રાજસ્થાનનું સ્થાપત્ય : રાજસ્થાન તેના સ્થાપત્યકીય વારસાને લીધે ઘણું જ સમૃદ્ધ છે. આ પ્રદેશમાં બૌદ્ધ સ્તૂપ, હિંદુ-જૈન મંદિરો, મહેલો, કિલ્લાઓ, કીર્તિસ્તંભો, સરોવરો, છત્રીઓ, મસ્જિદો જેવાં અનેક સ્થાપત્યોનું નિર્માણ થયેલું છે.
જયપુર પાસેના બૈરત ગામમાંથી મૌર્યકાલીન એક ઈંટેરી સ્તૂપના અવશેષો પ્રાપ્ત થયા છે.
રાજસ્થાનનાં મંદિરો નાગર શૈલીએ બંધાયાં છે. પ્રાચીન રાજસ્થાનનાં અને ગુજરાતનાં મંદિરોમાં શૈલીની દૃષ્ટિએ ઘણું સામ્ય જોવા મળે છે. આથી મંદિર-સ્થાપત્યના જાણીતા વિદ્વાન મધુસૂદન ઢાંકીએ તેને ‘મારુ ગુર્જર શૈલી’ એવું નામ આપ્યું છે. ઉદેપુરમાં આવેલું ઉદયેશ્વરનું મંદિર અગિયારમી સદીમાં બંધાયેલું છે. સ્થાપત્યશૈલીની દૃષ્ટિએ તે ખજૂરાહોનાં મંદિરો સાથે સામ્ય ધરાવે છે. જોધપુરની વાયવ્યમાં આશરે 50 કિમી. દૂર આવેલા ઓસિયા ગામમાં બ્રાહ્મણ અને જૈન 16 મંદિરોનો સમૂહ આવેલો છે. બાંધકામ તથા શૈલીની દૃષ્ટિએ આ મંદિરો ઈ. સ.ની આઠમી સદીનાં હોય તેમ જણાય છે. મંદિરોનું કદ નાનું છે, પરંતુ તેમની સપ્રમાણતા પ્રશંસનીય છે. ઘાટની દૃષ્ટિએ કોઈ એક મંદિર બીજા મંદિર સાથે મળતું આવતું નથી.
આમાંનાં ત્રણ મંદિર હરિહરનાં છે, જેમાંના બે પંચાયતન પ્રકારનાં છે. આ સમૂહમાં સૂર્યમંદિર બાંધણીની દૃષ્ટિએ સર્વોત્તમ છે. પંચાયતન પ્રકારના આ મંદિરનો શિલ્પવૈભવ આકર્ષક છે. તેનાં ચાર ગૌણ મંદિરો નાશ પામ્યાં છે. મહાવીર સ્વામીનું મંદિર સારી સ્થિતિમાં જળવાઈ રહેલું છે. તેની શૃંગારચોકીની સન્મુખે આવેલું તોરણ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. મૂળ આ મંદિર ઈ. સ.ની આઠમી સદીમાં બંધાયું હશે અને દસમી સદીમાં તેનો જીર્ણોદ્ધાર થયો હોવાનું જણાય છે. પીપલદેવી તથા સચીય માતાના મંદિરમાં ઓસિયા સમૂહનાં મંદિરોના વિકાસની અંતિમ અવસ્થા જોવા મળે છે. આ સમૂહનાં મંદિરોનાં ગર્ભદ્વારો પર નવગ્રહના પટ્ટ કંડારેલા છે. મારવાડમાં આવેલ કિરાડુનું વિષ્ણુ મંદિર અગિયારમી સદીનું ગણાય છે. આ મંદિર લગભગ અવશેષરૂપે છે. અહીંનું સોમનાથનું પ્રસિદ્ધ મંદિર પણ અગિયારમી સદીનું છે. અજમેરથી 11 કિમી. દૂર પુષ્કર સરોવર નામના હિંદુઓના પવિત્ર તીર્થસ્થળે કેટલાંક મંદિરો આવેલાં છે; તેમાં બ્રહ્માનું મંદિર જાણીતું છે. બ્રહ્માની પત્ની સાવિત્રીનું મંદિર સરોવરની પશ્ચિમે એક ટેકરી પર આવેલું છે. શ્રી વૈકુંઠનાથજીનું મંદિર રંગજી તરીકે પણ ઓળખાય છે. આ મંદિરનું શિખર દ્રાવિડશૈલીની ઢબે બાંધેલું છે. ચિતોડના કિલ્લામાં આવેલાં મંદિરો સ્થાપત્ય અને ઇતિહાસની દૃષ્ટિએ ઉલ્લેખનીય છે. તીર્થંકર શાંતિનાથને સમર્પિત નાનું જૈન મંદિર તેના અભિલેખ પ્રમાણે
રાણાકુંભાના કોષાધ્યક્ષના પુત્ર વેલ્કાએ બંધાવ્યું હતું. જટાશંકર મંદિર શિવાલય છે. જૈન મંદિરોનો સમૂહ ‘સત-વીસ દેરા’ (સત્તાવીશ મંદિરો) તરીકે પ્રસિદ્ધ છે. સમિદ્ધેશ્વર મહાદેવનું મંદિર માળવાના રાજા ભોજે બંધાવ્યું હતું અને પાછળના સમયમાં રાણા મોકલે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આઠમી સદીમાં બંધાયેલું કાલિકાનું મૂળ મંદિર સૂર્યમંદિર હતું. કિલ્લામાં તે સૌથી પ્રાચીન મંદિર છે. જયસ્તંભ પાસે મીરાંબાઈનાં નાનાં-મોટાં બે મંદિરો આવે છે. ઉદેપુરના જગદીશ મંદિરનું નિર્માણ મહારાણા જગતસિંઘ 1લાએ 1651માં કરાવ્યું હતું. એકલિંગજીનું મંદિર (ઉદેપુરથી 22 કિમી. દૂર) મૂળમાં બાપા રાવળે આઠમી સદીના મધ્યમાં બંધાવ્યું હોવાની માન્યતા છે. મંદિરનું વર્તમાન સ્વરૂપ મહારાણા રાયમલ(1473-1509)ના સમયનું છે. સફેદ આરસ વડે બાંધેલું આ મંદિર બે મજલાવાળું છે. ગર્ભગૃહમાં ચતુર્મુખ શિવની શ્યામ આરસની પ્રતિમા બિરાજમાન છે. નાગડામાં આવેલા સાસ-બહુ(સાસુ-વહુ)નાં મંદિરો અગિયારમી સદીનાં છે. નાથદ્વારામાં શ્રીનાથજીનું વૈષ્ણવ મંદિર પ્રસિદ્ધ છે. શ્યામ પાષાણની શ્રીનાથજીની પ્રતિમા બારમી સદીની મનાય છે અને ઈ. સ. 1669માં ઔરંગઝેબના ઝનૂનથી બચાવવા તેને મથુરાથી અહીં સ્થળાંતરિત કરવામાં આવી હતી. કાંકરોલીમાં આવેલું દ્વારકાધીશનું મંદિર શ્રીનાથજીના મંદિરને મળતું આવે છે. બીકાનેરનું ભંડસર મંદિર ઓશવાળ ભંડે સોળમી સદીમાં બંધાવ્યું હતું. રાણકપુર તેના ચૌમુખી પ્રકારના જૈન મંદિરને લીધે વિખ્યાત છે. રાણા કુંભાના મંત્રી ધરણા શાહે આચાર્ય સોમસુંદરજીની પ્રેરણાથી આ મંદિર વિ. સં. 1446માં બંધાવ્યું હતું. મંદિરનો સ્થપતિ દેપા અથવા દેપાક હતો. ગર્ભગૃહમાં આદિનાથ ભગવાનની ચારેય દિશામાં મુખ કરતી ચાર પ્રતિમા – ચૌમુખી પ્રતિમા છે. મંદિરમાં કુલ 84 દેવકુલિકાઓ છે. આ મંદિરની વિશેષતા તેના સ્તંભોમાં છે. મંદિરમાં કુલ 1,444 સ્તંભો આવેલા છે. આબુ પર્વત પર આવેલાં દેલવાડાનાં દેરાં એ રાજસ્થાનના મંદિર-સ્થાપત્યની યશકલગી છે. અહીં વિમલવસહી અને લૂણવસહી નામનાં બે જૈન મંદિરો આવેલાં છે. ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ-1લાના મંત્રી વિમલ શાહે ઈ. સ. 1031-32માં બંધાવેલું ઋષભદેવનું મંદિર વિમલવસહી તરીકે જાણીતું છે; જ્યારે તેની પાસે વીરધવલના મહામાત્ય તેજપાલે પોતાના પુત્ર લૂણસિંહની સ્મૃતિમાં નેમિનાથનું મંદિર ઈ. સ. 1230-31માં બંધાવ્યું હતું અને તે લૂણવસહી તરીકે ઓળખાય છે. આ બંને મંદિરો સ્થાપત્યની દૃષ્ટિએ એકસમાન છે. બંને મંદિરો ગર્ભગૃહ, ગૂઢ મંડપ, નવચોકીઓ, રંગમંડપ, બાવન દેવકુલિકાઓ અને હસ્તિશાલા જેવાં અંગો ધરાવે છે. સ્તંભો, કમાનો, ગવાક્ષો અને છતો સુંદર અને સૂક્ષ્મ શિલ્પોથી વિભૂષિત છે. મંડપની અર્ધવૃત્તાકાર છત(કરોટક)ની કોતરણી જગપ્રસિદ્ધ છે.
રાજસ્થાન દેશના સરહદી વિસ્તારમાં આવેલું હોવાથી પ્રાચીન કાળથી વિદેશીઓનાં આક્રમણોનો તેણે સામનો કરવો પડ્યો હતો. આથી આ પ્રદેશમાં દુર્ગસ્થાપત્યનો ઘણો જ વિકાસ થયો હતો. રાજસ્થાન તેના કિલ્લાઓને લીધે જાણીતું છે. મહારાણા કુંભાએ (1433-68) 80 જેટલા કિલ્લાઓ બંધાવ્યા હોવાનું કહેવાય છે. તેમાંના ઘણા નાશ પામ્યા છે. તેણે બંધાવેલા બધા જ કિલ્લાઓમાં ચિતોડનો કિલ્લો ઘણો જ પ્રસિદ્ધ છે. પર્વત પર આવેલો હોવાથી તે ગિરિદુર્ગ કે ડુંગરી પ્રકારનો કિલ્લો છે. તેની સુદૃઢતા અને આયોજન અંગે લોકોક્તિ છે કે, ‘ગઢ તો ચિતોડગઢ, ઔર બાકી સબ ગઢૈયૉ’ અનુશ્રુતિ પ્રમાણે મોરી રાજપૂતના સરદાર ચિતરંગે (સાતમી સદી) ચિતોડગઢનો પાયો નાંખ્યો હતો અને તેનું નામ ‘ચિત્રકોટ’ રાખ્યું હતું. જમીનથી 152 મીટરની ઊંચાઈએ આવેલો આ કિલ્લો 279 હેક્ટરમાં ફેલાયેલો છે. સર્પાકાર સોપાનશ્રેણીના માર્ગ દ્વારા કિલ્લાની ઉપર ચઢાય છે. તેના મુખ્ય દરવાજાનું નામ રામપોળ છે. કુંભલગઢનું નિર્માણ પણ મહારાણા કુંભાએ ઈ.સ. 1458માં કરાવ્યું હતું. જોધપુરનો કિલ્લો 122 મીટર ઊંચાઈએ આવેલો છે. તે 457 મી. લાંબો અને 228 મી. પહોળો છે. ફતેહપોળ, અમૃતપોળ, જયપોળ અને લોહા પોળ – એ તેનાં દરવાજાઓનાં નામ છે. રાજસ્થાનમાં ચિતોડગઢ પછી જેસલમેરનો કિલ્લો સૌથી પ્રાચીન છે. 76 મીટરની ઊંચાઈએ આવેલો આ કિલ્લો 457 મી. x 229 મી.નો વિસ્તાર ધરાવે છે. તેનો પ્રાકાર (કિલ્લાની દીવાલ) 4.5 મી. ઊંચો છે. બીકાનેરનો કિલ્લો રાજા રાયસિંઘે (1571-1611) બંધાવ્યો હતો. કિલ્લામાં 37 બુરજો છે. કિલ્લાને ફરતી 9 મીટર પહોળી ખાઈ આવેલી છે. સૂરજ પરોલ દરવાજામાં થઈને કિલ્લામાં પ્રવેશી શકાય છે. કિલ્લાના કરણ, દૌલત અને ફતેહ નામના અન્ય દરવાજાના બાંધકામમાં મુઘલ શૈલીની અસર જોવા મળે છે. જયપુર શહેર માત્ર દક્ષિણ સિવાય બધી બાજુએથી ગિરિઓથી આવૃત હતું. તેમાંની ઘણી ટેકરીઓ પર કિલ્લા આવેલા છે. ત્યાંનો નહરગઢ સવાઈ જયસિંઘે ઈ.સ. 1734માં બંધાવ્યો હતો. તે સુદર્શનગઢ તરીકે પણ જાણીતો છે. મરાઠાઓના આક્રમણને ખાળવા માટે આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. ભરતપુરનો કિલ્લો તેની માટીની દીવાલને લીધે જુદો પડે છે. ચણતરી દીવાલને ફરતી ખાઈથી દૂર બીજી બે માટીની દીવાલો બાંધેલી છે. યુદ્ધ સમયે દારૂગોળા પ્રથમ આ માટીની દીવાલને અથડાતા તેથી અંદરની ચણતરી દીવાલને કોઈ નુકસાન થતું નહોતું.
ચિતોડગઢના કિલ્લામાં આવેલા કીર્તિસ્તંભ અને જયસ્તંભ રાજસ્થાનના સ્થાપત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે. બંનેમાં કીર્તિસ્તંભ પુરાણો છે. જીજા નામના જૈન વેપારીએ બારમી સદીમાં તેનું નિર્માણ કરાવ્યું હતું. આદિનાથને સમર્પિત આ સ્તંભ 23 મીટર ઊંચો, પાયાએથી 9 મીટર અને ટોચેથી 4 મીટરનો વ્યાસ ધરાવે છે. આ સ્તંભમાં પાંચ મજલા આવેલા છે. જયસ્તંભ રાણા કુંભાએ ઈ. સ. 1458-1468ના ગાળામાં માળવાના મહમૂદ ખલજી પરના વિજય(ઈ. સ. 1440)ની સ્મૃતિમાં બંધાવ્યો હતો. નવ મજલા ધરાવતો સ્તંભ 37 મીટર ઊંચો છે અને પાયાએથી 9 મીટર પહોળો છે.
જયપુર, અંબેર, ઉદેપુર, જોધપુર, બીકાનેર, બુંદી, જેસલમેર અને અલવારના મહેલો પ્રસિદ્ધ છે. ઉદેપુરના પિછૌલા સરોવરની મધ્યમાં
આવેલો જગનિવાસ મહેલ મહારાણા જગતસિંઘ બીજાએ ઈ.સ. 1757માં બંધાવ્યો હતો. ગ્રૅનાઇટ અને આરસમાં બાંધેલા આ મહેલમાં બરા મહલ, ખાસ મહલ, દિલારામ, સજ્જન નિવાસ અને ચંદ્રપ્રકાશ વગેરે ખંડો આવેલા છે. જયપુરના મહેલમાં દક્ષિણે ત્રિપોલિયા દરવાજેથી અને પૂર્વમાં સિરેહ-કી-દેરહી દરવાજેથી પ્રવેશ કરી શકાય છે. મહેલને ફરતો ચોક આવેલો છે. મહેલના પરિસરમાં અનેક ઇમારતો આવેલી છે. મુબારક મહેલ મહારાજા સવાઈ માધોસિંહ બીજાએ ઈ. સ. 1900માં બંધાવ્યો હતો. દીવાને ખાસ વિશિષ્ટ પ્રસંગો માટે વપરાતો. તેની ઉત્તર પશ્ચિમે સફેદ આરસમાં નિર્મિત સાત મજલાવાળો ચંદ્રમહલ છે. જુદા જુદા સમયે તેમાં જુદા જુદા વિભાગો ઉમેરવામાં આવ્યા હતા. તેના સિલેહખાના(શસ્ત્રાગાર)માં ભારતનાં શસ્ત્રોનો શ્રેષ્ઠ સંગ્રહ છે. ત્યાં સુરક્ષિત રાજા માનસિંહની તલવાર 11 પાઉન્ડનું વજન ધરાવે છે. મુબારક મહેલની બહારના પ્રાંગણમાં જંતર મંતર કે યંત્ર તરીકે ઓળખાતી વેધશાળા આવેલી છે. ખગોળવિદ્ સવાઈ જયસિંઘે બંધાવેલી પાંચ વેધશાળાઓમાં આ સૌથી મોટી છે. સ્થાનિક સમય, સૂર્યનો ક્ષય અને ગ્રહણો જાણવા માટે તે ઉપયોગી હતી. ત્યાં સૂર્ય-ઘડિયાળ પણ આવેલી છે. શહેરની મધ્યમાં આવેલો હવામહેલ જયપુર શહેરની રોનક છે. ઈ. સ. 1799માં મહારાજા સવાઈ પ્રતાપસિંહે બંધાવેલો આ મહેલ પાંચ માળનો છે. તેના આ પાંચ માળ અનુક્રમે શરદ મંદિર, રતન મંદિર, વિચિત્ર મંદિર, પ્રકાશ મંદિર અને હવા મંદિર તરીકે ઓળખાય છે. અંબેરના મહેલનું બાંધકામ રાજા માનસિંહે સત્તરમી સદીમાં કરાવ્યું હતું અને સો વર્ષ બાદ સવાઈ જયસિંહના સમયમાં તે પૂર્ણ થયો હતો. સિંઘ પોળ નામના બેવડા પ્રવેશથી લાંબી સોપાનશ્રેણી દ્વારા મહેલમાં જવાય છે. ત્યાંનું દીવાને આમનું બાંધકામ મિર્ઝા રાજા જયસિંહે કરાવ્યું હતું. મહેલના ગણેશપોળ નામના ખંડમાં સુંદર ભીત્તિચિત્રો આવેલાં છે. શીશમહલનું મોઝેઇક અને કાચનું જડતરકામ આકર્ષક છે. રાજા માનસિંહનો મહેલ અહીંના પરિસરનું સૌથી જૂનું સ્થાપત્ય છે. જોધપુરના મોતીમહલ, ફૂલમહલ અને રાજમહલ જાણીતાં છે. બીકાનેરના કિલ્લામાં રાજા રાયસિંહનો મહેલ આવેલો છે. કરણ-મહેલ મહારાજા અનુપસિંહે 1609માં બંધાવ્યો હતો. તે મુઘલ શૈલીની ઢબે બાંધેલો છે.
રાજા-મહારાજાઓની સ્મૃતિઓમાં બાંધવામાં આવતા સ્મારકરૂપ સ્થાપત્યને ‘છત્રી’ કહે છે. આવાં છત્રી-પ્રકારનાં સ્થાપત્ય ગૈતોરમાં જયપુરના રાજાઓની (જયપુરની) નજીક છે. જોધપુરમાં મહારાજા અજિતસિંહની તથા રાજા માલદેવ, રાજા સૂરસિંહ, રાજા ગજસિંહ અને મહારાજા જશવંતસિંહની છત્રીઓ, બીકાનેરથી 8 કિમી. દૂર દેવી કુંડ પાસેની રાવ કલ્યાણમલ, રાજા કરણસિંહ અને મહારાજા અનુપસિંહની છત્રીઓ, અલ્વરમાંની મહારાજા બખ્તવરસિંહની છત્રીઓ જાણીતી છે.
રાજસ્થાનમાં મુસ્લિમ સ્થાપત્યમાં અજમેરની ‘ઢાઇ દિનકા ઝોંપડા’ નામની મસ્જિદને પ્રથમ મૂકી શકાય. અસલમાં આ સંસ્કૃત વિદ્યાલય હતું; પરંતુ તેને 1192માં મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. છત પર 10 ઘુંમટ ધરાવતી આ મસ્જિદમાં 124 સ્તંભો છે. અજમેરમાં આવેલી ખ્વાજાસાહેબની દરગાહ મુસ્લિમોનું પવિત્ર તીર્થ છે. ત્યાં સૂફી સંત ખ્વાજા મોઇયુદ્દીન ચિશ્તીની કબર, બે મસ્જિદો, મહેફિલખાના (સભાખંડ) અને બુલંદ દરવાજા આવેલા છે. ઈ.સ. 1464માં ખ્વાજાસાહેબના શારીરિક અવશેષો પર માંડુના સુલતાન મહમૂદ ખલજીએ દરગાહ બંધાવી હતી.
રાજસ્થાનમાં તળાવનું સ્થાપત્ય પણ નિર્માણ પામ્યું હતું. પિછૌલા સરોવર, અન્ના સાગર ફતેહસાગર અને રાજસમંદ સરોવર ઉલ્લેખનીય છે.
થૉમસ પરમાર