રાજમુંદ્રી : આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાનું શહેર. ભૌગોલિક સ્થાન : 17° 0´ ઉ. અ. અને 81° 50´ પૂ. રે. તે ગોદાવરી નદીના મુખ પરના ત્રિકોણપ્રદેશના મથાળે આવેલું છે, તેમજ ચેન્નાઈ-હાવરા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક છે. તે તાલુકાનું તેમજ મહેસૂલી વિભાગનું મુખ્ય મથક પણ છે. વળી તે રેલ ઉપરાંત સડક અને નદીમાર્ગનું જંકશન પણ છે. નદી દ્વારા વહેવડાવેલાં લાકડાં અહીં એકત્ર કરવામાં આવે છે. રાજમુંદ્રી તેનાં લોખંડનાં પેટી-પટારાઓ માટે, લાકડાં અને લાકડાંના રાચરચીલા માટે તેમજ સિરૅમિક્સનાં પાત્રો માટે જાણીતું બનેલું છે. અહીં કાગળની એક મોટી મિલ છે. આજુબાજુના વિસ્તાર માટે તે વેપારી મથક બની રહેલું છે. આ શહેરમાં તમાકુની કંપનીઓ, સુતરાઉ કાપડની, કાગળની તથા લાકડાં વહેરવાની મિલો અને પૉર્સલિનનો ઉદ્યોગ (મૂશ બનાવવાનું કારખાનું) ચાલે છે. અહીં ઉત્પન્ન થતી ચીજવસ્તુઓનો વેપાર પણ થાય છે. આ શહેર તેના સ્નાનઘાટ કોટિલિંગમ્ માટે ધાર્મિક દૃષ્ટિએ જાણીતું બન્યું છે. સ્નાન અર્થે અહીં ઘણા શ્રદ્ધાળુ યાત્રીઓ આવે છે. દર બાર વર્ષે એક વાર અહીં મોટો મેળો ભરાય છે, લોકો તે વખતે દૂર દૂરથી ગોદાવરીના સ્નાન અર્થે આવે છે. આંધ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજો અહીં આવેલી છે; તદુપરાંત અહીં મધ્યસ્થ તમાકુ સંશોધન સંસ્થા પણ છે.
1449માં ઓરિસાના તત્કાલીન શાસક કપિલેશ્વરે રાજમુંદ્રીનો કબજો લીધેલો. 1757માં તે અંગ્રેજોના હાથમાં ગયેલું. ભારતમાં આવેલા લાંબામાં લાંબા પુલ પૈકીનો એક પુલ (આશરે 2.75 કિમી. લાંબો) અહીં ગોદાવરી નદી પર આવેલો છે. 45 મીટરની લંબાઈનો એક એવા 56 જેટલા વિભાગોમાં તે વહેંચાયેલો છે. તેની વસ્તી 4,03,781 (1991) છે.
જાહ્નવી ભટ્ટ