રહમતખાં (જ. ?; અ. 1922, કુરુંદવાડ, મહારાષ્ટ્ર) : ગ્વાલિયર ઘરાનાના પ્રસિદ્ધ ગાયક. તેઓ હદ્દૂખાંના કનિષ્ઠ પુત્ર હતા. તેમનો અવાજ બારીક, મધુર અને સુરીલો હતો. તેમનું વ્યક્તિત્વ પણ એક પ્રભાવશાળી રાજકુમાર જેવું હતું. ગોરો રંગ અને કસાયેલા શરીરને લીધે તેઓ ખૂબ આકર્ષક દેખાતા. બાલ્યાવસ્થાથી જ તેમણે પોતાના પિતાની પાસે ગાયકીની તાલીમ મેળવી. સર્કસ કંપનીના માલિક વિષ્ણુપંત છત્રે તથા જાણીતા ગાયક નિસારહુસૈનખાં તેમના સહાધ્યાયી હતા. તેમના પિતા ગ્વાલિયર દરબારના સન્માનનીય ગાયક હોવાને કારણે તેમનો ઉછેર વૈભવી વાતાવરણમાં થયો હતો; પરંતુ પિતા તથા મોટાભાઈ મોહમ્મદખાંના અવસાન પછી આર્થિક અને માનસિક રીતે તેઓ ભાંગી પડ્યા અને ગ્વાલિયર છોડીને બનારસમાં રહેવા લાગ્યા.

કહેવાય છે કે બનારસમાં હલકી સોબતને કારણે તેમની હાલત સુધરવાને બદલે વધુ બગડી. અડધા ગાંડા જેવા તેઓ આમતેમ ભટકવા લાગ્યા. કોઈ ફકીરને ગાળ આપતાં તેમની આવી દશા થઈ હતી એવી પણ એક લોકવાયકા છે. સંજોગવશાત્ વિષ્ણુપંત છત્રે પોતાના સર્કસ સાથે બનારસ આવ્યા ત્યારે તેમને ખબર પડી કે ત્યાં એક ભિખારી ખૂબ સરસ ગાય છે. શોધ કરતાં તેમનો મેળાપ રહમતખાં સાથે થયો. પોતાના ગુરુપુત્ર તથા સહાધ્યાયીની આવી દશા જોઈ તેમની આંખોમાં આંસુ આવી ગયાં. તેમણે રહમતખાંને પોતાની સર્કસ કંપનીમાં રાખી લીધા. ધીરે ધીરે રહમતખાં સ્વસ્થ થયા. તેમનું પહેલાંનું તેજ પાછું આવ્યું.

ઈ.સ. 1900માં નેપાળના એક સંગીત સમારોહમાં તેમને આમંત્રિત કરવામાં આવ્યા અને નેપાળનરેશ તરફથી અદ્વિતીય ગાયન માટે તેમને પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. મુંબઈ, પુણે, કોલ્હાપુર જેવાં અનેક સ્થળોએ તેમના કાર્યક્રમો થયા. ખાનદાની ગાયકી, મધુર અવાજ, વૈચિત્ર્યપૂર્ણ અને તૈયારીવાળી તાનો, મુદ્રાદોષનો અભાવ – આ બધાંને કારણે રહમતખાંને ઘણી ખ્યાતિ મળી. એક વાર અબ્દુલકરીમખાં સમક્ષ તેમનું ગાયન થયું ત્યારે અબ્દુલકરીમખાંએ નિખાલસતાથી સ્વીકાર્યું કે રહમતખાં બહુ ઊંચી કોટિના ગાયક છે. ઈ. સ. 1920ની આસપાસ તેમના ગાયનની કેટલીક રેકર્ડ મુંબઈમાં ઉતારવામાં આવી હતી.

નીના ઠાકોર