રાજકુમાર (2) (જ. 1929, ગામ ગજનૂર, જિ. કૉઇમ્બતુર, કર્ણાટક) : કન્નડ ચિત્રોના અભિનેતા. મૂળ નામ : મુથુરાજ. કન્નડ ચિત્રોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ 1995માં દાદાસાહેબ ફાળકે પારિતોષિક મેળવનાર ડૉ. રાજકુમારે અભિનય-કારકિર્દીનો પ્રારંભ રંગમંચથી કર્યો હતો. ચિત્રોમાં તેમણે 1954માં પ્રવેશ કર્યો હતો. તેમને નાટકોમાં કામ આપનાર નિર્માતા-દિગ્દર્શક ગુબ્બી વીરણ્ણાએ જ્યારે પ્રથમ ચિત્ર ‘બેડર કણપ્પા’નું નિર્માણ કર્યું ત્યારે તેમને જ મુખ્ય ભૂમિકા માટે પસંદ કર્યા હતા. ત્યારે પહેલી વાર તેમનું નામ મુથુરાજમાંથી બદલીને રાજકુમાર રખાયું હતું. રંગમંચ પર જ્યારે તેઓ કામ કરતા હતા ત્યારે આ વ્યવસાયને ઘરનું ગુજરાન ચલાવવાથી વધારે મહત્વ તેમણે નહોતું આપ્યું; પણ ચિત્રોમાં આવ્યા પછી અભિનયની ખૂબીઓ અને બારીકીઓ તેઓ શીખ્યા અને એક અભિનેતા તરીકે પોતાની જાતને વધુ ને વધુ સજ્જ કરતા રહ્યા. ‘કનકદાસ’, ‘ભક્ત કુંબારા’, ‘રાઘવેન્દ્ર સ્વામી’ જેવાં ચિત્રો ઉપરાંત તુકારામ, કબીર, પુરંદરદાસ, નવકોટિ નારાયણ, બભ્રુવાહન, તેનાલીરામ જેવા સંતોની અને ઐતિહાસિક પાત્રોની ભૂમિકાઓ તેમણે સફળતાપૂર્વક ભજવી છે. ભાગ્યે જ કોઈ એવા સંત હશે જેમની ભૂમિકા રાજકુમારે નહિ ભજવી હોય. કર્ણાટકમાં સાવ સામાન્ય સ્તરના પ્રેક્ષકોમાં રાજકુમાર જે આદર ધરાવે છે તેનું કારણ આ જ છે. કન્નડ ચિત્ર-ઉદ્યોગ જ્યારે ભયાનક મંદીમાંથી પસાર થતો હતો ત્યારે રાજકુમારે પોતે ચિત્રો બનાવ્યાં, તેનું વિતરણ કર્યું અને પ્રદર્શન પણ કર્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમણે નિવૃત્તિ લઈ લીધી છે અને પોતાના ગામ ગજનૂરમાં શાંતિપૂર્ણ જીવન વ્યતીત કરી રહ્યા છે.

રાજકુમાર

2000ના ઑગસ્ટમાં કર્ણાટકનાં જંગલોમાં ચંદનચોર નામે કુખ્યાત અપરાધી વીરપ્પને તેમનું અપહરણ કર્યું હતું અને કેટલોક સમય પોતાને ત્યાં બંદી રાખીને તેમને સલામત મુક્ત કર્યા હતા. મૈસૂર વિશ્વવિદ્યાલયે તેમને માનદ ડૉક્ટરેટની ઉપાધિ આપી હતી. ભારત સરકારના ‘પદ્મભૂષણ’ અને કર્ણાટક રાજ્યના ‘કર્ણાટકરત્ન’ ખિતાબ ઉપરાંત શ્રેષ્ઠ અભિનેતા તરીકે રાજ્ય સરકારનાં પારિતોષિકો તેઓ મેળવી ચૂક્યા છે. તેમનાં પત્ની પર્વતમ્મા પણ નિર્માત્રી છે. તેમના બે પુત્રો શિવરાજ અને રાઘવેન્દ્ર પણ કન્નડ ચિત્રોના અભિનેતાઓ છે. એક અભિનેતા તરીકે સમાજ પ્રત્યેની પોતાની નૈતિક જવાબદારી સમજીને ડૉ. રાજકુમારે પડદા પર એવું કોઈ દૃશ્ય ભજવ્યું નથી, જેમાં સિગારેટ કે દારૂ પીવાં પડતાં હોય. 200થી વધુ ચિત્રોમાં તેઓ કામ કરી ચૂક્યા છે.

હરસુખ થાનકી