રસતંત્ર (આયુર્વેદ) : આયુર્વેદવિજ્ઞાન અંતર્ગત વિશિષ્ટ ચિકિત્સાનું શાસ્ત્ર. તેને આધુનિક ભાષામાં ‘કેમિસ્ટ્રી’ કહી શકાય. ‘રસતંત્ર’ કે ‘રસશાસ્ત્ર’ શબ્દનો અર્થ છે – ‘માનવચિકિત્સા-કાર્યમાં પારો, સુવર્ણ, ચાંદી, તાંબું, સોમલ, ગંધક, હરતાલ, કલાઈ, અભ્રક જેવી ખનિજ ધાતુઓ તથા અન્ય ખનિજોનો ઔષધિરૂપ ઉપયોગ કરનારી વિશિષ્ટ કીમિયારૂપ વિદ્યા’.
આયુર્વેદના ‘રસતંત્ર’માં ‘રસ’ શબ્દ પારા (mercury) માટે વપરાયો છે. પારાને શિવજીનું વીર્ય અને ગંધક(sulphur)ને પાર્વતીનું ‘રજ’ કહી તેને રસ-ઔષધિવિજ્ઞાનમાં વધુ મહત્ત્વ તથા પ્રાથમિકતા આપતાં, આ વિદ્યાનું નામ ‘રસતંત્ર’ કે ‘રસશાસ્ત્ર’ આપેલ છે.
આ ‘રસતંત્ર’ તે અષ્ટાંગ આયુર્વેદમાં કહેલ ‘રસાયનતંત્ર’થી ભિન્ન છે. અષ્ટાંગ આયુર્વેદની રચના બાદ આ નવું ‘રસતંત્ર’, ભારતમાં નવમીથી અગિયારમી સદીના સમયમાં પાછળથી અસ્તિત્વમાં આવેલ છે, જેનું પ્રચલન ભારતમાં આજે પણ છે.
આયુર્વેદિક ચિકિત્સાપ્રણાલી મૂળ આસુરી, માનુષી અને દૈવી – આ ત્રણ ભાગોમાં વિભક્ત છે. તેમાં દૈવી અર્થાત્ રસચિકિત્સાને ‘સર્વશ્રેષ્ઠ’ માની છે. જ્યારે વનસ્પતિના રસ, ચૂર્ણ, તેલ, ઉકાળા, વગેરેથી થતી માનવ-ચિકિત્સાને ‘મધ્યમ’ કે ‘માનુષી’ કહી છે. શસ્ત્રાસ્ત્ર દ્વારા થતા વાઢ-કાપ (સર્જરી) તથા ડામ દેવા જેવી ચિકિત્સાને ‘અધમ’ કે ‘આસુરી’ કહી છે. એ વાત સત્ય છે કે શસ્ત્ર(સર્જરી)-ચિકિત્સા શરીરનાં માત્ર વિકૃત કે વધેલાં અંગોને કાપી કે જોડી શકે છે. પરંતુ તે મૂળ રોગ પેદા કરનાર દોષોને મૂળથી મટાડી શકતી નથી. માટે જ ઘણી વાર ફરી ઑપરેશનો કરવાં પડે છે. ઔષધિઓ દ્વારા થતી ચિકિત્સા એકાદ વર્ષ સુધી દર્દીને સ્વસ્થ રાખી શકે છે. તેમાં દોષો પ્રાકૃત રૂપમાં આવી ગયા હોય તો દર્દી પૂર્ણ સ્વસ્થ થઈ શકે છે; પરંતુ આ માનુષી ચિકિત્સામાં દર્દીને ઘણી વાર ઉકાળા, ચૂર્ણ, તેલ-ઘી જેવી દવાઓ ખાવી-લેવી અપ્રિય થાય છે, દર્દ મટવામાં પણ પ્રાય: ઘણો સમય જાય છે, જેથી દર્દી પ્રાય: બીજી ઝડપી પરિણામદાયી અને અલ્પ માત્રા(dose)વાળી ચિકિત્સા તરફ જવા પ્રેરાય છે. આવી ચિકિત્સા આયુર્વેદમાં ‘રસતંત્ર’ શાખાની છે. આયુર્વેદવિજ્ઞાનની છેલ્લી સર્વોત્તમ વૈજ્ઞાનિક પ્રગતિ તે ‘રસતંત્ર’ વિદ્યાની છે. રસતંત્ર મુજબ નિર્મિત ખનિજોની ભસ્મ, પિદૃષ્ટિ, રસ-ઔષધિઓ સાવ અલ્પ માત્રામાં દર્દીને અપાય છે. આમ છતાં આ ઔષધિઓ શીઘ્ર કે ખૂબ ઝડપથી ઉત્તમ પરિણામ આપી દર્દને કાયમ માટે મટાડે છે. રસ-ઔષધિઓનો શરીરમાં પ્રભાવ અનેક વર્ષો સુધી જળવાઈ રહે છે, જ્યારે કાષ્ઠાદિ ઔષધિઓની અસર 12 વર્ષ સુધી જ જળવાય છે. બીજું કાષ્ઠાદિ ઔષધિઓ (આસવ-અરિષ્ટોને બાદ કરતાં) પ્રાય: 12 વર્ષ બાદ ગુણમાં નિ:સત્ત્વ થતાં તે દવા નકામી બની જાય છે, જ્યારે રસ-ઔષધિઓ કદી પણ નિ:સત્ત્વ કે ગુણરહિત થતી નથી. આ તેનો મોટો લાભ છે. કાષ્ઠાદિ ઔષધિઓ મોટી જગ્યા રોકે છે, જ્યારે રસૌષધિઓ વૈદ્યની નાની હાથપેટીમાં સમાઈ શકે તેવી હોય છે. માટે જ રસ (પારદ અને અન્ય ખનિજોથી) નિર્મિત આયુર્વેદિક ઔષધિઓને આયુર્વેદોક્ત આઠ અંગોમાં પણ સર્વપ્રથમ અને સર્વોત્તમ એવી ‘દૈવી’ ચિકિત્સા કહી છે.
રસતંત્ર કે રસશાસ્ત્રની વિદ્યાના આદિ પ્રવર્તક કે પ્રથમ જ્ઞાતા ભગવાન શંકર ગણાય છે. ભગવાન શંકર પોતે દેવ હોઈ, તેમના દ્વારા પ્રવર્તમાન આ તંત્ર-ચિકિત્સા ‘દૈવી’ કહેવાઈ છે.
ભારતમાં શૈવતંત્ર અને બૌદ્ધતંત્ર એ બે જાતનાં ‘તંત્રો’ હતાં. તેમાં બૌદ્ધતંત્ર શૈવતંત્ર કરતાં વધુ પ્રાચીન છે. તંત્રોમાં જ રસવિદ્યા કે રસશાસ્ત્રનાં મૂળ કે બીજ છે. અહીં ‘તંત્ર’ શબ્દ ધાતુઓ પર અન્ય પદાર્થોના સંપર્ક દ્વારા થતા કીમિયા કે પ્રયોગો દ્વારા નવી ઔષધિ કે રસાયન-ચમત્કારો કરવાનું જે ‘વિશિષ્ટ વિજ્ઞાન’ છે તેના માટે વપરાયો છે. આ વિદ્યા દ્વારા ચાંદી કે તાંબામાંથી સુવર્ણ બનાવી શકાય છે. હિંગળોકમાંથી પારો કાઢી શકાય છે. પારાને બાંધીને મન ચાહે તેવો આકાર આપી શકાય છે. આકાશમાં ઊડી શકાય તેવી ‘ખેચર ગુટિકા’ બની શકે છે તેમજ માનવીને અજર-અમર કે સંપૂર્ણ નીરોગી અને દીર્ઘાયુ બનાવી શકે તેવી, સર્વોત્તમ રસ-ઔષધિઓ બની શકે છે. ખરેખર તો રસતંત્રનું નિર્માણ ‘મોક્ષપ્રાપ્તિ’ અર્થે થયેલું છે.
ભારતમાં રસતંત્ર(શાસ્ત્ર)નો પ્રારંભ શિવજીને બાદ કરતાં બૌદ્ધોના મહાયાન સંપ્રદાય કે શૈવ સંપ્રદાયથી થયો ગણાય છે. ભારતમાં 84 મહાસિદ્ધોની ગણના થાય છે; જેમાં ગોરખનાથ, મત્સ્યેન્દ્રનાથ તથા નાગાર્જુન જેવાનાં નામો છે. તેમાં નાગાર્જુનને રસતંત્રના આદિ પ્રવર્તક માનવામાં આવે છે. ભારતમાં રસતંત્રના પ્રચલન માટે નાગાર્જુને પાયાનું ખૂબ મહત્ત્વનું કાર્ય કર્યું છે. તેમના સમય પછી ભારતમાં રસતંત્રની વિદ્યા અને અન્ય રસતંત્ર-ગ્રંથોના નિર્માણનું ભગીરથકાર્ય થયું છે.
રસચિકિત્સાનો ભારતમાં ખરો વિકાસ અગિયારમા-બારમા શતકમાં થયો છે. તેનાં મૂળ ચરક-સુશ્રુતમાં છે.
નાગાર્જુને પોતે ‘રસેન્દ્રમંગલ’ કે ‘રસરત્નાકર’ નામે રસતંત્રવિદ્યાનો મહાન ગ્રંથ લખ્યો છે. આજે રસતંત્રોમાં જૂનામાં જૂનો પ્રાપ્ત ગ્રંથ આ જ છે. આ ગ્રંથ સાતમા કે આઠમા શતકમાં નિર્માયો છે તેમ ‘હિસ્ટરી ઑવ્ હિન્દુ કેમિસ્ટ્રી’ના લેખક પ્રફુલ્લચંદ્ર રાયનો મત છે.
નાગાર્જુન પૂર્વે થઈ ગયેલા ‘ચરક’ અને ‘સુશ્રુત’ આચાર્યોએ પોતાની સંહિતાઓમાં વનસ્પતિઓ ઉપરાંત પાર્થિવ (ખનિજ) તથા જંગમ (પ્રાણિજ) પદાર્થોના ઔષધિ-પ્રયોગ નોંધ્યા છે; જેમાં ચરકાચાર્યે ખનિજોમાં સુવર્ણ, તામ્ર, રૌપ્ય (ચાંદી), સીસું, લોહ અને કલાઈ, શિલાજિત, મન:શીલ, હરતાલ, સુરમો, ચૂનો, રેતી, ગંધક, શંખ, પ્રવાલ, મોરથૂથું, ગેરુ, હીરાકસી, સંચળ, સિંધવ, બિડલૂણ, સાંભર મીઠું તથા સાદા મીઠા ઉપરાંત જવખાર અને સાજીખારનો ઉપયોગ ખાવામાં તથા બાહ્ય લેપાદિમાં કરવાની વાતો નોંધી છે. પરંતુ તે ચૂર્ણ કે ભસ્મ સ્વરૂપમાં તેની સ્પષ્ટતા નથી. એ જ રીતે સુશ્રુતે પણ બંગ (કલાઈ), નાગ (સીસું), તામ્ર, રૂપું, સુવર્ણ, લોહ, મંડૂર અને કાંસા જેવી ધાતુઓનો ક્ષાર (metallic salts) સ્વરૂપે ઉપયોગ નોંધ્યો છે. તે સાથે સુશ્રુતે વિવિધ ક્ષારોનો ખાસ ઉપયોગ ચિકિત્સામાં કર્યો છે. વાગ્ભટ્ટ પણ રસવિદ્યામાં ચરકસુશ્રુતથી આગળ નથી. અત્રે આ વાત નોંધનીય છે કે ચરકસુશ્રુતે સૂચવેલ આ ધાતુઓનો ઉપયોગ ખૂબ પ્રારંભિક કક્ષાનો અને લગભગ 5 ટકા જેટલો જ મર્યાદિત હતો.
રસતંત્રના નાગાર્જુનરચિત ‘રસેન્દ્રમંગલ’ ગ્રંથમાં કુલ આઠ અધ્યાયો હતા. પણ તેની ઉપલબ્ધ પ્રતોમાં ચાર જ અધ્યાયો મળ્યા હોઈ, ગ્રંથ અપૂર્ણ કે ખંડિત છે. આ ગ્રંથમાં રસ(ધાતુઓ)ના સ્વેદનાદિ 18 સંસ્કારો, હલકી ધાતુમાંથી સોનું કરવાનો કીમિયો; રસ, ઉપરસ અને લોહની શોધનવિધિ; સર્વ લોહ(ધાતુ)નું મારણ, અભ્રક, માક્ષિક વગેરેનાં સત્ત્વપાતન, અભ્રકાદિની દ્રુતિ વગેરે વિશે માર્ગદર્શન છે. આ ગ્રંથ અગિયારમા શતક પૂર્વેનો નથી. નાગાર્જુન-વિરચિત ‘કક્ષપુટ’ નામનો એક ખંડભાગ છે, જેનાં 106 પૃષ્ઠોમાં 20 પટલ (અધ્યાય) છે. તેમાં અગ્નિસ્તંભન, ગતિસ્તંભન, સેનાસ્તંભન, મોહન, ઉચ્ચાટન, મારણ, વિદ્વેષણ, ઇન્દ્રજાલ (જાદુ) જેવા વિષયોની માહિતી આપેલી છે. નાગાર્જુને જ રચેલો મનાતો ત્રીજો એક ગ્રંથ ‘આશ્ચર્યયોગમાલા’ નામે છે, જેમાં કક્ષપુટના જેવા વિષયો; જેમ કે, વશીકરણ, વિદ્વેષણ, ઉચ્ચાટન, ચિત્રીકરણ, મનુષ્યનું અન્તર્ધાન (અદૃશ્ય) થવું, કુતૂહલો, અગ્નિસ્તંભન, જલસ્તંભન, ઉન્માદકરણ, રોમશાતન, વિષપ્રયોગવિધાન તથા ભૂતનાશનનો સમાવેશ થયેલ છે.
આ ઉપરાંત ‘રસતંત્ર’-વિદ્યાના સુવર્ણકાળમાં જે અસંખ્ય મૂલ્યવાન ગ્રંથો નિર્માયા તેની સંક્ષિપ્ત યાદી આ મુજબ છે : ગોવિંદકૃત ‘રસરત્ન- સમુચ્ચય’, માધવાચાર્યકૃત ‘રસહૃદયતંત્ર’, ‘રસાર્ણવ’, સોમદેવકૃત ‘રસેન્દ્ર-ચૂડામણિ’, યશોધરવિરચિત ‘રસપ્રકાશ સુધાકર’, શ્રી ગોપાલ ભટ્ટરચિત ‘રસેન્દ્રસારસંગ્રહ’, ગોવિંદાચાર્યકૃત ‘રસસાર’, સિદ્ધ નિત્યનાથવિરચિત ‘રસરત્નાકર’, ‘રસેશ્વર-સિદ્ધાંત’, ‘રસેશ્વર-દર્શન’, ‘રસહૃદય’, ‘રસરાજલક્ષ્મી’, ‘રસકલ્પ’, ‘રસપ્રદીપ’, ‘રસકૌમુદી’, ‘રસરત્નસમુચ્ચય’, ‘રસતંત્રસાર’ અને ‘સિદ્ધયોગ’ જેવા કેટલાક ગ્રંથો હાલ ઉપલબ્ધ છે; પરંતુ આ યાદી બહારના અસંખ્ય રસગ્રંથો નાશ પામ્યા છે કે લુપ્ત છે. વૈદ્ય બાપાલાલે ‘ભારતીય રસશાસ્ત્ર’ ગ્રંથ આપ્યો છે.
પ્રારંભે રસસિદ્ધિનું મુખ્ય લક્ષ્ય મોક્ષપ્રાપ્તિનું હતું, પણ પાછળથી તેનો ઉદ્દેશ કીમિયાગીરી કે ધાતુવાદ (કેમિકલ-રસાયન-ચમત્કાર) પૂરતો હતો અને તે પછી હાલમાં આ તંત્ર માત્ર રોગનિવારક ઔષધિ-નિર્માણ પૂરતું જ સીમિત રહી ગયું છે.
રસ-ઔષધિઓનું નિર્માણ જડ એવી ધાતુઓમાંથી થાય છે, પરંતુ તેમાં ખરો પ્રાણ ચેતનવંતી દિવ્ય વનસ્પતિઓ જ પૂરે છે. ધાતુઓને વિવિધ વનસ્પતિના રસ-પુટ (ભાવના) અપાય છે. તેને વનસ્પતિ સાથે રાખી, ભઠ્ઠીમાં પકાવી તેની ભસ્મ બનાવાય છે કે ખરલમાં વનસ્પતિરસ નાંખી તેની પિદૃષ્ટિપર્પટી બનાવાય છે. આમાં જડ ધાતુઓ ચેતનવંતી દિવ્ય વનસ્પતિઓના સંપર્કથી શીઘ્ર પ્રભાવશાળી અને પરિણામદાયી બને છે તેમજ અનેક ચમત્કારો સર્જાય છે. આ હકીકતને અનેક અનુભવી વૈદ્યોની પુદૃષ્ટિ મળી છે.
બળદેવપ્રસાદ પનારા