રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમ લિમિટેડ (GSRST) : મુંબઈ રાજ્યના વિભાજન સાથે જ 1 મે, 1960ના રોજ ગુજરાતના પરિવહન માટે સ્થપાયેલું નિગમ. ગુજરાત રાજ્યના શક્ય તેટલા વધુ વિસ્તારોને આવરી લઈ જનતાને કિફાયત દરે માર્ગ પરિવહનસેવા પૂરી પાડવાની તેની નેમ રહી છે. તે માટે નિગમનો 9,000થી વધુ બસોનો કાફલો 16,250થી વધુ માર્ગો પર દોડે છે અને રોજના 41.65 લાખ મુસાફરોને પરિવહનની સવલત પૂરી પાડે છે. બસોને કાર્યરત રાખવા માટે 16 વિભાગો, 138 ડેપો અને 15 વિભાગીય વર્કશૉપ છે. નિગમને આશરે 58,000 કર્મચારીઓની સેવાઓ પ્રાપ્ત થાય છે. ટાયરને પુન: આવૃત્ત કરવા(retrading) માટે અમદાવાદ, રાજકોટ અને ભરૂચમાં કાર્યશાળાઓ છે. પાલનપુર તથા ગોધરામાં અદ્યતન શીત-પદ્ધતિથી ટાયર-પુન: આવરણ કરવાની વ્યવસ્થા છે. યાત્રીઓને ખાણીપીણી માટે ઉપાહારગૃહો ઉપરાંત આરામગૃહ, સામાનઘર, માહિતીકેન્દ્ર વગેરે સવલતો પૂરી પાડવામાં આવે છે. વળી જોવાલાયક સ્થળો, તીર્થધામો, વિહારધામો, પર્યટનો વગેરે માટે ખાસ વ્યવસ્થા દ્વારા બસો પૂરી પાડવામાં આવે છે. રજાઓમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા વધારાની બસો દોડાવવામાં આવે છે. બસ-સ્ટેશન પર આરક્ષણ તેમજ અગાઉથી બેઠક-નોંધણી વગેરે માટે હવે કમ્પ્યૂટર-પદ્ધતિ પણ દાખલ કરવામાં આવી છે.
સ્વાતંત્ર્ય-સેનાનીઓને વિના મૂલ્યે, વૃદ્ધ સ્વાતંત્ર્ય-સેનાનીને સહાયક સાથે તેમજ તેમની વિધવાઓને વિના મૂલ્યે મુસાફરીનો લાભ અપાય છે. અંધજનો તથા કૅન્સરના દર્દીઓને મદદનીશ સાથે તેમજ વિદ્યાર્થીઓને ભાડામાં રાહત આપવામાં આવે છે.
1998માં નિગમનું કિલોમીટરદીઠ ચોખ્ખું ભાડું રૂ. 18.51 હતું, જે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની સરખામણીમાં સૌથી ઓછું હતું. તે વર્ષમાં તેણે 1 લિટરદીઠ સૌથી વધુ કિલોમીટર લંબાઈની મુસાફરી કરવાની ક્ષમતા મેળવી દેશભરમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો.
નિગમ હેઠળનાં કાર્યો કરવા માટે નિયામક મંડળ હોય છે, જેના સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. તેના ઉપરી ચૅરમૅનનો હોદ્દો ધરાવે છે.
જિગીશ દેરાસરી