રાજસમંદ : રાજસ્થાન રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 16´ ઉ. અ. અને 74° 00´ પૂ. રે.ની આજુબાજુનો 4,867 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો રાજ્યના દક્ષિણ ભાગમાં મેવાડના પ્રદેશમાં આવેલો છે. તેની ઉત્તરે અજમેર અને પાલી, પૂર્વમાં ભીલવાડા અને ચિતોડગઢ, દક્ષિણે ઉદેપુર તથા પશ્ચિમે પાલી જિલ્લા આવેલા છે. જિલ્લો અંડાકાર દેખાવવાળો છે અને ઉત્તર તરફનો ભાગ ખૂબ જ સાંકડી પટ્ટીવાળો છે. જિલ્લામથક રાજસમંદ દક્ષિણ તરફના ગોળાકારની મધ્યમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો લગભગ બધી બાજુએ અરવલ્લી હારમાળાના ઉચ્ચપ્રદેશોથી ઘેરાયેલો છે; પરંતુ અગ્નિકોણમાં આવેલો કેટલોક ભાગ ફળદ્રૂપ મેદાનોથી બનેલો છે. ભીમ તાલુકાથી નૈર્ઋત્યમાં કુંભલગઢ આવેલું છે તેમજ સોમ નદી તરફ અરવલ્લી હારમાળા પથરાયેલી છે. અરવલ્લી હારમાળામાં દેસુરી નાળ અને સાદડી નામના બે મહત્વના ઘાટ આવેલા છે. ભીમ, દેવગઢ અને આમેટ વિસ્તારની જમીનો રેતાળ ગોરાડુ છે, તો કુંભલગઢ અને રાજસમંદ વિસ્તારની જમીન માટીવાળી ગોરાડુ છે. આ જિલ્લો ખનિજ-સંપત્તિમાં સમૃદ્ધ છે. અહીં તાંબા, સીસા, જસત અને ચાંદીનાં ધાતુખનિજો મળે છે. ઔદ્યોગિક ખનિજોમાં રૉક ફૉસ્ફેટ, ઍસ્બેસ્ટૉસ, કૅલ્સાઇટ, બેરાઇટ, પન્નું, ચૂનાખડક અને આરસપહાણ મળે છે. બનાસ અહીંની મુખ્ય નદી છે. ચંદ્રભાગા, ખારી અને ગોમતી જેવી મુદતી નદીઓ તેની સહાયક નદીઓ છે. ઉદેપુરથી ઉત્તરમાં આશરે 67 કિમી. અંતરે ભીલવાડા માર્ગ પર કાંકરોલીથી નજીકમાં ઉત્તર તરફ રાજસમંદ નામનું માનવસર્જિત સરોવર આવેલું છે.
ખેતીપશુપાલન : આ જિલ્લામાં ખરીફ, રવી અને જૈદ ત્રણે પ્રકારના કૃષિપાકો લેવાય છે. અહીંના મુખ્ય પાકોમાં બાજરી, કઠોળ, તેલીબિયાં, શેરડી, મકાઈ, ઘઉં, જવ અને ચણાનો સમાવેશ થાય છે. ઉનાળાની ઋતુમાં નદીઓનાં ભાઠાંમાં શાકભાજીનું વાવેતર થાય છે. ખેડાણ હેઠળની કુલ ભૂમિની માત્ર 28 % જમીનોને સિંચાઈ પ્રાપ્ત થાય છે. બાકીની ખેતી કૂવા, તળાવો અને અન્ય જળાશયોના પાણીથી કરવામાં આવે છે. ભેંસો, ઘેટાંબકરાં, ઘોડા, ટટ્ટુ, ગધેડાં, ઊંટ અને ડુક્કર અહીંનાં મુખ્ય પશુઓ છે. લોકો મરઘાં-બતકાંનો ઉછેર કરે છે. રાજ્ય સરકાર તરફથી સ્થાયી અને હરતાંફરતાં ચિકિત્સાલયો તથા પશુઓ માટે પશુદવાખાનાં ઊભાં કરવામાં આવ્યાં છે.
ઉદ્યોગ વેપાર : આ જિલ્લો ખનિજ-સંપત્તિની દૃષ્ટિએ સમૃદ્ધ હોવા છતાં સમગ્રપણે જોતાં તે ઔદ્યોગિક ક્ષેત્રે અવિકસિત છે. જે. કે. ટાયર ફૅક્ટરી (કાંકરોલી) જેવાં થોડાંક સૂચિકૃત કારખાનાં છે ખરાં. કેટલાક ખનિજ આધારિત તથા જંગલ-પેદાશો આધારિત નાના પાયા પરના એકમો પણ વિકસ્યા છે. સોનીકામ, કુંભારકામ, વાંસકામ તથા સલાટકામ જેવા પરંપરાગત ગૃહ-ઉદ્યોગો પણ ચાલે છે. ખામનોર તેનાં ગોળ-ઉત્પાદન, ગુલાબજળ અને ગુલાબના અત્તર માટે તથા રાજનગર અને કુરજ તેમનાં શેતરંજી-ગાલીચા માટે જાણીતાં છે.
જિલ્લામાં સિંગતેલ, તૈયાર પોશાકો, રૂ, લોખંડનો સામાન, ધાબળા, સાબુ, ચાંદીના દાગીના, મીનાકારી, છાપકામ-સામગ્રી, આરસપહાણની પાટો, ટાયર વગેરેનું ઉત્પાદન લેવાય છે. વળી તે પૈકીની મોટાભાગની વસ્તુઓની નિકાસ થાય છે. કાપડ, અનાજ, ખાંડ, કઠોળ, કાચ, રંગ, રબર, લોખંડ તથા આરસપહાણના પથ્થરોની આયાત કરવામાં આવે છે.
પરિવહન : પશ્ચિમ રેલવિભાગનો મીટરગેજ રેલમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે. તે દેવગઢ, આમેટ, માવલીને ઉદેપુર તથા પાલી જિલ્લા સાથે જોડે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 તેમજ કેટલાક રાજ્ય ધોરી માર્ગો અહીંનાં અગત્યનાં નગરો અને વ્યાપારી મથકોને બસમાર્ગોથી જોડે છે. ઉદેપુર આ જિલ્લા માટેનું નજીકનું હવાઈમથક છે. તે દિલ્હી, જયપુર, જોધપુર અને મુંબઈ સાથે સંકળાયેલું છે.
પ્રવાસન : રાજસમંદ, કાંકરોલી, નાથદ્વારા, હલદીઘાટી અને કુંભલગઢ જેવાં જોવાલાયક સ્થળો આ જિલ્લામાં આવેલાં છે. (i) રાજસમંદ : રાજસમંદ સરોવર આ વિસ્તારનું મુખ્ય આકર્ષણ-કેન્દ્ર છે. આશરે 18 ચોકિમી. વિસ્તાર(લંબાઈ 6 કિમી, પહોળાઈ 3 કિમી.)માં પથરાયેલા આ સરોવરની ઊંડાઈ આશરે 16.76 મીટર જેટલી છે. તે ટેકરીઓની વચ્ચે આવેલું છે. તેને કાંઠે ઘેબરમાતા અને અંબામાતાનાં મંદિરો આવેલાં છે. આ ઉપરાંત અહીં મહાદેવ તેમજ ઋષભદેવનાં મંદિરો પણ છે. ઋષભદેવનું મંદિર ટેકરીના શિખર પર નાના કિલ્લામાં આવેલું છે. (ii) કાંકરોલી : દ્વારકાધીશના મંદિર માટે જાણીતું બનેલું કાંકરોલી યાત્રાધામ રાજસમંદ સરોવર નજીક આવેલું છે. મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ છે. મંદિર ઘણું જ મોટું, સુંદર બાંધણીવાળું અને ભવ્ય છે. અહીં તે ઉપરાંત મહાદેવજી, શ્રી રામસિયા, સાક્ષીગોપાલ અને શીતળામાતાનાં મંદિરો છે. આ ઉપરાંત અહીં એક મસ્જિદ પણ છે. (iii) નાથદ્વારા : ભારતમાં આવેલાં વૈષ્ણવ મંદિરો પૈકી નાથદ્વારાનું શ્રીનાથજીનું મંદિર ઘણી ખ્યાતિ પામેલું છે. મંદિરમાં શ્રીનાથજીની મૂર્તિ છે. દેશભરમાંથી, વિશેષે કરીને ગુજરાતમાંથી, અહીં આખું વર્ષ ઘણી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો દર્શનાર્થે આવે છે. (iv) હલદીઘાટી : નાથદ્વારાથી આશરે 18 કિમી. અંતરે નૈર્ઋત્યમાં આવેલું, ટેકરીઓથી ઘેરાયેલું આ સ્થળ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું જ મહત્વ ધરાવે છે. અહીં 1576માં રાણા પ્રતાપ અને મુઘલ શહેનશાહ અકબર વચ્ચે લડાઈ થયેલી. રાણા પ્રતાપની યાદ સાથે આ સ્થળ સંકળાયેલું છે. નજીકમાં આવેલા બગીચા નામના ગામમાં ચેતક સ્મારક પણ જોવાલાયક છે, અહીં રાણા પ્રતાપના ઘોડા ચેતકે છેલ્લો શ્ર્વાસ લીધેલો. (v) કુંભલગઢ : 1443-1458 વચ્ચેના ગાળા દરમિયાન રાણા કુંભા દ્વારા બંધાયેલા કુંભલગઢના કિલ્લા પરથી આ સ્થળનું નામ પડેલું છે. ટેકરી પર આવેલા કુંભલગઢ પરથી અરવલ્લી હારમાળાનાં રમણીય દૃશ્યો તેમજ મેવાડનું રેતાળ રણ જોઈ શકાય છે. ટેકરીઓના ઢોળાવ પરના બુરજો સહિતના કોટથી આ સ્થળ આરક્ષિત છે. આ ઉપરાંત અહીંનાં નીલકંઠ મહાદેવનું મંદિર, દેવોને નૈવેદ્ય/ભોગ ધરાવવાની વેદી, દેલવાડા, આહર, નાગદા, કરેડા અને ચાવંડ જેવાં ધાર્મિક, ઐતિહાસિક અને પુરાતત્ત્વીય સ્થળો ખરેખર જોવાલાયક છે.
વારતહેવારે આ જિલ્લામાં ઘણા ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મેળાઓ પણ ભરાય છે. ઘણા પ્રવાસીઓ આ મેળા માણવા આવે છે. આ પૈકી નાથદ્વારાનો અન્નકૂટનો મેળો; ગંગાપુરનો મેળો; પ્રતાપજયંતી મેળો; ચારભુજા, ઝામેશ્વર મહાદેવ અને કરણીમાતાનો મેળો વિશેષ ઉલ્લેખનીય છે. દિવાળી, હોળી, મકરસંક્રાંતિ, જન્માષ્ટમી, ઈદ-ઉલ-ફિત્ર, ઈદ-ઉલ-ઝુહા અને રમજાનના તહેવારો અહીં રંગેચંગે ઊજવવામાં આવે છે.
વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 9,86,269 જેટલી છે, તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 88 % અને 12 % જેટલું છે. હિન્દી અને રાજસ્થાની અહીંની મુખ્ય ભાષાઓ છે. અહીં ગ્રામીણ કક્ષાએ 30 % અને શહેરી કક્ષાએ 65 % જેટલું સાક્ષરતાનું પ્રમાણ છે. રાજસમંદ, નાથદ્વારા, દેવગઢ અને આમેટ જેવાં નગરોમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પ્રમાણ સારું છે. વિનયન-વાણિજ્ય-વિજ્ઞાનની એક કૉલેજ પણ છે. જિલ્લામાં મધ્યમસરની તબીબી સેવાઓની સગવડો પણ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 ઉપવિભાગોમાં, 7 તાલુકાઓમાં અને 7 પંચાયત સમિતિઓમાં વહેંચેલો છે. અહીં 4 નગરો અને 978 (15 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : 1991ના એપ્રિલની 10મી તારીખે ઉદેપુર જિલ્લાનું વિભાજન કરીને રાજસમંદ જિલ્લાની રચના કરાયેલી છે. રાજસ્થાનનો સાંસ્કૃતિક વારસો મેવાડના દેશી રાજ્યે જાળવી રાખેલો. અહીં રાણા કુંભા, રાણા સાંગા અને રાણા પ્રતાપ જેવા સમર્થ રાજાઓ થઈ ગયા. રાજસમંદ નગર 1676માં રાજા રાજસિંહે સ્થાપેલું, ત્યારે તો તે રાજનગર નામથી ઓળખાતું હતું. એમ કહેવાય છે કે 1676ના ફેબ્રુઆરીની પહેલી તારીખે મહારાજા રાજસિંહે ગોમતી નદીના પ્રવાહને અવરોધવા એક સરોવર બંધાવેલું. તેને ‘રાજસમંદ’ નામ અપાયેલું; તે પરથી નગર અને જિલ્લાને નામ અપાયું જણાય છે. ત્યાં ટેકરી પર કિલ્લો પણ બંધાવેલો, તેને રાજમંદિર નામ આપેલું; નગરને રાજનગર નામ અપાયેલું. મેવાડના દેશી રાજ્યના શાસનકાળ વખતે રાજનગરને જિલ્લાનો મોભો પણ અપાયેલો. 1940-41માં એ વખતના જિલ્લાઓની સરહદોની પુનર્રચનાને કારણે 17 જિલ્લા હતા, તેમાંથી 8 જિલ્લા બનાવેલા. આ જિલ્લાઓને બે પ્રાદેશિક વિભાગોમાં પણ વહેંચેલા – ઉદેપુર ઉપવિભાગ અને ભીલવાડા ઉપવિભાગ. રાજસમંદ ઉદેપુર ઉપવિભાગમાં હતો. તે વખતે તેના બે તાલુકાઓ હતા રાજસમંદ અને રાયપુર. 1948માં દેશી રાજ્યોને ભેળવી દેવાયાં ત્યારે ઉદેપુર જિલ્લો રચવામાં આવેલો. ઉદેપુરમાંથી રાજસમંદના અલગ જિલ્લાની રચના 1991માં કરવામાં આવી.
ગિરીશભાઈ પંડ્યા