રાજશેખર (દસમી સદીનો આરંભ) : સંસ્કૃત ભાષાના આલંકારિક આચાર્ય અને નાટ્યકાર. તેઓ મહારાષ્ટ્રના વતની હતા. તેમના કુળનું નામ ‘યાયાવર’ હતું. તેથી પોતાની જાતને તેઓ ‘યાયાવરીય’ એવા નામથી ઓળખાવે છે. તેમના પૂર્વજોમાં સુરાનંદ, તરલ, કવિરાજ અને અકાલજલદ વગેરેનો સમાવેશ થાય છે. આ પૂર્વજો વિદ્વાન કવિઓ હતા. અકાલજલદના તેઓ પ્રપૌત્ર હતા. તેમના પિતા મહામંત્રી દુર્દુક અથવા દુહિક નામથી ઓળખાતા. તેમની માતાનું નામ શીલવતી હતું. તેમની પત્નીનું નામ અવંતિસુંદરી હતું. અવંતિસુંદરી ચૌહાણ કુળની વિદુષી કવયિત્રી તરીકે પ્રસિદ્ધ હોવાથી તેમનાં મંતવ્યોનો ઉલ્લેખ ખુદ રાજશેખરે પણ કર્યો છે. અવંતિસુંદરીના મનોરંજન માટે રાજશેખરે ‘કર્પૂરમંજરી’ નામનું સટ્ટક પ્રાકૃત ભાષામાં રચ્યું હતું. રાજશેખર કનોજના પ્રતિહાર વંશના રાજા મહેન્દ્રપાલ અને તેમના પુત્ર રાજા મહીપાલના ગુરુ કે ઉપાધ્યાય હતા. તે રાજાઓના સમયમાં એટલે ઈ. સ.ની દસમી સદીના આરંભમાં તેઓ થઈ ગયા. ઈ. સ. 800થી 850માં થઈ ગયેલા વામન, રત્નાકર અને આનંદવર્ધનનો ઉલ્લેખ રાજશેખરે કર્યો છે અને ઈ. સ.ની દસમી સદી પછી થયેલા અભિનવ, સોમદેવ, ધનપાલ અને સોઢ્વલ વગેરેએ રાજશેખરની પ્રશંસા કરતાં વિધાનો કર્યાં છે તેથી તેમનો સમય દસમી સદીનો આરંભ હોવાનું નક્કી કરી શકાય. તેઓ થોડોક સમય ચેદિના કલચુરી વંશના રાજા કેયૂરવર્ષ પાસે પણ રહેલા. તેઓ સંસ્કૃત અને બધી પ્રાકૃત ભાષાઓમાં એક જ સરખી કુશળતાથી કવિતા રચી શકતા હોવાથી પોતાને ‘કવિરાજ’ કહે છે. વળી તેમણે ‘બાલરામાયણ’ અને ‘બાલભારત’ એ બે નાટકો રચ્યાં હોવાથી ‘બાલકવિ’ એવા નામે પ્રખ્યાત થયા છે. રાજશેખર પોતાને વાલ્મીકિ, ભર્તૃમેણ્ઠ અને ભવભૂતિના અવતાર તરીકે ગણાવે છે. તેઓ વિશિષ્ટ ઉક્તિને કાવ્ય માને છે. ‘શાર્દૂલવિક્રીડિત’ છંદની રચનામાં તેમની સિદ્ધહસ્તતાને ક્ષેમેન્દ્ર ‘સુવૃત્તતિલક’માં વખાણે છે. તેઓ મહાકવિની પ્રતિભા ધરાવનાર સંસ્કૃત નાટ્યની અવનતિકાળના નાટ્યકાર છે.
રાજશેખર પોતે જ પોતાની 6 સાહિત્યિક રચનાઓનો ઉલ્લેખ કરે છે. તેમાં ‘હરવિલાસ’ મહાકાવ્ય મળતું નથી, પરંતુ આચાર્ય હેમચંદ્રે તેનું ઉદ્ધરણ આપ્યું છે. જ્યારે ‘કાવ્યમીમાંસા’ નામનો કવિશિક્ષાવિષયક અલંકારશાસ્ત્રનો ગ્રંથ અતિપ્રસિદ્ધ છે. અલબત્ત, તેનાં 18 અધિકરણોમાંથી આપણને ફક્ત પ્રથમ ‘કવિરહસ્ય’ નામનું અધિકરણ જ મળે છે. એ બે ગ્રંથો ઉપરાંત સંસ્કૃત ભાષામાં રચાયેલું ‘બાલરામાયણ’ નામનું મહાકાવ્ય નાટક અને જેના ફક્ત પ્રથમ બે અંકો પ્રાપ્ત થાય છે તેવું ‘બાલભારત’ અથવા ‘પ્રચંડપાંડવ’ નામનું નાટક એ બંને રાજશેખરની જાણીતી રચનાઓ છે. આ ચાર સંસ્કૃત રચનાઓ ઉપરાંત બે પ્રાકૃત ભાષામાં રચાયેલાં સટ્ટકો પણ રાજશેખરે રચ્યાં છે. તેમાં અતિપ્રસિદ્ધ ‘કર્પૂરમંજરી’ સટ્ટક ઉપરાંત ‘વિદ્ધશાલભંજિકા’ નામનું બીજું સટ્ટક પણ છે. એ ઉપરાંત ‘ભુવનકોશ’ નામનો ભૂગોળ વિશેનો ગ્રંથ રાજશેખરે રચ્યો હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
વિદ્ધશાલભંજિકા : આ ચાર અંકોનું બનેલું સટ્ટક વિદ્યાધરમલ્લ અને મૃગાંકાવલીની પ્રણયકથા રજૂ કરે છે. પ્રથમ અંકમાં લાટદેશના રાજા ચંદ્રવર્મા પોતાની પુત્રી મૃગાંકાવલીને પુરુષનો વેશ પહેરાવી મૃગાંકવર્મા એવું નામ આપીને રાજા વિદ્યાધરમલ્લને ત્યાં મોકલે છે, જે વાતને વિદ્યાધરમલ્લનો પ્રધાન ભાગુરાયણ પોતાના રાજાને ચક્રવર્તી બનાવવા મૃગાંકાવલી સાથેના લગ્ન માટે અનુમોદન આપે છે. તેથી મૃગાંકાવલીની લાકડાની પૂતળીઓ (શાલભંજિકાઓ) રાજમહેલમાં મૂકે છે. રાજા વિદ્યાધરમલ્લને એવું સ્વપ્ન આવે છે કે કોઈ સુંદરી તેને મોતીનો હાર પહેરાવી જતી રહી અને તે પેલી લાકડાની પ્રતિમા જેવી જ હતી. બીજા અંકમાં રાણી અને મૃગાંકવર્મા રાજાનાં લગ્ન કુવલયમાલા સાથે કરવાનું નક્કી કરે છે; જ્યારે મેખલા નામની દાસી વિદૂષકનાં લગ્ન અંબરમાલા સાથે કરાવવા રાણીને વિનંતી કરે છે અને તે વિદૂષકને છેતરીને દાસી સાથે પરણાવી દે છે. વિદૂષક આથી ગુસ્સે થતાં રાજા તેને ઠંડો પાડે છે. એ પછી રાજા અને વિદૂષક સંતાઈને મૃગાંકવર્માને પ્રેમપત્ર વાંચતો સાંભળે છે. ત્રીજા અંકમાં મૃગાંકવર્મા મહેલમાં મૂળ સ્ત્રીવેશે દેખાઈને વીજળીવેગે અદૃશ્ય થાય છે. વિદૂષક મેખલાએ કરેલી ગમ્મત બદલ તેને છેતરીને બદલો લે છે. રાણી સમક્ષ બદલો લીધાની વાત જાહેર કરતાં રાણી ગુસ્સે થાય છે. ચોથા અંકમાં રાણી રાજાને મૃગાંકવર્માની બહેન સાથે લગ્ન કરવા સમજાવે છે કે જેથી મૃગાંકવર્માને સ્ત્રીવેશ પહેરાવી રાજા સાથે પરણાવીને રાજાને મૂર્ખ બનાવી શકાય. એ રીતે રાણી તેનાં લગ્ન ગમ્મત ખાતર કરાવી આપે છે, ત્યાં જ લાટદેશના રાજા અને મૃગાંકાવલીના પિતા ચંદ્રસેનનો સંદેશો આવે છે કે પોતાને ત્યાં પુત્ર જન્મ્યો છે અને પુરુષવેશે રહેતી મૃગાંકાવલીનું લગ્ન રાજા વિદ્યાધરમલ્લ સાથે કરવું. રાણી કુવલયમાલાનાં લગ્ન પણ રાજા વિદ્યાધરમલ્લ સાથે કરાવી આપે છે. એ સમયે શત્રુઓ પરાજય પામતાં રાજા વિદ્યાધરમલ્લ ચક્રવર્તી બને છે અને સટ્ટક સુખદ અંત પામે છે. શાલભંજિકા જોઈને પ્રણયનો આરંભ, નાયિકાનું પુરુષવેશે રહેવું અને સ્ત્રીવેશે લગ્ન કરવું અને હળવું મનોરંજન એ આ સટ્ટકનાં વિશિષ્ટ તત્ત્વો છે. નાટ્યકાર રાજશેખર પર કાલિદાસ, ભવભૂતિ અને હર્ષની અસર છે.
પ્ર. ઉ. શાસ્ત્રી