રાતંજનકર, શ્રીકૃષ્ણ નારાયણ (જ. 31 ડિસેમ્બર 1900, મુંબઈ; અ. 14 ફેબ્રુઆરી 1974, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતક્ષેત્રના શિક્ષણયોગી, સંશોધક, પ્રચારક અને પ્રસારક તથા સંગીત-શિક્ષણસંસ્થાઓના સફળ સંચાલક. અંગત વર્તુળમાં ‘અણ્ણાસાહેબ’ નામથી વધુ પ્રચલિત. પિતા નારાયણરાવ રાતંજનકર સરકારના જાસૂસી વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર આસન્ન હતા, પરંતુ સંગીતકલામાં રુચિ હોવાથી પુત્રને પિતા પાસેથી તે બાબતમાં બાળપણથી સતત પ્રોત્સાહન મળતું રહ્યું. માત્ર સાત વર્ષની વયે કૃષ્ણકાંત ભટ્ટહોનાવર પાસેથી સંગીતની શિક્ષા પ્રાપ્ત કરવાની શરૂઆત થઈ. શરૂઆતના એક વર્ષ સુધી માત્ર સ્વરજ્ઞાનની તાલીમ મેળવી અને તે પછીનાં અઢી વર્ષ સુધી તે જ તાલીમ યથાવત્ ચાલુ રહી. ત્યારબાદ ઔંધ રિયાસતના નિવાસી અનંત મનોહર જોશી પાસેથી શાસ્ત્રીય સંગીતના કેટલાક પાઠ લીધા બાદ તેર વર્ષની વયે 1913માં વિખ્યાત શાસ્ત્રકાર અને સંગીતકાર પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેનું શિષ્યત્વ સ્વીકાર્યું. 1913–26ના ગાળામાં તેમની પાસેથી શાસ્ત્રીય સંગીતનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. સાથોસાથ 1926માં મુંબઈની વિલ્સન કૉલેજમાંથી મુંબઈ યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. દરમિયાનના ગાળામાં પંડિત ભાતખંડેની સાથે સંગીત-પરિષદો અને સંમેલનોમાં હાજરી આપી; દા. ત., 1916માં વડોદરા ખાતે આયોજિત સંગીત-સંમેલન, 1918માં દિલ્હી ખાતે આયોજિત સંગીત-સંમેલન, 1919માં બનારસ ખાતે આયોજિત સંગીત-સંમેલન વગેરે. વડોદરા ખાતેના સંગીત-સંમેલન દરમિયાન વડોદરા રિયાસતના મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે મુલાકાત થતાં અણ્ણાસાહેબ રાતંજનકરને સંગીતના ઉચ્ચ શિક્ષણ માટે રિયાસતની શિષ્યવૃત્તિ મળે તે અંગેની ભલામણ પંડિત ભાતખંડે દ્વારા કરવામાં આવી, જે મહારાજા સયાજીરાવ દ્વારા મંજૂર થતાં 1917–22ના ગાળામાં વડોદરા રહી ‘આફતાબે મોસિકી’ ઉસ્તાદ ફૈયાઝખાન સાહેબ પાસે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1922માં મુંબઈ પરત આવ્યા અને ત્યારબાદ ચાર વર્ષ (1922–26) સુધી ફરી પંડિત ભાતખંડેના માર્ગદર્શન હેઠળ સંગીતનું અધ્યયન ચાલુ રાખ્યું. તે અરસામાં 1924 અને 1925માં લખનૌ ખાતે આયોજિત સંગીત-સંમેલનોમાં પંડિત ભાતખંડે સાથે હાજરી આપી. આ બધાં સંગીત-સંમેલનોમાં પંડિત ભાતખંડેના એકલ કાર્યક્રમો પ્રસ્તુત થતા હતા, જે દરમિયાન તેમની સંગત કરનાર (supporting artiste) તરીકે રાતંજનકર રહેતા હતા. આને કારણે સંગીતક્ષેત્રના એક વિદ્વાન ગાયક તરીકે તેમને ખ્યાતિ પ્રાપ્ત થવા લાગી.
1926માં બી.એ. થયા બાદ કાયદાશાસ્ત્રના સ્નાતક (એલએલ.બી.) અભ્યાસક્રમમાં જોડાવવાની રાતંજનકરની ઇચ્છા હતી, પરંતુ તે જ વર્ષે લખનૌ ખાતે ડૉ. રાય રાજેશ્વર બાલી નામના શાસ્ત્રીય સંગીતના એક અગ્રણી ચાહકે શાસ્ત્રીય સંગીતનું સર્વાંગી અને વિસ્તૃત શિક્ષણ આપવાના હેતુથી ત્યાં મૉરિસ કૉલેજ ઑવ્ મ્યુઝિકની સ્થાપના કરી અને પંડિત ભાતખંડે મારફત તે કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાવવાની દરખાસ્ત રાતંજનકર સમક્ષ પ્રસ્તુત કરી, જે તેમના દ્વારા પ્રથમ તબક્કે નકારી કાઢવામાં આવી; પરંતુ તેમના પિતાએ દરમિયાનગીરી કરીને ગુરુની આજ્ઞાનું પાલન થવું જ જોઈએ એવો આગ્રહ રાખ્યો. ગુરુ અને પિતા બંનેના આગ્રહને કારણે રાતંજનકર 1926માં મૉરિસ કૉલેજમાં સંગીતના અધ્યાપક તરીકે જોડાયા, જ્યાં બે વર્ષ બાદ 1928માં તેમને કૉલેજના પ્રિન્સિપાલના પદ પર બઢતી આપવામાં આવી. આ પદ પર તેમણે સળંગ 28 વર્ષ (1928–56) સુધી કુશળતાથી કામ કર્યું. આ સંસ્થાને 1926થી સરકારી અનુદાન મળતું હતું, પરંતુ સંસ્થાના કુલ ખર્ચ અને કુલ આવકનો મેળ પડતો નહિ. પરિણામે રાતંજનકર પોતાનો પગાર જતો કરી અધ્યાપકો અને અન્ય કર્મચારીઓને પગાર ચૂકવતા. ડૉ. બાલી પણ સંસ્થાને અવારનવાર આર્થિક સહાય પૂરી પાડતા. દરમિયાન ડૉ. બાલીએ લખનૌ ખાતે પંડિત ભાતખંડેની સ્મૃતિમાં ‘ભાતખંડે સંગીત વિદ્યાપીઠ’ની સ્થાપના કરી હતી, જેના સંચાલનની જવાબદારી પણ રાતંજનકરને સોંપવામાં આવી હતી.
વર્ષ 1956માં રાતંજનકરની નિમણૂક મધ્યપ્રદેશના ખૈરાગઢ ખાતે નવેસરથી શરૂ કરવામાં આવેલ ‘ઇન્દિરા કલા સંગીત વિશ્વવિદ્યાલય’ના કુલપતિપદ પર કરવામાં આવી, જ્યાં તેમણે 1960 સુધી કાર્ય કર્યું.
આમ 1926–60ના ગાળામાં રાતંજનકરે સંગીતના ક્ષેત્રમાં જે વૈવિધ્યપૂર્ણ કાર્ય કર્યું તેનો જોટો અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. મેટ્રિકથી ડૉક્ટરેટ સુધીના શાસ્ત્રીય સંગીતના બધા જ તબક્કાઓના અભ્યાસક્રમનું આલેખન, નિષ્ઠાથી તેનો અમલ, સંગીતનું અધ્યાપન, પરીક્ષાપદ્ધતિનું આયોજન અને તેનું અમલીકરણ, સંસ્થાની પ્રશાસનિક જવાબદારીનું કુશળતાપૂર્વક વહન, સાથોસાથ ચર્ચાસત્રો, અભ્યાસવર્ગો, સંગીતશિબિરો તથા પરિષદોમાં સક્રિય ઉપસ્થિતિ, સંગીતની ચર્ચાસભાઓમાં શોધનિબંધોનું પ્રસ્તુતીકરણ જેવી અનેક બાબતોમાં રાતંજનકરની સતત સક્રિય ભાગીદારી રહેતી. વળી સંગીતના વર્ગખંડોમાં તેમના અધ્યાપન દરમિયાન જુદા જુદા રાગોનો ઉદભવ તથા તેમની વચ્ચે તુલનાત્મક વિશ્લેષણ પણ થતું અને સાથોસાથ સંગીતશાસ્ત્રમાં અવનવા પારિભાષિક શબ્દોનો ઉમેરો પણ તેઓ કરતા. શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં તેમણે કરેલું આ યોગદાન મૌલિક સ્વરૂપનું ગણવામાં આવે છે.
પંડિત રાતંજનકરને અનેક માનસન્માનથી નવાજવામાં આવ્યા છે; જેમાં 1957માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’, મદ્રાસ મ્યુઝિક અકાદમી દ્વારા 1959માં ‘પ્રતિષ્ઠિત સંગીતજ્ઞ’નો ઍવૉર્ડ, 1960માં ઇન્દિરા કલા સંગીત વિશ્વવિદ્યાલય દ્વારા ‘સંગીતાચાર્ય’ની માનદ પદવી, 1963માં સંગીત નાટક અકાદમી દ્વારા ફેલોશિપ વગેરેનો સમાવેશ થાય છે. સંગીત નાટક અકાદમીની કાર્યકારિણી પર ઉત્તર પ્રદેશના પ્રતિનિધિ તરીકે તેમણે લાંબા સમય સુધી કાર્ય કર્યું હતું.
1949 અને 1952માં સિલોન (હવે શ્રીલંકા) આકાશવાણીની સંગીત ઑડિશન સમિતિમાં વરિષ્ઠ પરીક્ષક તરીકે તેમને આમંત્રણ આપવામાં આવેલું, જ્યાં તેમણે વૈજ્ઞાનિક ધોરણે સંગીતકારોના વર્ગીકરણનું માળખું તૈયાર કરી આપેલું.
તેમણે તૈયાર કરેલા ગ્રંથોમાં એક ‘પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સ્મૃતિ ગ્રંથ’ છે, જેમાં શાસ્ત્રીય સંગીતનાં વિવિધ પાસાંઓની તલસ્પર્શી ચર્ચા કરતા વિદ્વત્તાપૂર્ણ લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘ઍસ્થેટિક આસ્પેક્ટસ્ ઑવ્ ઇન્ડિયાઝ મ્યુઝિકલ હેરિટેઝ’ એ બીજો ગ્રંથ છે. આ ઉપરાંત રાતંજનકર ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત ‘અભિનવ ગીતમંજરી’માં 582 જેટલી બંદિશો સમાવિષ્ટ કરવામાં આવી છે. આ ત્રણ પ્રકાશનો ઉલ્લેખનીય ગણાય છે.
તેમના બહોળા શિષ્યવર્ગમાં ચિન્મય લાહિરી અને રોશનલાલ આ બે સંગીત-નિર્દેશકો ઉપરાંત સુમતિ મુટાટકર, સી. આર. ભટ્ટ, કે. જી. ગિન્ડે, દિનકર કૈકિણી, પ્ર. ની. ચિંચોરે તથા જી. વી. નાતુ જેવા જાણીતા શાસ્ત્રીય સંગીતકારોનો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે