રાજયક્ષ્મા (ક્ષય : ટી.બી.) : એક દુર્ધર રોગ. તેને ‘રોગરાજ’ કહેવામાં આવે છે. ‘યક્ષ્મા’ એટલે ક્ષયનો રોગ. ‘રોગોનો રાજા’ એટલે ‘રાજયક્ષ્મા’. આધુનિક વૈદક પ્રમાણે ‘ટ્યુબરક્યુલૉસિસ’ (ટી.બી.) નામથી જે રોગ પ્રસિદ્ધ છે તેને આયુર્વેદમાં ‘રાજયક્ષ્મા’ કહેવામાં આવે છે. આ રોગમાં દેહની ધાતુઓમાં કાર્યક્ષય થાય છે તેથી તેને ક્ષયરોગ કહે છે. રસાદિ ધાતુઓમાં શોષ ઉત્પન્ન થાય છે, એટલે તેને શોષ રોગ પણ કહે છે.
પ્રકારો : રાજયક્ષ્મા ચાર પ્રકારના થાય છે : (1) વેગાવરોધજન્યમૂત્રાદિ 13 કુદરતી વેગોનું સમયસર વિસર્જન ન કરવાથી થનાર; (2) ધાતુ-ક્ષયજન્ય : અતિમૈથુન, અનશન વગેરે કારણોથી અનુલોમ અથવા પ્રતિલોમ ધાતુક્ષય થવાથી ઉત્પન્ન થનાર; (3) સાહસજન્ય : પોતાની શક્તિ બહારનાં કામ કે શ્રમ કરવાથી ઉત્પન્ન થનાર; (4) વિષમાશનજન્ય : આહારસેવનના નિયમો વિરુદ્ધ ભોજન ‘વિષમાશન’ કહેવાય છે. તેના કારણે થનાર ‘રાજ્યક્ષ્મા’.
દોષો : આ રોગ ત્રિદોષજન્ય છે; તેમ છતાં તેમાં કફનું પ્રાધાન્ય હોય છે. રસવાહી સ્રોતોમાં અવરોધ થવાથી આ રોગ થાય છે.
પૂર્વરૂપ : રાજ્યક્ષ્મા થનાર રોગીમાં નીચેનાં પૂર્વરૂપ લક્ષણો જણાય છે; તે ઉપરથી ભવિષ્યમાં વ્યક્તિને રાજ્યક્ષ્મા (ક્ષય) થશે તેવું અનુમાન/નિદાન થઈ શકે છે. તેને અવારનવાર શ્ર્વાસ લાગે છે; સંપૂર્ણ શરીરમાં દુખાવો થાય છે; મુખથી કફ (ગળફા) નીકળે છે; તાળવું સુકાય છે; પાચક અગ્નિ મંદ થાય છે; પીનસ નાકમાંથી જાળીદાર ચીકણો કફ નીકળે છે અને નાસામૂળમાં શૂલ સાથે સોજો થાય છે. વળી વારંવાર ઉધરસ આવે છે અને વધુ ઊંઘ અને અશક્તિ જણાય છે.
રોગનાં મુખ્ય લક્ષણો : રાજ્યક્ષ્માનાં મુખ્ય લક્ષણોમાં ખભા અને પડખામાં દુખાવો, હાથપગમાં બળતરા અને સર્વાંગમાં કળતર રહેવું. સુશ્રુતે જણાવ્યું છે તેમ, સ્વરભેદ (સાદ બેસી જવો), ખભા અને પડખામાં શૂલ, જ્વર (તાવ), હાથપગમાં દાહ, ઝાડા, થૂંકમાં રક્તનું આવવું, માથામાં ભારેપણું, ખાવા ઉપર રુચિ ન થવી, ખાંસી, ગળામાં પીડા જેવાં લક્ષણો પ્રાય: કફદોષના કારણે થાય છે. અતિશ્રમ કે અતિવ્યાયામના કારણે થનાર રાજ્યક્ષ્મામાં રક્તાદિ ધાતુનો ક્ષય થતાં (રક્તક્ષય થતાં) પાંડુતા ઉત્પન્ન થાય છે. એ જ રીતે જરાશોષ (ઘડપણના કારણે ધાતુક્ષય), અધ્વશોષ (બહુ પગપાળા ચાલનારને થનાર શોષ), વ્યાયામશોષ (બહુ ભારે કસરતો કરવાથી થનાર શોષ) તેમજ વ્રણશોષ (કોઈ વ્રણમાં રક્તસ્રાવ થઈ જતાં થતા શોષ) દ્વારા ધાતુશોષ થતાં શરીર સુકાતું જાય છે. જોકે શોષરોગને આયુર્વેદમાં રાજ્યક્ષ્માથી જરા અલગ પ્રકારે વર્ણવેલ છે; તેમ છતાં બંનેમાં સરખાપણું હોવાને કારણે એક જ પ્રકરણમાં બંનેનો સમાવેશ કરવામાં આવેલ છે. કેટલાક વિદ્વાનો રાજ્યક્ષ્મા અને શોષને અલગ માને છે, પણ બંનેનાં ઘણાં લક્ષણો અને ચિકિત્સામાં સમાનતા છે. શોષરોગનાં કારણો જે બતાવ્યાં છે, તેમાંથી જ ઉર:ક્ષત રોગ પણ થાય છે, જેમાં ફેફસામાં વ્રણ (અલ્સર) ઉત્પન્ન થાય છે. ઉર:ક્ષતમાં છાતીમાં ખૂબ દુખાવો થાય છે, શરીર સુકાતું જાય છે, અશક્તિ આવે છે, ખાંસીમાં પિત્ત કાળું દુર્ગંધયુક્ત થાય છે તથા રક્તમિશ્રિત કફનો સ્રાવ પણ થાય છે. ઓજક્ષય થવાને કારણે શરીર દુર્બળ બનતું જાય છે.
રાજ્યક્ષ્મા, શોષ અને ઉર:ક્ષત – આ ત્રણેય રોગો એકબીજાના ઉપદ્રવરૂપે અથવા સંકર રોગરૂપે અથવા સ્વતંત્ર રોગ તરીકે સંભવી શકે છે. તે રોગ જો નવા હોય, લક્ષણો ઓછાં હોય, અગ્નિ પ્રબળ હોય ત્યારે સાધ્ય હોય છે. જૂના અને એક વર્ષ પછીના રોગ યાપ્ય (દવા કરે ત્યાં સુધી રાહત મળે તેવા) હોય છે. બધાં જ લક્ષણો જેમાં ઉત્પન્ન થયેલાં હોય અને દર્દીના બળ, માંસનો અતિક્ષય થયો હોય તેવા રોગો અસાધ્ય હોય છે.
ચિકિત્સા : રાજયક્ષ્મા રોગમાં બળમાંસનો અત્યંત ક્ષય થાય છે. તેથી કોઈ પણ તીક્ષ્ણ શોધન આપવામાં આવતું નથી; તેમ છતાં બલવાનોમાં પંચકર્મ કરાય છે. અનેક રોગોનો સમૂહ આ રોગમાં હોવાથી દર્દીની લાક્ષણિક ચિકિત્સા મહત્વની છે. પાર્શ્ર્વશૂલ, શિર:શૂલ, તાવ, પીનસ, પ્રતિશ્યાય (શરદી), કાસ (ખાંસી), સ્વરભેદ, રક્તષ્ઠીવન (ગળફામાં લોહી પડવું) વગેરેની લાક્ષણિક ચિકિત્સા કરવી પડે છે. સાથે સાથે બળ વધારવા માટે અને માંસવૃદ્ધિ માટે શક્તિવર્ધક તથા રસાયન-ચિકિત્સા કરવાની હોય છે. શુક્રક્ષય ન થાય તે માટે દર્દીને બ્રહ્મચર્ય-પાલન લાભપ્રદ હોય છે. બકરાનું માંસસેવન લાભકારક થાય છે. સાઠી ચોખા, ઘઉં, મગ, જાંગલ પશુપક્ષીઓનું માંસ, દૂધ, મધ, ઘીનો ખોરાક દર્દીને પથ્યકારક હોય છે. સિતોપલાદિ ચૂર્ણ, તાલીસાદિ ચૂર્ણ, વાસાવલેહ, ચ્યવનપ્રાશ, દ્રાક્ષારિષ્ટ, યક્ષ્મારિ લોહ, શિલાજિત્વાદિ લોહ, ક્ષયકેસરી રસ, કલ્યાણસુંદર રસ, રત્નગર્ભ-પોટ્ટલી રસ, બલાદ્ય ઘૃત, છાગલાદ્ય ઘૃત, સુવર્ણમાલિનીવસંત આદિ યોગો રાજ્યક્ષ્મા રોગમાં બહુ લાભપ્રદ બને છે. દર્દીના ઉપદ્રવો, બળ, વય અને અવસ્થા અનુસાર વૈદ્યે જે વધુ યોગ્ય હોય, તે ઔષધયોજના કરવાની રહે છે. (વધુ માહિતી માટે જુઓ : ક્ષય.)
હરિદાસ શ્રીધર કસ્તૂરે