં અને વધુ આગળ હિન્દ મહાસાગરમાં ફેરવાય છે.
આ સમુદ્રનું નામ ‘રાતો સમુદ્ર’ શા માટે પડ્યું હશે તે અંગે વિદ્વાનોમાં કોઈ સ્પષ્ટતા નથી, તેમ છતાં એક એવી સ્પષ્ટ સમજ જરૂર પ્રવર્તે છે કે ઉનાળા દરમિયાન તેના જળની ઉપલી સપાટીમાં લાલાશ પડતા કથ્થાઈ રંગની લીલનો પ્રકાર ભળેલો રહેતો હોવાથી તેને ‘રાતો સમુદ્ર’ નામ અપાયેલું છે.
આખોય રાતો સમુદ્ર પૂર્વ આફ્રિકા અને નૈર્ઋત્ય એશિયાના કેટલાક ભાગને વીંધતી આફ્રિકી મહાફાટખીણનો એક ભાગ છે. તેના બંને કિનારાઓ પર ઊંચી ભેખડો આવેલી છે. ભેખડો અને કિનારાઓ વચ્ચેનાં ઘણાંખરાં સ્થળોએ કિનારાનાં સાંકડાં મેદાનો પણ છે. આ સમુદ્રમાં મોટી સંખ્યામાં પરવાળાંના વિભાગો આવેલા છે. આ પરવાળાંના વિભાગો તેમની સાથે વહેતા રહેતા અનિયમિત પ્રવાહો તેમજ સૂસવાતા પવનોને કારણે વહાણો માટે અવરોધરૂપ બની રહે છે.
ઉનાળામાં આ સમુદ્રની સપાટીના જળનું સરેરાશ તાપમાન 29° સે. જેટલું રહે છે. વળી આ સમુદ્રનાં જળ પ્રમાણમાં વધુ પડતાં ખારાં છે. અહીં પડતી વધુ ગરમીને કારણે બાષ્પીભવન ઝડપી દરે થાય છે; પરિણામે પાણીમાં ક્ષારનું સંકેન્દ્રણ વધુ પડતું થાય છે. ક્યારેક ક્યારાઓમાં જામતું કેટલુંક મીઠું અહીંના સ્થાનિક ઉપયોગમાં લેવાય છે. રાતા સમુદ્રમાં વિવિધ જાતની માછલીઓ પણ જોવા મળે છે; પરંતુ પ્રત્યેક જાતની માછલીનું પ્રમાણ ઘણું ઓછું હોવાથી વ્યાપારી ધોરણે નફાકારક મત્સ્યોદ્યોગ વિકસાવી શકાતો નથી.
કેટલાંક કરોડ વર્ષો અગાઉ ગોંડવાના ભૂમિસમૂહનું ભંગાણ થવાથી આફ્રિકી ખંડ અને અરબ દ્વીપકલ્પનું પ્રવહન થયેલું. ઉત્તર તરફ ખસતા ગયેલા ખંડોને કારણે આ સમુદ્ર તૈયાર થયેલો છે. રાતો સમુદ્ર આ રીતે ઉદભવેલો વિશાળ ગર્ત છે. પ્રાચીન સમયથી આ સમુદ્ર વેપારી માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો રહ્યો છે. 1869માં સુએઝની નહેર તૈયાર કરવામાં આવી, તે અગાઉ ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર વચ્ચે ભૂમિમાર્ગો દ્વારા માલસામાન ઊંટો અને ગધેડાંઓ પર લાદીને લઈ જવાતો હતો.
જાહનવી ભટ્ટ, ગિરીશભાઈ પંડ્યા