રાજકીય સમાજશાસ્ત્ર : સમાજના રાજકીય પાસા અને રાજકારણનાં સામાજિક પાસાંઓનો અભ્યાસ જેમાં કેન્દ્રસ્થાને છે તે. રાજકીય સમાજશાસ્ત્ર એ મહદ્અંશે નવો વિષય છે. આ વિષયના આવિર્ભાવ પૂર્વે એને લગતા વિચારો અને સમસ્યાઓનો અભ્યાસ જુદા જુદા વિષયોના નેજા હેઠળ થતો હતો. ‘રાજકીય સમાજશાસ્ત્ર’ વિષયનો સ્વાયત્ત જન્મ તો પ્રથમ વિશ્વયુદ્ધના સમયગાળામાં થયો ગણી શકાય.
રાજકીય સમાજશાસ્ત્રને મિશ્રવિજ્ઞાન કે આંતરવિદ્યાશાખાકીય વિજ્ઞાન કહી શકાય. આવાં ઘણાં અન્ય મિશ્રવિજ્ઞાનો કે આંતરવિદ્યાશાખાકીય વિજ્ઞાનોનો વિકાસ પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ પછી થયો છે; દા. ત., સામાજિક મનોવિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાન, ઇકૉનૉમેટ્રિક્સ, વેલ્ફેર ઇકૉનૉમિક્સ, બાયૉકેમિસ્ટ્રી, મેડિકલ બાયૉલૉજી વગેરે.
રાજકીય સમાજશાસ્ત્ર વિકસતો જતો વિષય છે. આ વિષયના શરૂઆતના ચિંતકો દ ટોક્વિલ, માર્કસ, પરેટો, સ્પેન્સર, વેબર વગેરેને સમાજશાસ્ત્ર તથા રાજ્યશાસ્ત્ર – એ બંને વિષયોના ચિંતકો ગણવામાં આવે છે. અમેરિકામાં તો આજેય એવી ચર્ચાઓ ચાલે છે કે આ વિષયના પ્રારંભિક વિચારકો રાજ્યશાસ્ત્રીઓ હતા કે સમાજશાસ્ત્રીઓ ? યેલ (Yale) અને કોલંબિયા જેવી યુનિવર્સિટીઓમાં આ વિષય ‘ડિપાર્ટમેન્ટ ઑવ્ પૉલિટિકલ સાયન્સ ઍન્ડ સોશ્યૉલૉજી’ વિભાગની અંતર્ગત શીખવવામાં આવતો અને રાજ્યશાસ્ત્રના પ્રાધ્યાપકોની નિમણૂક આ વિભાગમાં થતી. આજે તો વિશ્વની મોટાભાગની યુનિવર્સિટીઓમાં રાજકીય સમાજશાસ્ત્રના અભ્યાસક્રમો શીખવવામાં આવે છે. બ્રિટન, ફ્રાન્સ, જર્મની, અમેરિકા, કૅનેડા અને ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં આ વિષય શીખવાય છે. ભારતની પણ અનેક મોટી યુનિવર્સિટીઓમાં આ વિષયને સ્થાન મળ્યું છે; જોકે જે રીતે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ફિલૉસૉફી, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો ભારતની યુનિવર્સિટીઓમાં વિકાસ પામ્યા છે તેની તુલનામાં રાજકીય સમાજશાસ્ત્રને હજુ ભારતમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત થયું નથી.
કેટલાક સમાજશાસ્ત્રીઓ રાજકીય સમાજશાસ્ત્રના સામાજિક પાસા પર વધુ ભાર મૂકે છે અને આ વિષયને સમાજશાસ્ત્રના એક પેટા-વિષય તરીકે ઓળખાવવા મથે છે; જ્યારે કેટલાક રાજ્યશાસ્ત્રીઓ આ વિષયના રાજકીય પાસા પર વધુ લક્ષ આપે છે અને આ વિષયને રાજ્યશાસ્ત્રના ભાગ રૂપ માને છે ! ડુવર્જર, રુન્સીમૅન, ક્રિક, ગ્રીર તથા ઑર્લિયન્સ જેવા વિદ્વાનો આ વિષયને રાજ્યશાસ્ત્ર સાથે સાંકળે છે, જ્યારે ડાઉઝે અને હ્યૂજ જેવા વિદ્વાનો આ વિષયને સમાજશાસ્ત્ર વિષયની એક શાખા ગણાવે છે. મૉરિસ જૉનવિટ્સ, એસ. એમ. લિપસેટ, ડેવિડ પોપીનો તથા સારસોટી જેવા વિદ્વાનો આ વિષયને રાજ્યશાસ્ત્ર કે સમાજશાસ્ત્ર – એ બેમાંથી કોઈની પણ પેટાશાખા ન ગણાવતાં તેને એક સંપૂર્ણ સ્વાયત્ત વિભાગની ક્ષમતા ધરાવતા વિષય તરીકે ઓળખાવે છે. તેઓ એમ માને છે કે આ વિષયને રાજ્યશાસ્ત્ર કે સમાજશાસ્ત્ર અંતર્ગત નહીં શીખવતાં તેનો એક અલગ વિભાગ હોવો જોઈએ. વીસમી શતાબ્દીની શરૂઆતમાં રાજ્યશાસ્ત્ર ઉપર સમાજશાસ્ત્રનો પ્રભાવ એટલો બધો વધી ગયો હતો કે જ્યૉર્જ કૅટ્લિનને 1927માં એવી ચેતવણી ઉચ્ચારવી પડેલી કે રાજ્યશાસ્ત્ર વિષય સમાજશાસ્ત્રની એક શાખા બનવા પ્રતિ ધપી રહ્યો છે. એનું આ વિધાન રાજકીય સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર વચ્ચેની નિકટતા દર્શાવે છે. અત્યારે તો આ વિષય રાજ્યશાસ્ત્રની સૌથી નજીક હોઈ રાજ્યશાસ્ત્ર વિભાગ અંતર્ગત શીખવાય તે જ ઉચિત છે.
રાજકીય સમાજવિજ્ઞાન ‘સમાજશાસ્ત્ર’ અને ‘રાજ્યશાસ્ત્ર’ – એ બન્ને વિષયોના દ્વિમુખી સંબંધોને મહત્વ આપે છે; દા.ત., રાજકીય સમાજશાસ્ત્ર માત્ર એ નથી તપાસતું કે જ્ઞાતિ રાજકારણને કેવી રીતે પ્રભાવિત કરે છે; પણ એ તો એ પણ તપાસે છે કે રાજકારણ વડે જ્ઞાતિ કેવી રીતે પ્રભાવિત થાય છે. ટૂંકમાં, સમાજ રાજ્યને અને રાજ્ય સમાજને કેવી રીતે પ્રભાવિત કરે છે તે જોવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમાં રાજકારણને સામાજિક સંદર્ભમાં તપાસવાનો પ્રયાસ કરવામાં આવે છે.
રાજકીય સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર સાથે ખૂબ નિકટવર્તી રીતે સંકળાયેલું છે. રાજ્યશાસ્ત્રની ગેરહાજરીમાં આ વિષયનું અસ્તિત્વ જ ન રહે. એક અર્થમાં તો એ રાજ્યશાસ્ત્ર અંગેનો જ એક વિશિષ્ટ અભિગમ છે – રાજ્યશાસ્ત્રની સમસ્યાઓનો સામાજિક બાબતો, સ્થિતિઓ અને સંદર્ભોની પશ્ર્ચાદ્ભૂમિ સાથેનો અભિગમ છે. આમ રાજકીય સમાજશાસ્ત્ર રાજ્યશાસ્ત્રના ક્ષેત્રમાં જ ચલાવાતી વધુ ચોક્કસ અને ખાસ તપાસ છે; દા. ત., રાજ્યશાસ્ત્રની જેમ તે વર્ગો, જૂથો, પક્ષો, નેતાગીરી, ચૂંટણીઓ, પંચવર્ષીય યોજનાઓ વગેરેનો સામાજિક પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરે છે. આમ રાજ્યશાસ્ત્ર અને રાજકીય સમાજશાસ્ત્ર પરસ્પરાવલંબી વિષયો છે.
ટૂંકમાં, રાજકીય સમાજશાસ્ત્ર એ –
(1) જ્ઞાનની એક શાખા છે, જે અન્ય વિજ્ઞાનોથી સમૃદ્ધ બને છે અને બદલામાં અન્ય વિજ્ઞાનોને પણ વિસ્તારે છે તથા એકંદરે જ્ઞાનસંપત્તિની વૃદ્ધિ કરે છે.
(2) આ વિષય જે સિદ્ધાંતો અને તારણો આપે છે તે માનવજીવનને ઉપયોગી થાય છે; દા. ત., કેવા સંજોગોમાં અને કેવી રીતે સત્તાનો પ્રયોગ થઈ રહ્યો છે ? કેવી રીતે ચૂંટણીઓ યોજાઈ છે ? કયાં મૂલ્યો, નિયમો અને પરિસ્થિતિઓને આધારે નેતાગીરીમાં પરિવર્તનો આવી રહ્યાં છે ? – જેવા સવાલોની ઊંડી સમજ, તે અંગેનાં સામાન્ય તારણો તથા તેને લગતા સિદ્ધાંતો આ વિષય સવિશેષ સ્ફુટ કરી આપે છે.
(3) આ વિષયનું મહત્વ સ્થળ, સંજોગો અને સમયાનુસાર બદલાતું રહે છે; દા. ત., પ્રથમ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ વિષયનું જેટલું મહત્વ નહોતું અંકાતું તેટલું આજે આંકવામાં આવે છે. આફ્રિકા અને એશિયામાં નવા દેશોના ઉદય સાથે અનેક નવા રાજકીય સમાજો અસ્તિત્વમાં આવ્યા. એ દેશોના રાજકારણને સમજવા તેમનાં સમાજ, રૂઢિઓ, જ્ઞાતિઓ, રિવાજો – એ બધાંને સમજવાનું અગત્યનું બન્યું. વળી, વિકાસશીલતા અને આધુનિકતા તરફ તાકતા આ દેશોમાં પંચવર્ષીય કે સપ્તવર્ષીય યોજનાઓ અને આયોજનના નવા ખ્યાલો પણ આવ્યા. એ દેશોમાંના કેટલાકમાં લોકશાહી-પ્રથાનો વિકાસ થયો અને ભારત જેવા મોટા દેશ સહિત અનેક દેશોમાં ચૂંટણીઓ યોજાવા માંડી. આથી મતદાનીય વર્તણૂક, જ્ઞાતિઓનો ચૂંટણી પર પ્રભાવ, ભિન્ન સમાજોમાં આયોજન, વિકાસ અને આધુનિકતાના ખ્યાલો વગેરે અભ્યાસના વિષયો બન્યા, જે રાજકીય સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ છે. આ સંદર્ભમાં રાજકીય સમાજશાસ્ત્ર એક નવા વિષય તરીકે વધુ ને વધુ વ્યાપ અને મહત્વ પામી રહ્યો છે.
હરબન્સ પટેલ