રહોડ ટાપુ : ભૂમધ્ય સમુદ્રના ફાંટારૂપ એજિયન સમુદ્રમાં આવેલા ડોડેકેનિસ ટાપુઓ પૈકીનો એક ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 36° 15´ ઉ. અ. અને 28° 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,398 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે એશિયા માઇનોરના નૈર્ઋત્ય કિનારાથી 19 કિમી.ને અંતરે આવેલો છે. તે હવે રોધોસ નામથી પણ ઓળખાય છે. પર્વતોની હારમાળા તેની લંબાઈને વીંધીને પસાર થાય છે. તેની મહત્તમ ઊંચાઈ 1,215 મીટર જેટલી છે.
અહીંની ફળદ્રૂપ ખીણમાં ખેતરો, વાડીઓ અને દ્રાક્ષના બગીચા આવેલાં છે. તેમાં તમાકુ, ઑલિવ, નારંગી અને દ્રાક્ષનું વાવેતર કરવામાં આવે છે. સ્પંજ અહીંની મુખ્ય નિકાસી ચીજ છે. અહીંના આજુબાજુના વિસ્તારો માટે આ ટાપુ ખૂબ જ લોકપ્રિય અને પ્રવાસી મથક ગણાય છે.
અગાઉના સમયમાં રહોડ એ ગ્રીસનું ખૂબ જ સમૃદ્ધ અને સ્વતંત્ર રાજ્ય હતું. અહીં ઘણા કવિઓ, કલાકારો અને દાર્શનિકો થઈ ગયા. કોલૉસસ ઑવ્ રહોડ્ઝ (Colossus of Rhodes) નામથી જાણીતું હેલિયૉસનું વિશાળ પૂતળું જૂની દુનિયાની સાત અજાયબીઓ પૈકીનું એક ગણાતું હતું.
1310માં સેન્ટ જૉનના યોદ્ધાઓએ તેને જીતી લઈને 1522 સુધી પોતાને કબજે રાખેલું. તે પછીથી તુર્કોએ તેનો કબજો મેળવેલો. ત્યાર બાદ તેની જાહોજલાલી અને સમૃદ્ધિમાં ઓટ આવી. 1911–1912ના તુર્ક-ઇટાલિયન યુદ્ધમાં ઇટાલિયનોએ આ ટાપુ મેળવી લીધેલો. યુદ્ધ પછીથી, તુર્કોએ અહીંના બીજા 13 જેટલા ટાપુઓ પણ ગુમાવેલા. બીજા વિશ્વયુદ્ધ (1939–1945) બાદ ઇટાલીએ રહોડ ટાપુ સહિત બાકીના ડોડેકેનિસ ટાપુઓ ગ્રીસને સોંપી દીધા. આ ટાપુનું પાટનગર રહોડ શહેર તેના ઈશાન છેડા પર આવેલું છે. રહોડ ટાપુની વસ્તી આશરે 91,000 (1991) જેટલી છે.
જાહ્નવી ભટ્ટ