રહીટિક : ટ્રાયાસિક (વ. પૂ. 22.5 કરોડ વર્ષથી 19 કરોડ વર્ષ વચ્ચેના કાળગાળાની રચના) અને જુરાસિક (19 કરોડ વર્ષથી 13.6 કરોડ વર્ષ વચ્ચેના કાળગાળાની રચના) વચ્ચે રહેલી સંક્રાંતિ-રચના. આ રચના વાયવ્ય યુરોપના રહીટિક આલ્પ્સમાં સર્વપ્રથમ ઓળખવામાં આવેલી હોવાથી તેને રહીટિક કક્ષા તરીકે ઓળખાવાઈ છે. તે નૉરિયન કક્ષાના ખડકો પર રહેલી છે. તે મુખ્યત્વે દરિયાઈ સંજોગો હેઠળ જમાવટ પામેલી છે. યુરોપિયન ભૂસ્તરશાસ્ત્રીઓ તેને ટ્રાયાસિક વયમાં મૂકે છે, પરંતુ મોટાભાગના બ્રિટિશ સ્તરવિદો તેને નિમ્ન જુરાસિક વયની હોવાનું કહે છે. તે મધ્યજીવયુગમાં સર્વપ્રથમ શરૂ થયેલા દરિયાઈ અતિક્રમણ પછીના સમયની છે; એટલું જ નહિ, સમુદ્રો ઊંડા થતા ગયેલા હોવાથી તે લાક્ષણિક ઍમોનાઇટ સહિત નિમ્ન જુરાસિક રચનાની જમાવટ પહેલાંના સમયગાળાનો પણ નિર્દેશ કરે છે. આ રીતે તે ટ્રાયાસિક અને જુરાસિક કાળગાળાઓ વચ્ચેના સંક્રાંતિ-સંજોગો સૂચવે છે. તેમાં મળતા સ્તરોની જાડાઈ માત્ર 30 મીટર જેટલી જ છે. આટલી ઓછી જાડાઈમાં પણ નીચેથી ઉપર તરફ જતા સ્તરોની લાક્ષણિકતા બદલાતી રહે છે. નીચેના સ્તરોમાં મળતા જીવાવશેષો ટ્રાયાસિકને અને ઉપરના સ્તરોના જીવાવશેષો જુરાસિકને સમકક્ષ છે, જ્યારે વચ્ચેના સ્તરોમાં તદ્દન જુદા પડી જતા રહીટિકના જીવાવશેષો રહેલા છે. બ્રિટનમાં આ કક્ષા ખાડીસરોવરજન્ય ચૂનાખડકો, રેતીખડકો, શેલ અને માર્લ તેમજ ઉભયજીવીઓ અને સરીસૃપોના અસ્થિ-અવશેષો ધરાવતા સ્તરોથી બનેલી છે. યુરોપના અન્ય ભાગોમાં રહીટિક વયના શેલખડકોમાં સીફેલોપાડ (મુખ્યત્વે ઍમોનાઇટ), નાના લેમેલિબ્રૅન્ક અને ગૅસ્ટ્રોપૉડ છે, તથા લાક્ષણિક બ્રેકિયોપૉડધારક ચૂનાખડકો પણ છે. આ બધા જીવાવશેષો પૈકી રહીટાવિસ્યુલા કૉન્ટૉર્ટા નોંધપાત્ર છે. રહીટિકમાં નિ:શંકપણે સર્વપ્રથમ સસ્તન પ્રાણીઓ પણ જોવા મળે છે. આ રીતે એક સંક્રાંતિ-કક્ષા તરીકે રહીટિકનું સ્થાન મહત્વનું ગણાય છે.
ગિરીશભાઈ પંડ્યા