રહાણે, અજિંક્ય મધુકર (જ. 6 જૂન 1988, અશ્વિ કેડી,મહારાષ્ટ્ર) : ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન.
પિતા મધુકર બાબુરાવ રહાણે અને માતા સુજાતા રહાણે. સાત વર્ષની ઉંમરે પિતા તેમને ડોમ્બિવલીમાં મેટિંગ વિકેટ સાથે નાના કોચિંગ કેમ્પમાં લઈ ગયા. રહાણેએ એસ.વી. જોશી હાઈસ્કૂલ, ડોમ્બિવલીમાંથી માધ્યમિક શાળાનું શિક્ષણ લીધું. 17 વર્ષની ઉંમરથી તેમણે ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન પ્રવીણ આમરે પાસેથી કોચિંગ લીધું હતું.
2007ની શરૂઆતમાં તેમણે ભારત U-19એ ન્યૂઝીલૅન્ડ પ્રવાસ દરમિયાન બે સદી કરી સારું પ્રદર્શન કર્યું હતું. તેમણે 2007-08ની રણજી ટ્રોફી સિઝનમાં મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. માર્ચ 2007માં વિજય હજારે ટ્રોફી માટે દિલ્હી સામે મુંબઈ તરફથી લિસ્ટ Aમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે સપ્ટેમ્બર 2007માં મોહમ્મદ નિસાર ટ્રોફીમાં કરાંચી અર્બન સામે મુંબઈ માટે કરાંચી ખાતે પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ડેબ્યૂ 143 રન કરી સદી ફટકારી હતી. ત્યારબાદ તેમને રેસ્ટ ઑફ ઇન્ડિયા સામે ઈરાની ટ્રોફી મેચ માટે પસંદ કરવામાં આવ્યા હતા. 2011માં તેમને ભારતની ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે ઑગસ્ટ 2011માં માન્ચેસ્ટર ખાતે ઇંગ્લૅન્ડ સામે T20Iમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 2012ની IPLમાં રહાણે સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યા અને રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા. તેમણે માર્ચ 2013માં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેમણે ન્યૂઝીલૅન્ડ સામે 15 ફેબ્રુઆરી, 2014ના રોજ બેસિન રિઝર્વ, વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડ ખાતે પ્રથમ ટેસ્ટ સદી ફટકારી હતી. રહાણે લોર્ડ્સમાં પ્રથમ વખત ટેસ્ટ સદી ફટકારનાર ચોથા ભારતીય બેટ્સમેન બન્યા. 2015ના શ્રીલંકાના પ્રવાસની પ્રથમ ટેસ્ટમાં તેમણે એક ટેસ્ટ મેચમાં સૌથી વધુ આઠ કેચ પકડવાનો વિશ્વ વિક્રમ તોડ્યો. તે એક જ મેચમાં જોડિયા સદીઓની એલિટ ક્લબમાં જોડાનાર પાંચમા ભારતીય બન્યા હતા. સપ્ટેમ્બર 2018માં તેમને 2018-19 વિજય હજારે ટ્રોફી ટુર્નામેન્ટ અને ઑક્ટોબર 2018માં 2018-19 દેવધર ટ્રોફી માટે કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તેમને નવેમ્બર 2021માં ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
તેઓ ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અને ભૂતપૂર્વ કેપ્ટન અને ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમના વર્તમાન વાઇસ-કેપ્ટન છે, જેઓ ભારતીય ક્રિકેટ ટીમ માટે તમામ ફોર્મેટમાં બેટ્સમેન તરીકે રમ્યા છે. તેમણે 27એપ્રિલ, 2008ના રોજ IPLમાં, 22 માર્ચ 2013ના રોજ ટેસ્ટમાં, 3 સપ્ટેમ્બર 2011ના રોજ ODIમાં અને 31 ઑગસ્ટ 2011ના રોજ T20Iમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે લગભગ 192 આંતરરાષ્ટ્રીય ટેસ્ટ, T20 અને ODI મેચ રમી છે. તેમણે ઇન્ડિયન ટી20 લીગ સિરીઝમાં 158 મેચ પણ રમી છે.
તેમને CEAT ભારતીય ક્રિકેટર ઑફ ધ યર 2014-15, શ્રેષ્ઠ અંડર-19 ક્રિકેટર માટે એમએ ચિદમ્બરમ ટ્રોફી 2006–07 અને અર્જુન ઍવૉર્ડ 2016 પ્રાપ્ત થયા છે.
અનિલ રાવલ