રહોડોક્રોસાઇટ (Rhodochrosite) : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં. : MnCO3. સ્ફટિકવર્ગ : હેક્ઝાગોનલ. સ્ફટિક સ્વરૂપ : સ્ફટિકો રહોમ્બોહેડ્રલ, ભાગ્યે જ પ્રિઝમ સ્વરૂપવાળા કે સ્કેલેનોહેડ્રલ કે જાડા મેજઆકાર હોય. મોટેભાગે તો તે દળદાર, ઘનિષ્ઠથી સ્થૂળ દાણાદાર. અધોગામી સ્તંભરૂપે, દ્રાક્ષના ઝૂમખા જેવા કે ગોલક સ્વરૂપના હોય.
કઠિનતા : 3.5થી 4. ઘનતા : શુદ્ધ MnCO3 હોય ત્યારે 3.70; મોટેભાગે 3.4થી 3.6. સંભેદ : પર વિભાજક પડો દેખાય. પ્રભંગ : વલયાકારથી ખરબચડો, બરડ. રંગ : આછા ગુલાબીથી ઘેરો લાલ, કેસરી–લાલ, પીળો–રાખોડી, કથ્થાઈ. ચમક : કાચમય, પરંતુ ક્યારેક મૌક્તિક પણ મળે. પારદર્શકથી પારભાસક. પ્રકાશીય અચલાંકો : ω = 1.816, ε = 1.597. પ્રકા. સંજ્ઞા : –ve.
પ્રાપ્તિસ્થિતિ : ઉષ્ણજળજન્ય ધાતુશિરાઓમાં અસાર ખનિજ તરીકે; ઊંચા તાપમાને ઉદભવેલા કણશ: વિસ્થાપન-નિક્ષેપોમાં; મૅંગેનીઝ-નિક્ષેપોમાં પરિણામી ખનિજ તરીકે; પેગ્મેટાઇટમાં અંતિમ કક્ષાના ખનિજ તરીકે મળે. પ્રાપ્તિસ્થાનો : કૉલોરેડો(યુ.એસ.)માં રત્નપ્રકાર તરીકે 7.5 સેમી. જેવડા લાંબા રહોમ્બોહેડ્રોન સ્ફટિક સ્વરૂપમાં મળે છે; મૉન્ટાના- (યુ.એસ.)માં પણ મળે છે. ઉપરાંત મેક્સિકો, આર્જેન્ટિના, રુમાનિયા અને જર્મનીમાં મળે છે દક્ષિણ આફ્રિકામાંથી અતિસુંદર રત્નપ્રકાર સ્કેલેનોહેડ્રોન સ્વરૂપમાં મળી આવેલા છે.
ગિરીશભાઈ પંડ્યા