રાઠોડ, (કર્નલ) રાજ્યવર્ધન સિંહ

September, 2025

રાઠોડ, (કર્નલ) રાજ્યવર્ધન સિંહ (જ. 29 જાન્યુઆરી 1970, જેસલમેર, રાજસ્થાન) : ઑલિમ્પિક પદક જીતનારા ભારતીય નિશાનેબાજ.

રાજ્યવર્ધનનો જન્મ જેસલમેર, રાજસ્થાનમાં કર્નલ લક્ષ્મણ સિંહ (નિવૃત્ત) રાઠોડ અને મંજુ રાઘવ ભોંડસી(શિક્ષિકા)ને ત્યાં થયો હતો. તેમણે પૂનાની નૅશનલ ડિફેન્સ અકાદમી અને ઇન્ફન્ટ્રી સ્કૂલ મહુ (Mhow)માં શિક્ષણ  લીધું હતું. બી.એ.ની ડિગ્રી ઉપરાંત તેમણે ઇન્સ્ટ્રક્ટર વેપન્સ (MM6, AGL, નાનાં શસ્ત્રો), ગ્રેડિંગ ટૅક્ટિક્સ(YO)નો કોર્સ કર્યો હતો.

(કર્નલ) રાજ્યવર્ધન સિંહ રાઠોડ

રાઠોડ રાષ્ટ્રીય સંરક્ષણ એકૅડેમી(NDA)ના 77મા કોર્સમાં સ્નાતક છે. NDAમાંથી સ્નાતક થયા પછી, તેઓ ભારતીય લશ્કરી એકૅડેમીમાં જોડાયા, જ્યાં તેમને શ્રેષ્ઠ ઑલરાઉન્ડ જેન્ટલમૅન કેડેડ માટે સ્વૉર્ડ ઑવ્ ઑનર એનાયત કરવામાં આવ્યો હતો. તેમને શીખ રેજિમેન્ટ ગોલ્ડ મેડલ પણ મળ્યો હતો, જે કોર્સના શ્રેષ્ઠ રમતવીરને એનાયત કરવામાં આવે છે. બાદમાં તેમને 15 ડિસેમ્બર, 1990ના રોજ 9મી ગ્રેનેડિયર્સ (મેવાડ) રેજિમેન્ટમાં કમિશન આપવામાં આવ્યું. 15 ડિસેમ્બર, 1992ના રોજ તેમને લેફ્ટનન્ટ અને 15 ડિસેમ્બર, 1995ના રોજ કૅપ્ટન તરીકે બઢતી આપવામાં આવી. તેઓ કારગીલ યુદ્ધમાં પણ લડ્યા હતા. તેમને 15 ડિસેમ્બર, 2000ના રોજ મેજર તરીકે બઢતી આપવામાં આવી. તેમણે ભારતીય સેનામાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી વિરોધી કામગીરીમાં ભાગ લીધો હતો. 16 ડિસેમ્બર, 2004ના રોજ તેમને લેફ્ટનન્ટ કર્નલ તરીકે બઢતી આપવામાં આવી અને 1 મે, 2009ના રોજ કર્નલના અંતિમ પદ પર બઢતી આપવામાં આવી.

2004માં માન્ચેસ્ટરમાં યોજાયેલી (કૉમનવેલ્થ) ગેઇમ્સમાં રાઠોડે ગોલ્ડ મેડલ જીત્યો અને 200માંથી 192 લક્ષ્યોનો નવો રાષ્ટ્રસમૂહ (કૉમનવેલ્થ) રમતોનો રેકૉર્ડ બનાવ્યો જે હજુ પણ અકબંધ છે. તેમણે મોરાદ અલીખાન સાથે ટીમ ગોલ્ડ મેડલ પણ જીત્યો. 2006માં પણ રાષ્ટ્રસમૂહ રમતોમાં સુવર્ણપદક જીત્યો. ટીમ ઇવેન્ટમાં પણ રજતપદક જીત્યો. તેમણે 2004માં સિડની અને 2006માં કેરોમાં વિશ્વ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં સુવર્ણપદક જીત્યા. આ સિદ્ધિઓ ઉપરાંત રાઠોડ ઑલિમ્પિક ગેઇમ્સમાં વ્યક્તિગત રજતપદકો જીતનારા પ્રથમ ભારતીય નિશાનેબાજ બન્યા. વર્લ્ડ શોટગન ચૅમ્પિયનશિપમાં કાંસ્યપદક, વિશ્વકપ ફાઇનલમાં કાંસ્યપદક અને વિશ્વકપ શૂટિંગ ચૅમ્પિયનશિપમાં એક સુવર્ણપદક, રજતપદક અને બે કાંસ્યપદક જીત્યા. તેમણે એશિયન ચૅમ્પિયનશિપમાં પાંચ સુવર્ણપદક જીત્યા છે. કુલ મળીને તેમની રમતગમત કારકિર્દીમાં કુલ 17 પદકો મેળવ્યા છે. 2002થી 2006ની વચ્ચે તેમણે ડબલ ટ્રેપ માટે વિવિધ ચૅમ્પિયનશિપમાં 25 આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા હતા.

10 સપ્ટેમ્બર, 2013ના રોજ તેમણે ભારતીય સેનામાંથી નિવૃત્તિ લીધા પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેઓ 2014ની લોકસભા ચૂંટણીમાં જયપુર ગ્રામીણ મતવિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 9 નવેમ્બર, 2014ના રોજ તેમણે નરેન્દ્ર મોદી સરકારમાં માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રીનું પદ શોભાવ્યું. 2017માં તેમને રમતગમત મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મે 2018માં તેઓ માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) બન્યા. 2019ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં, તેમણે જયપુર ગ્રામીણ બેઠક જાળવી રાખી અને બીજી વખત લોકસભામાં ચૂંટાયા. નવેમ્બર, 2003માં તેમણે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે જોતવારા વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડી. ચૂંટણી જીત્યા પછી તેમણે લોકસભામાંથી રાજીનામું આપ્યું. 30 ડિસેમ્બર, 2023ના રોજ તેમણે રાજસ્થાન સરકારમાં કૅબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

તેમના યોગદાન બદલ તેમને 2003માં અર્જુન પુરસ્કાર, 2004માં ‘મેજર ધ્યાનચંદ ખેલરત્ન’ પુરસ્કાર તથા 2005માં ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવ્યા છે. તેમના લશ્કરી પુરસ્કારોમાં ખાસ સેવા ચંદ્રક, સૈન્ય સેવા ચંદ્રક અને અતિવિશિષ્ટ સેવા ચંદ્રક વગેરેનો સમાવેશ થાય છે.

અમલા પરીખ