રસ્તોગી, ગિરીશ (શ્રીમતી) (જ. 12 જુલાઈ 1935, બદાયૂન, ઉ.પ્ર.) : હિંદી વિવેચક અને નાટકકાર. તેમણે 1958માં આગ્રા યુનિવર્સિટીમાંથી હિંદી સાથે એમ.એ.; 1960માં લખનઉ યુનિવર્સિટીમાંથી એમ.એડ. અને 1964માં ગોરખપુર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પછી ગોરખપુર યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્યમાં જોડાયાં અને પ્રાધ્યાપક તથા હિંદી વિભાગનાં વડાં તરીકે નિવૃત્ત થયાં. હાલ તેઓ નાટકોનું દિગ્દર્શન સંભાળે છે.
1968માં તેમણે ‘રૂપાન્તર’ નાટ્યમંચની સ્થાપના કરી. 1983માં નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા સાથેના સહયોગમાં ચિલ્ડ્રન્સ થિયેટર વર્કશૉપની વ્યવસ્થિત રચના કરી. ઉ.પ્ર. હિંદી સંસ્થાનના નાટ્ય-સામયિક ‘નાટકસાર’નું 1989થી 1992 સુધી તેમણે સંપાદન કર્યું હતું.
તેમણે પ્રેમચંદ, પ્રસાદ અને અન્ય હિંદી લેખકોની સંખ્યાબંધ નવલકથાઓનું નાટ્યરૂપાંતર કર્યું હતું. તેમણે રેડિયો અને દૂરદર્શન પરનાં તથા મંચીય 50 નાટકોનું દિગ્દર્શન સંભાળ્યું હતું. હિંદી નાટક પરના યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના મુખ્ય રિસર્ચ પ્રોજૅક્ટમાં પણ તેમણે કામગીરી કરી હતી. તેમણે અમેરિકા, ફ્રાન્સ, બેલ્જિયમ, ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો છે.
તેમણે 16 ગ્રંથો પ્રગટ કર્યા છે. ‘હિંદી કહાની : સિદ્ધાંત ઔર વિવેચન’ (1962); ‘મોહન રાકેશ ઔર ઉન કે નાટક’ (1976); ‘સમકાલીન હિંદી નાટક કી સંઘર્ષ ચેતના’ (1990); ‘મુક્તિબોધ ઔર અંધેરે મેં’ (1993) અને ‘હિંદી નાટક ઔર રંગમંચ : નયી દિશા મેં નયે પ્રશ્ન’ – એ તમામ તેમના નોંધપાત્ર વિવેચનગ્રંથો છે. ‘અસુરક્ષિત’ (1982) અને ‘નહુષ’ (1990) – એ બંને તેમનાં નાટકો છે.
તેમને 1989માં શ્રીમતી મહાદેવી વર્મા ઍવૉર્ડ, 1992માં ઉ.પ્ર.સંગીત નાટક અકાદમી તરફથી વર્ષનાં શ્રેષ્ઠ દિગ્દર્શિકાનો ઍવૉર્ડ તથા આચાર્ય રામચંદ્ર શુક્લ ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.
બળદેવભાઈ કનીજિયા