રાઇડર્સ ટુ ધ સી (1904) : અંગ્રેજી ભાષાનું વીસમી સદીના આરંભનું આઇરિશ નાટ્યકાર જૉન મિલિંગ્ટન સિન્જ(1871-1909)નું ખૂબ નોંધપાત્ર ગણાયેલું એકાંકી. આ નાટકમાં એકાંકી સ્વરૂપ સોળે કળાએ ખીલી ઊઠ્યું છે અને તે મુખ્યત્વે એ કારણે કે એમાં પાંચ પાંચ પુત્રો સાગરદેવને ખોળે ધરી દેનાર મા મૌર્યાની વેદના રસળતી રીતે વ્યક્ત થઈ છે. એમાં માનો એ પરાજય માનવજાતને માટે મહાપુરુષાર્થનો સંકેત પણ આપે છે. મા મૌર્યાના ચાર પુત્રોએ સમુદ્રના ઝંઝાવાતમાં જાન ગુમાવ્યા હોય છે. રાજકુમાર સિદ્ધાર્થ સંસારત્યાગ કરી સાધુ ન બની જાય એ માટે જેમ પિતાએ એક મહેલમાં સમૃદ્ધિની છોળો ઉછાળી હતી, તેમ મા મૌર્યાએ પણ પાંચમા પુત્ર બાર્ટલેને મમતાના સમંદરમાં ડુબાડી દીધો, પણ સાગરખેડુ અરાન કોમના યુવાનને સમુદ્રના ઘુઘવાટે અંતે આકર્ષી લીધો. ‘બેત્રણ કે ચાર દિવસમાં એ કદાચને પાછો ફરે’ એવી આશાએ જીવતી માને અંતે સમાચાર મળ્યા કે એને પણ સમંદરનો ઝંઝાવાત ભરખી ગયો છે. તૂટેલા વહાણના પાટિયાથી એનું કફન તો બની ગયું, પણ ઢાંકણા ઉપર મારવાના ખીલા મા મૌર્યા ઘરે ભૂલી ગઈ અને ત્યારે માને થયું કે નિર્દયી સમંદર યુવાનોને જેમ જીવવા પ્રેરે છે, તેમ એના ઘુઘવાટની હાકલમાં મૃત્યુદેવનો કૉલ પણ હોય છે. યુવાન પુત્રોને વિદાય આપતાં માતા-પિતાની વેદના નીતરતી બૂમ શ્રમજીવી મા મૌર્યા પાડતી નથી. એ તો ઊલટી શાંત હૃદયે કહે છે : ‘હવે સમંદર મારી પાસેથી શું ઝૂંટવશે ? મેં તો બધું એને આપી દીધું. હવે હું શાંતિથી ચિંતામુક્ત થઈને ઊંઘીશ.’ મા મૌર્યાના આવા નિશ્ર્ચલ, નિર્મમ અને છતાં વાસ્તવિક મિજાજને લીધે આ એકાંકી ખૂબ નોંધપાત્ર નાટ્યક્ષણો સર્જે છે. માનું બધું ઝૂંટવી લેનાર સમંદરને તો માત્ર ધ્વનિથી પ્રેક્ષકો અનુભવે છે. 1904માં એની પ્રથમ પ્રસ્તુતિમાં સંગીતના ઉચિત ઉપયોગને પરિણામે એ માનવસંઘર્ષનું મહાકાવ્ય બની ગયું હતું. આવી નાટિકાઓ પ્રલંબ નાટકોને પણ હંમેશાં પડકાર ફેંકતી રહી છે.
હસમુખ બારાડી