રાજકુમાર (1) (જ. 8 ઑક્ટોબર 1927, સિયાલકોટ, અત્યારે પાકિસ્તાનમાં; અ. 2 જુલાઈ 1996, મુંબઈ) : હિંદી ચલચિત્રોના અભિનેતા. જન્મ કાશ્મીરી બ્રાહ્મણ પરિવારમાં. પિતા જાગેશ્વરનાથ ધનરાજ પંડિત સેનામાં અધિકારી હતા. રાજકુમારનું જન્મનું નામ કુલભૂષણ હતું. ક્વેટા અને રાવલપિંડીમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. ઉચ્ચ અભ્યાસ મુંબઈમાં કર્યો. મુંબઈમાં માહિમ ઉપનગરમાં પોલીસ અધિકારી થયા. ત્યાંથી કૅમેરામૅન બાબુરામ બક્ષદેવ દુબે તેમને ચલચિત્રોમાં લઈ આવ્યા. તેમનું પહેલું ચિત્ર ‘શાહી બાજાર’ પ્રસ્તુત થઈ શક્યું નહિ. પ્રદર્શિત થયેલું પ્રથમ ચિત્ર ‘રંગીલી’ હતું. 1957માં હત્યાના આરોપ માટે તેમને કારાવાસ થયેલો. આ જ સમયે પોલીસપહેરા હેઠળ તેમણે ‘મધર ઇંડિયા’માં ભૂમિકા ભજવી. રોગને કારણે વાળ જતા રહેવાથી શેષ જીવન તેમણે કૃત્રિમ વાળથી ચલાવ્યું. તેમની ઓળખ ‘જાની’ ઉપનામથી જાણીતી બની.
રાજકુમારની લોકપ્રિયતાનું એક કારણ તેમની સંવાદ-ઉચ્ચારણની આગવી શૈલી હતી. દર્શકો તેની નકલ કરતા.
તેમની ભૂમિકાઓ પણ વૈવિધ્યભરી અને અવિસ્મરણીય રહી. ‘મધર ઇંડિયા’માં પીડિત ખેડૂત, ‘ઉજાલા’માં ખીસાકાતરુ, ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’માં ડૉકટર, ‘દિલ એક મંદિર’માં કૅન્સરગ્રસ્ત રોગી, ‘કાજલ’માં શરાબી, ‘વક્ત’માં ‘દાદા’, ‘પાકીઝા’માં વનઅધિકારી અને ‘તિરંગા’માં બ્રિગેડિયર.
તેમના અભિનયની લાક્ષણિકતા એ હતી કે ગાયનના દૃદૃશ્યને તે વિશિષ્ટતા અર્પી શકતા. જોકે તેમને મરણનો અભિનય ગમતો નહિ. આ લોકાદર પામેલા કલાકારને કૅન્સર રોગે હલબલાવી દીધા.
રાજકુમારનાં ચિત્રો : રંગીલી (1952), આબશાર (1953), લાખોં મેં એક, ઘમંડ (1955), ઇંડિયા, નૌશીરવાને આદિલ (1957), પંચાયત, દુલ્હન (1958), અર્ધાંગિની, પૈગામ, શરારત, દો ગુંડે, ઉજાલા (1959), દિલ અપના ઔર પ્રીત પરાઈ (1960), ઘરાના (1961), ગોદાન, દિલ એક મંદિર, ફૂલ બને અંગારે, પ્યાર કા બંધન (1963), જિંદગી (1964), રિશ્તેનાતે, ઊંચે લોગ, કાજલ, વક્ત (1965), નઈ રોશની, હમરાઝ (1967), નીલકમલ, મેરે હુજૂર, વાસના (1968), હીરરાંઝા (1970), મર્યાદા, લાલ પત્થર, પાકીઝા (1971), દિલ કા રાજા (1972), હિન્દુસ્તાન કી કસમ (1973), છત્તીસ ઘંટે (1974), એક સે બઢકર એક (1976), કર્મયોગી (1978), ચંબલ કી કસમ (1979), બુલંદી (1980), કુદરત (1981), ધર્મકાંટા (1982), એક નયી પહેલી, શરારા, રાજતિલક (1984), ઇતિહાસ, મુકદ્દર કા ફૈસલા, મરતે દમ તક (1987), સાજિશ, મહોબ્બત કે દુશ્મન, મહાવીરા (1988), જંગબાજ, દેશ કે દુશ્મન, સૂર્યા (1989), પુલિસ પબ્લિક, ગલિયોં કા બાદશાહ (1990), સૌદાગર (1991), પુલિસ ઔર મુજરિમ (1992), ઇન્સાનિયત કે દેવતા, તિરંગા (1993), બેતાજ બાદશાહ, ઉલફત કી નઈ મંઝિલે (1994), ગૉડ ઍન્ડ ગન, જવાબ (1995), રઘુવંશી અને દાસ્તાને રાજકુમાર (પ્રસ્તુતિ બાકી)
બંસીધર શુક્લ