રસેલિયા : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ક્રોફ્યુલારિયેસી કુળની એક શોભન પ્રજાતિ. તેની એક જાતિ Russelia juncea Zucc. (ગુ. રસીલી; અં. વીપિંગ મેરી, કૉરલ ફાઉન્ટન, ફાયર ક્રૅકર) છે. તે લગભગ 0.75 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેની શાખાઓ પાતળી, લીલી અને પ્રકાશસંશ્ર્લેષી હોય છે અને વેલની જેમ પોતાની મેળે ટટ્ટાર રહી શકતી નથી અને જમીન તરફ ઢળતી રહે છે. તેનાં પર્ણો સાદાં, સંમુખ, અત્યંત નાનાં અને રેખીય-ભાલાકાર (linear-lanceolate) હોય છે. શાખાની ટોચ ઉપર પુષ્પો 2થી 4ના ગુચ્છમાં બારે માસ અથવા કલગી (raceme) સ્વરૂપે ઉદભવે છે અને 4 સેમી.થી 5 સેમી. લાંબાં હોય છે. વજ્ર ઘંટાકાર, બદામી કે લાલ રંગનું હોય છે અને દલપુંજ નલિકાકાર અને લાલ રંગનો હોય છે. તેને ઉદ્યાનોમાં, ક્યારીઓ અને કૂંડાંઓમાં તેમજ લટકતી ટોપલીઓમાં વાવવામાં આવે છે. તેને શૈલોદ્યાન(rockery)માં પણ ઉગાડવામાં આવે છે.
મૂળમાંથી શાખાઓ છૂટી કરીને રોપવામાં આવતાં નવા છોડ તૈયાર કરી શકાય છે.
તેની બીજી શોભનજાતિ R. floribunda L. syn. R. sarmentosa Jacq. છે. તે R. juncea કરતાં વધારે ઊંચી ક્ષુપજાતિ છે. તેની શાખાઓ ટટ્ટાર હોય છે અને પર્ણો ઘણાં મોટાં હોય છે. પુષ્પો R. juncea જેવાં જ લગભગ હોય છે અને મુખ્યત્વે વસંત ઋતુમાં વધારે પ્રમાણમાં થાય છે. બાકીના મહિનાઓમાં પુષ્પો થોડાંક જ બેસે છે. પુષ્પો રોમિલ હોય છે. તેનું પ્રસર્જન કટકારોપણ દ્વારા થાય છે.
મ. ઝ. શાહ