રસેલ, હેન્રી નૉરિસ (જ. 25 ઑક્ટોબર 1877, ઑઇસ્ટર બે, ન્યૂયૉર્ક; અ. 18 ફેબ્રુઆરી 1957, પ્રિન્સ્ટન, ન્યૂ જર્સી) : અમેરિકાના ખગોળશાસ્ત્રી. તેમનો જન્મ અમેરિકામાં એક પાદરીને ત્યાં થયો હતો. તેમના પિતા પ્રેસ્બિટેરિયન પંથના ધર્મગુરુ હતા. માતાપિતા સાથે પાંચ વર્ષની વયે રસેલે શુક્રનું અધિક્રમણ જોયું અને ખગોળશાસ્ત્રી બનવાના કોડ જાગ્યા. આરંભિક શિક્ષણ ઘેર જ લઈને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો અને 1897માં સ્નાતક થયા. યુનિવર્સિટીમાં એમની શૈક્ષણિક કારકિર્દી યશસ્વી રહી અને પરીક્ષામાં વિશેષ યોગ્યતા મેળવી. અહીં તેમણે યુનિવર્સિટીના ખગોળ-વિભાગમાં કામ કર્યું અને યુગ્મક તારાની ભ્રમણકક્ષાઓ નક્કી કરવાની એક નવી યુક્તિ યોજીને 1899માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. તે પછી તેમણે ઇંગ્લડ જઈને આર્થર હિંક્સ (Arthur Hinks) સાથે કેમ્બ્રિજ યુનિવર્સિટી વેધશાળામાં કામ કર્યું. હિંક્સની સાથે તારક-ફોટોગ્રાફી ઉપર કામ કર્યું અને તારક-લંબન (stellar parallax) માપનની એક નવી પદ્ધતિ વિકસિત કરી. આમ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 1902થી 1905 સુધી સંશોધન-વિદ્યાર્થી તરીકે અને સહાયક (આસિસ્ટન્ટ) તરીકે કામ કર્યું. યુગ્મક તારક ઉપર વધુ સંશોધન કરવાની તક જતી કરીને રસેલ અમેરિકા પાછા ફર્યા અને પ્રિન્સ્ટનમાં 1911થી 1927 ખગોળશાસ્ત્રમાં પ્રાધ્યાપક અને 1912થી 1947 સુધી યુનિવર્સિટીની વેધશાળાના નિયામક તરીકે કામ કર્યું. આ ઉપરાંત, 1922થી 1942 સુધી કૅલિફૉર્નિયામાં માઉન્ટ વિલ્સન વેધશાળામાં સંશોધક-મદદનીશ તરીકે પણ કામ કર્યું. 1927માં C. A. Young Reasearch Professorshipના હોદ્દે નિમણૂક થઈ. નિવૃત્ત થયા પછી પણ રસેલ કાર્યરત રહ્યા અને હાર્વર્ડ અને લીક વેધશાળાઓમાં પણ સેવા આપી.
ઘણી અકાદમીઓ અને વિશ્વવિદ્યાલયો દ્વારા તેમનું સન્માન થયું હતું. તેમના સમકાલીનો રસેલને ‘અમેરિકાના ખગોળશાસ્ત્રીઓના ઉપરી’ (Dean of American Astronomers) તરીકે નવાજતા હતા.
ઈ. સ. 1921માં ભારતીય વૈજ્ઞાનિક મેઘનાદ સાહાએ (1893-1956) શોધેલાં આયનીકરણ સમીકરણોનો ઉપયોગ કરીને ઈ. સ. 1929માં રસેલે સૌર સ્પેક્ટ્રમ પર વધુ સંશોધન કર્યું અને સૂર્યમાં રહેલાં તત્ત્વો અંગે તથા તેના બંધારણ સંબંધી વિસ્તૃત જાણકારી મેળવી. સૂર્યના વર્ણપટ(સ્પેક્ટ્રમ)નું પૃથક્કરણ કરીને તેમાં 56 જેટલાં મૂળ તત્ત્વો હોવાનું નોંધ્યું. વળી તેમણે આ તત્ત્વોની સાપેક્ષ પ્રચુરતા (relative abundances) પણ માપી અને હાઇડ્રોજન મુખ્ય ઘટક હોવાનું દર્શાવ્યું. આને ‘રસેલ મિશ્રણ’ (Russel mixture) કહેવાય છે. સૂર્ય પણ એક તારો જ છે, એટલે તેમના આ અભ્યાસે અન્ય તારાના ખરેખરા બંધારણનો ઝીણવટભર્યો પહેલવહેલો ચિતાર આપ્યો. (જોકે પાછળથી, હાઇડ્રોજનનું તેમણે આંકેલું આ પ્રમાણ ઓછું હતું તેવું સાબિત થયું.)
ગ્રહણકારી રૂપવિકારી (eclipsing variable) તારાના અભ્યાસમાં તેઓ અગ્રેસર હતા. સન 1912માં પ્રસિદ્ધ થયેલા આને લગતા એક સંશોધન-લેખમાં તેમણે તારાઓનાં કદ અને ભ્રમણકક્ષાઓની ગણતરી કેવી રીતે કરવી તે બતાવ્યું. આના પરથી તારાનાં અંતર નક્કી કરી શકાયાં. આ ઉપરાંત ખગોળમાં બીજા વિષયો સંબંધી પણ તેમણે સંશોધનો કર્યાં છે, પણ રસેલ જે સંશોધન માટે પ્રસિદ્ધ થયા તે તો છે : હર્ટ્ઝસ્પ્રુંગ-રસેલ આરેખ (Hertzsprung-Russell diagram) કે H-R diagram. ગુજરાતીમાં આ સંક્ષેપને ‘હ.ર. આકૃતિ’ કે ‘હ.ર. આરેખ’ કે પછી ‘હ.ર. આલેખ’ કહી શકાય. તેમનાં તારાનાં કદને અને અંતરને લગતાં આ સંશોધનો જ 1913માં તેમને આ શોધ તરફ દોરી ગયાં.
તારાઓનાં તેજ અને તાપમાન એકસરખાં નથી અને તાપમાનના આવા તફાવતને કારણે તેમના રંગ પણ એકસરખા નથી. કેટલાક તારા લાલ તો કેટલાક પીળા અને નીલા છે. આવી રીતે રંગને આધારે પાડવામાં આવેલા તારાઓના વર્ગને વર્ણવર્ગ (spectral class) કે પછી વર્ણાંક કે રંગાંક (colour index) કહેવાય છે. તારાઓના રંગ એમનાં તાપમાનને સૂચવે છે. એક છેડે પ્રમાણમાં ઠંડા એવા લાલ તારા, જ્યારે બીજે છેડે અતિ તપ્ત એવા નીલા તારા. આ બંનેની વચ્ચે નારંગી, પીળા, પીળાશ પડતા શ્વેત – પીતશ્વેત અને નીલશ્વેત વગેરે રંગના તારાઓ આવે છે; પણ વીસમી સદીના આરંભ સુધીમાં તારાઓના રંગ અને વર્ણવર્ગને કશો સંબંધ હોવાનું કોઈની જાણમાં ન હતું. એજનાર હર્ટ્ઝસ્પ્રુંગ કે એજ્નર હર્ટ્ઝસ્પ્રુંગ (Ejnar Hertzsprung : 1873-1967) નામના ડચ ખગોળવિદે ઈ. સ. 1906માં શોધી કાઢ્યું કે બધા લાલ તારા એકસરખા નથી. તેમણે શોધ્યું કે લાલ તારાઓ પૈકી કેટલાક અત્યંત તેજસ્વી છે જ્યારે બાકીના ઝાંખા. એક જ રંગવાળા તારાઓનાં બે સ્પષ્ટ જૂથ હોવાની આ વાત તદ્દન નવી હતી. આ બે જૂથ પૈકી તેજસ્વી તારાઓને તેમણે વિરાટ કે દાનવ (giants) અને અતિવિરાટ કે મહાદાનવ (supergiant) તારા અને મોટી સંખ્યામાં મળી આવતા પણ નિસ્તેજ તારાઓને વામન (dwarf) કે પ્રમુખ ક્રમના તારા (main sequence stars) તરીકે અલગ તારવ્યા. તેમની આ શોધનો અહેવાલ બહુ જાણીતા નહીં તેવા એક ફોટોગ્રાફિક સામયિકમાં પ્રસિદ્ધ થયો. આ લેખે ભાગ્યે જ કોઈનું ધ્યાન દોર્યું. કોઈ ખગોળશાસ્ત્રીએ તેની નોંધ પણ ન લીધી અને વાત ભુલાઈ ગઈ.
રસેલ આ શોધથી સાવ અણજાણ હતા. આ બંને વૈજ્ઞાનિક ક્યારેય મળ્યા પણ ન હતા; તેમ છતાંય બંનેની શોધમાં સામ્ય હતું. રસેલે ઈ. સ. 1913માં શોધ્યું કે આકાશના તારાઓના નિરપેક્ષ વર્ગ કે નિરપેક્ષ (સાચા) તેજાંક (absolute magnitude કે absolute luminosity) અને વર્ણવર્ગ (તાપમાન) વચ્ચે સંબંધ છે. આનો સાદો અર્થ એ થયો કે તારાઓનો ચળકાટ અને તેમની સપાટીનું તાપમાન અરસપરસ સંકળાયેલાં છે. વિગતોના વધુ ઊંડાણમાં ઊતરતાં તેમણે જોયું કે માત્ર લાલ તારા જ નહીં; પણ નારંગી, પીળા અને પીતશ્વેત વર્ણવર્ગના તારાઓ પણ તેજસ્વી તારા અને નિસ્તેજ તારા એવા બે જૂથમાં વહેંચાય છે. આ તારણો તેમણે એક ગ્રાફ (આલેખ) દ્વારા રજૂ કર્યા. બંને ખગોળશાસ્ત્રીઓના માનમાં હવે આ ગ્રાફને ‘હર્ટ્ઝસ્પ્રુંગ-રસેલ આકૃતિ’ નામ આપવામાં આવ્યું છે.
આ ગ્રાફના યાક્ષ એટલે કે ક્ષૈતિજ અક્ષ (the horizontal or x-axis) પર તારાઓનો વર્ણપટીય વર્ગ મૂકેલો છે. તેમાં ઊગમથી જેમ દૂર જતા જઈએ તેમ તારાઓની સપાટીનું તાપમાન ઘટતું જાય છે. ગ્રાફના યાક્ષ કે ઊર્ધ્વાધર અક્ષ (the verticle or y-axis) પર તારાઓના નિરપેક્ષ (વાસ્તવિક કે સાચા) કાંતિમાન કે નિરપેક્ષ વર્ગ (absolute magnitude) અથવા કહો કે તારાઓના સ્પષ્ટ તેજાંક (સૂર્યના તેજ સાથે સરખાવીને મેળવાયેલા) મૂકેલા છે.
મતલબ કે ઊર્ધ્વાધર અક્ષ પર ઉપરની તરફ જતા જઈએ તેમ તેમ સૂર્યથી વધુ તેજસ્વી તારા આવતા જાય છે. આમ ઊર્ધ્વ-અક્ષ પર ઊગમ પાસે વધુ તેજાંકવાળા (ઓછા તેજસ્વી) અને ઊગમથી જેમ દૂર (ઉપર) જતા જઈએ તેમ ઓછા તેજાંકવાળા (વધુ તેજસ્વી) તારા ગોઠવાયેલા છે. ટૂંકમાં, હ.ર. આકૃતિ એટલે એક તરફ તારક રંગ, તાપમાન કે પછી વર્ણવર્ગ અને બીજી તરફ તારકતેજસ્વિતા (stellar luminosity) વડે બનતો આલેખ.
આ હ.ર. આકૃતિ ઉપરથી એવું જણાય છે કે જુદી જુદી જાતના તારાઓ એકમેક સાથે કોઈ કડીથી જોડાયેલા છે. આ આરેખ તારાઓની જીવનગાથાને સમજવામાં બહુ ઉપયોગી સાબિત થયો છે. એવું કહેવાય કે તારકઉત્ક્રાન્તિ (stellar evolution) સંબંધી સંશોધનોનો આરંભ હ.ર. આકૃતિથી થયો. વળી પૃથ્વીથી તારાઓનું અંતર નિર્ધારિત કરવામાં પણ આ આરેખ ઉપયોગી સાબિત થયો છે.
સુશ્રુત પટેલ