રસ
પ્રાચીન ભારતીય સાહિત્યશાસ્ત્રનો એક સિદ્ધાંત. રસ વિશેનો ખ્યાલ અતિ પ્રાચીન છે. સૌપ્રથમ રસ વિશેના શાસ્ત્રીય નિર્દેશો ભરત-નાટ્યશાસ્ત્ર(ના.શા.)માં પ્રાપ્ત થાય છે (ઈ. પૂ. 1લી સદી). કાવ્યશાસ્ત્રની અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ અને ઔચિત્ય તથા અનુમિતિ એમ સઘળી પરંપરાઓ ‘રસ’નો સ્વીકાર વિના સંકોચે કરે છે. મતભેદો માત્ર રસની અભિવ્યક્તિના સંદર્ભમાં રહેલા છે. ધ્વનિવિરોધી દિગ્ગજ આચાર્ય મહિમભટ્ટ પણ ‘રસ’ને કાવ્યના શિરમોર તત્વ તરીકે સ્વીકારે છે, પરંતુ તેની પ્રક્રિયા વ્યંજનાને બદલે અનુમિતિથી સિદ્ધ થતી દર્શાવે છે. જ્યારે અલંકાર પરંપરાના સમર્થક ભામહાદિ પ્રાચીન આચાર્યો અલંકાર અર્થાત્ કાવ્યસૌન્દર્યને જ કાવ્યનું સર્વસ્વ = આત્મતત્વ માને છે. આથી પ્રસ્તુત સંદર્ભમાં રસને પણ તેઓ કાવ્યના શોભાવનારા તત્વ તરીકે ‘અલંકાર’ તરીકે જ ગણે છે. દંડી અગ્રામ્યતાના સંદર્ભમાં ક્યારેક રસને પણ ‘અલંકાર્ય’ના સ્થાને નિવિષ્ટ કરે છે. ભામહાદિ આ પૂર્વાચાર્યો રસને સ્થાયીથી અભિન્ન માને છે. આથી સંભવત: લોલ્લટાદિના ઉત્પત્તિવાદનાં મૂળ તેમના વિચારોમાં જોઈ શકાય. મૂળે રસની વિચારણા નાટ્યના સંદર્ભમાં થયેલી. પાછળથી કાવ્યશાસ્ત્રીઓએ પણ રસનો સ્વીકાર અનિવાર્ય માન્યો, એટલું જ નહિ, પણ ધ્વનિવાદીઓએ તો ‘રસધ્વનિ’ને જ કાવ્યનો આત્મા પ્રસ્થાપિત કર્યો. વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ પણ છેવટે તો ‘રસધ્વનિ’માં જ પરિણમે છે, એવું આનંદવર્ધને પ્રતિપાદિત કર્યું. આમ ત્રિરૂપધ્વનિવસ્તુ, અલંકાર અને રસમાં પણ રસધ્વનિ જ શ્રેષ્ઠ ગણાયો. રસ કાવ્યની અભિધાદિ શક્તિઓમાંથી માત્ર વ્યંજનાગમ્ય જ છે અને તે ક્યારેય ‘સ્વશબ્દવાચ્ય’ બનતો નથી. સ્વપ્નમાં પણ નહિ, એવું ભારપૂર્વક આનંદવર્ધન, અભિનવગુપ્ત અને તેમના મમ્મટાદિ પ્રબળ સમર્થકોએ પ્રસ્થાપિત કર્યું. મહિમભટ્ટનો રસાનુમિતિનો સિદ્ધાંત પણ મમ્મટે ‘કાવ્યપ્રકાશ’માં ખંડિત કર્યો, પછી ભોજ, ધનંજય અને ધનિક જેવા અપવાદો બાદ કરતાં રુય્યક, વિદ્યાધર, વિદ્યાનાથ, વિશ્વનાથ તથા પંડિતરાજ જગન્નાથે એકીઅવાજે ‘રસધ્વનિ’નું સમર્થન કર્યું. એમાં ‘વક્રોક્તિજીવિત’કાર કુંતકની વિચિત્રા અભિધા જુદો ચીલો પાડવા જાય છે, પણ વક્રોક્તિની પ્રક્રિયા, રસને જ કાવ્યસર્વસ્વ માનવાનું તેમનું વલણ, તેમનો ચહેરો છૂપા આનંદવર્ધન તરીકે જ ઉપસાવી આપે છે. ધનંજય-ધનિકે રસને તાત્પર્યગ્રાહ્ય માન્યો અને ભોજમાં જરા જુદા દૃષ્ટિકોણથી રસની વિચારણા થઈ. ભોજે પોતાને અભિમત એવા એકમાત્ર શૃંગારરસની ત્રણ કોટિઓ દર્શાવી છે – પૂર્વા, મધ્યમા અને ઉત્તરા. ઊર્જસ્વિની રૂઢાહંકારતારૂપ રસ માનમય વિકાર રૂપે ચિત્તમાં જાગ્રત થાય તે તેની પૂર્વા કોટિ છે. વિભાવાદિ વડે રત્યાદિરૂપે આવિર્ભાવ પામે ત્યારે પરમપ્રકર્ષરૂપ મધ્યમાવસ્થા છે તથા પ્રિયતરાખ્યાનરૂપ પ્રેયસમાં અહંકારની ઉત્તરા કોટિ સ્વીકારાઈ છે. ભોજ 49 ભાવોને રસ કહે છે. ‘રસ’ને જ તેઓ ‘અભિમાન’, ‘અહંકાર’ અને ‘શૃંગાર’ એમ કહે છે. વળી રસના જ સંદર્ભે આચાર્ય હેમચન્દ્ર અભિનવગુપ્તપાદના અનુસારક હોવા છતાં તેમના શિષ્યો રામચન્દ્ર અને ગુણચન્દ્રે ‘સુખદુ:ખાત્મક રસ’ની એક જુદી જ પરંપરા પ્રગટાવી.
પરંતુ મોટાભાગના આલંકારિકોએ રસને વ્યંજનાગમ્ય હોવાનું જણાવી સ્વીકારી તેની વિચારણા કરી છે. અભિનવગુપ્તની નાટ્યશાસ્ત્ર પરની ટીકા ‘અભિનવભારતી’(અ. ભા.)માં સૌપ્રથમ આપણને રસ વિશેના સૈદ્ધાન્તિક નિરૂપણનો પરિચય થાય છે. ના.શા.ના 6ઠ્ઠા રસાધ્યાયની અ.ભા.માં લોલ્લટ, શંકુક, ભટ્ટનાયક અને સ્વયં શ્રીમદ્ અભિનવગુપ્તપાદાચાર્યના રસ અંગેના મતોની ચર્ચાનો સમાવેશ થયો છે. ભરતથી માંડીને આનંદવર્ધનના પૂર્વાચાર્યોની રસસ્વરૂપ, રસસંખ્યા વગેરેની મીમાંસા વિચારીએ.
ભરતે નાટ્યરસના સંદર્ભમાં રસસ્વરૂપની મીમાંસા કરી છે. કાવ્યરસ એ જુદો પદાર્થ નથી. काव्यार्थो रसः એવું સ્પષ્ટ કથન તેઓ કરે છે. આ રસો = શૃંગારાદિ આઠેય ‘नाट्ये रसाः स्मृताः’ નાટ્યરસો તરીકે ગણાવાયા છે. રસના લક્ષણનો આરંભ કરતાં તેઓ અત્યંત મહત્વની વાત કહે છે, ‘न हि रसादृते कश्चित् अर्थः प्रवर्तते ।’ રસ વિના કોઈ અર્થ પ્રવર્તિત થાય નહિ. એ પછી તેમનું પ્રસિદ્ધ સૂત્ર ‘विभावानुभावव्यभिचारिसंयोगाद्रसनिष्पतिः’ આપે છે.
રસનિષ્પત્તિ સમજાવતાં ભરતમુનિએ ષાડવાદિ રસનું દૃષ્ટાન્ત આપ્યું છે. જેમ ગોળ વગેરે દ્રવ્યો, વ્યંજનો તથા ઔષધિ વગેરેના મિશ્રણથી ષાડવાદિ રસ જન્મે છે, તેમ અનેક પ્રકારના ભાવોના સંયોગથી સ્થાયી ભાવો રસત્વને પામે છે. આમ આસ્વાદ સિદ્ધ થાય છે. રસ કયો પદાર્થ છે એમ પૂછતાં કહ્યું છે – આસ્વાદ થતો હોવાથી જ રસ કહેવાય છે. જેમ અનેક પ્રકારનાં વ્યંજનોથી સંસ્કારાયેલ અન્નને એકાગ્ર ચિત્તવાળા અને કેળવાયેલી રુચિવાળા જમનારા પુરુષો આસ્વાદે છે અને હર્ષ વગેરે ભાવો અનુભવે છે, તેમ વિવિધ ભાવોના અભિનયથી વ્યંજિત થતા વાચિક, આંગિક અને સાત્વિક અભિનયોથી યુક્ત સ્થાયી ભાવોને સંસ્કારી પ્રેક્ષકો (સહૃદયો) આસ્વાદે છે. આ જ નાટ્યરસ છે.
રસભાવસંબન્ધ : રસો અને ભાવો વચ્ચે પરસ્પર ગાઢ સંબન્ધ છે. જેમ બીજમાંથી વૃક્ષ થાય છે તેમ રસભાવસંબન્ધ કલ્પવામાં આવ્યો છે. આ અંગે ત્રણ મતો છે. રસોમાંથી ભાવો જન્મે છે. ભાવોમાંથી રસો કે પછી બંનેની ઉત્પત્તિ પરસ્પરના સંબન્ધથી થાય છે. આમાં ભાવમાંથી રસનો જન્મ સ્વીકારાયો છે. અભિનવગુપ્ત પણ આ મતને જ માન્ય કરે છે. વિભાવાદિઓ અનેક પ્રકારના અભિનયો સાથે જોડાઈને રસોનું ભાવન કરાવે છે. માટે જ તેને નાટ્યવિવેચકો ભાવ નામે ઓળખે છે. ભાવ વિના રસ રહી શકે નહિ અને રસ વિના ભાવ રહી શકે નહિ. અભિનયથી તે બે પરસ્પર સિદ્ધ થાય છે. જેમ બીજમાંથી વૃક્ષ થાય અને વૃક્ષમાંથી પુષ્પ અને ફળ થાય તે રીતે બધા રસ મૂળ રૂપે છે. ‘પટતંતુ’ન્યાયે રહેતા હોવાથી અન્યોન્યાશ્રયદોષ આવતો નથી. ટૂંકમાં કવિની સાધારણીભૂત સંવિત્ એ જ રસ છે. એ રસથી પરિપ્લાવિત કવિહૃદય જ કાવ્યનું નિર્માણ કરવામાં સમર્થ છે.
મુખ્ય કે પ્રકૃતિરસ અને ગૌણ કે વિકૃતિરસ : શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, બીભત્સ, ભયાનક અને અદભુત એમ આઠ રસોમાં શૃંગાર, રૌદ્ર, વીર અને બીભત્સ એ ચાર રસોને મૂળરસો – પ્રકૃતિરસો કહે છે. તેમાંથી બીજા ચાર જન્મ્યા તે વિકૃતિરસો છે, જે હાસ્ય, કરુણ, અદભુત અને ભયાનક અનુક્રમે જાણવા. કોઈ એક રસનો આભાસ કે અનુકરણ બીજા રસની ઉત્પત્તિમાં હેતુરૂપ બની શકે. જેમ કે, શૃંગારમાંથી હાસ્યની ઉત્પત્તિ. વિભાવ-અનુભાવ અને વ્યભિચારીના આભાસથી ‘રત્યાભાસ’ ઉત્પન્ન થાય છે. તે હાસ્યને ઉત્પન્ન કરે છે. રૌદ્રમાંથી કરુણની ઉત્પત્તિ થાય છે. રૌદ્રનું ફળ વધ વગેરે છે એટલે કરુણ જન્મે છે. વીરરસના સાક્ષાત્ ફળ તરીકે અદભુત પ્રકટે છે. કારણ કે, વીરપુરુષોનો ઉત્સાહ જગતને વિસ્મિત કરે છે. સરખા વિભાવોને કારણે બીભત્સ, ભયાનકનો આક્ષેપ કરે છે. છેલ્લા ચાર ગૌણ રસો છે.
શાન્તનો સ્વીકાર પાછળથી થયો છે. ઉદભટ ‘નાટ્યશાસ્ત્ર’ના પણ ટીકાકાર હતા. સંભવ છે કે શાન્તને ઉમેરવામાં તેમનો ફાળો હોય. સ્વયં અભિનવગુપ્તે પણ શાન્તરસનું પ્રસ્થાપન દૃઢતાપૂર્વક કર્યું છે. એ સિવાય પ્રેયાન, લૌલ્ય વગેરે રસોના ઉલ્લેખો મળે છે. પરંતુ પ્રસ્તુત રસોને બહુ આવકાર સાંપડ્યો નથી. ઈ. સ.ની 16મી સદી દરમિયાન શાન્તની જેમ ભક્તિરસ અથવા કેટલાકના મતે મધુરરસનો મહિમા પ્રકટ્યો. ભક્તિરસના પ્રસ્થાપન માટે સ્વતંત્ર ગ્રંથો પણ રચાયા.
સ્થાયી, સાત્વિક, વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવો : સ્થાયી બધા જ ભાવોમાં ‘રાજા’ જેવો છે. જેમ પરિજનથી વીંટળાયેલ રાજા રાજપદને પામે છે, એ જ રીતે વિભાવાદિથી યુક્ત સ્થાયી જ રસત્વને પામે છે.
બધા સ્થાયી ભાવો સુખપ્રધાન છે. એટલે કેવળ આનંદરૂપ છે. વિભાવાદિ સામગ્રી તો ગૌણ છે, સ્થાયી જ પ્રધાન છે. સ્થાયી ભાવોનો મનોવૈજ્ઞાનિક પાયો દર્શાવતાં અભિનવગુપ્ત સમજાવે છે, ભોગેચ્છારૂપ રતિ, ઉપહાસરૂપ હાસ, ઇષ્ટ વસ્તુના વિયોગરૂપ શોક, શોકનાં કારણો પ્રત્યે ક્રોધ અને તેના અનુસંધાનમાં અશક્તિ હોય તો ભય છતાં મુશ્કેલી પાર કરવારૂપ ઉત્સાહ, અણગમતી વસ્તુ તરફની જુગુપ્સા પોતાનાં કે પારકાંનાં અસાધારણ કાર્યો જોઈને વિસ્મય અને સર્વત્યાગની ઇચ્છામાં નિર્વેદ રહેલો છે.
સ્થાયીની જેમ વ્યભિચારી પણ ચિત્તવૃત્તિ છે. ગ્લાનિ, શંકા વગેરે ચિત્તવૃત્તિઓ છે તે યોગ્ય વિભાવના અભાવમાં જન્મતી નથી. અથવા જેમણે રસાયણનું સેવન કર્યું છે તે મુનિને ગ્લાનિ, આળસ, શ્રમ વગેરેનો અનુભવ થતો નથી અને જો તે જન્મે છે તો હંમેશ માટે ટકી શકતો નથી. કારણો દૂર થતાં તે આપોઆપ જ દૂર થઈ જાય છે, જ્યારે સ્થાયી વૃત્તિઓ પોતાના સંસ્કારો મૂકી જાય છે.
विभाव्यन्ते अनेन वागङ्गसत्त्वाभइनया इव्यतो विभावः। વાચિકાદિ અભિનયોનો બોધ કરાવે તે વિભાવ રસોનું વિભાવન કરાવે છે તેથી તેમને કારણરૂપ કહેવાય છે. વાચિક, આંગિક અને સાત્વિક અભિનય જેનાથી અનુભાવિત થાય છે તેને અનુભાવ કહે છે. વિભાવની જેમ અનુભાવ પણ લોકપ્રસિદ્ધ છે તેથી લોકસ્વભાવને અનુસરતા જણાય છે. સાત્વિક ભાવોનું ગ્રહણ તેમાં નિર્દેશાયેલા અનુભાવો દ્વારા જ થાય છે, છતાં મનમાંથી જન્મ્યા હોય તેથી ‘સત્વજ’ કહે છે. રોમાંચ, સ્વેદ, અશ્રુ, વૈવર્ણ્ય, વેપથુ, સ્વરભેદ, સ્તંભ તથા પ્રલય આઠ સાત્વિક ભાવો છે.
નિર્વેદાદિ 33 વ્યભિચારીઓ છે. વિવિધ રીતે અભિમુખ થઈને રસોમાં જે સંચરે છે, તે થયા વ્યભિચારી ભાવો, અને વળી વાણી, અંગ તથા સત્વથી યુક્ત થઈને પ્રયોગમાં રસોનું વહન કરે છે તે પણ છે વ્યભિચારીઓ.
ભરતના રસસૂત્રનું વિવેચન ઘણા આચાર્યોએ કર્યું હશે. પરંતુ પ્રાપ્ત સામગ્રી અનુસાર લોલ્લટ, શ્રીશંકુક, ભટ્ટનાયક અને અભિનવગુપ્તના મતો જ આપણને ઉપલબ્ધ છે, તે પણ અભિનવગુપ્તની ના. શા. પરની અ.ભા. ટીકામાં. ત્રણેય આચાર્યોના મૂળગ્રંથો આપણને પ્રાપ્ત થતા નથી. અભિનવગુપ્ત પાસે તે હોવાનો સંભવ છે.
ઉત્પત્તિવાદ : લોલ્લટનો મત ઉત્પત્તિવાદ તરીકે પ્રખ્યાત છે. લોલ્લટ ‘स्थायी एव रसः’ની પરંપરા સ્વીકારે છે. ઉપચિત સ્થાયીને જ લોલ્લટ રસ કહે છે. સ્થાય્યાત્મિકા ચિત્તવૃત્તિમાં વિભાવો કારણરૂપ છે, અનુભાવો અને વ્યભિચારીઓ સ્થાયીની પ્રતીતિ કરાવનારાં તત્વો છે, વ્યભિચારીઓ એની પુષ્ટિ કરે છે. આમ વિભાવો દ્વારા ઉત્પત્તિ, અનુભાવો દ્વારા પ્રતીતિ અને વ્યભિચારીઓ દ્વારા પરિપુષ્ટિ એમ ત્રણ તત્વોનો સમાવેશ લોલ્લટ નિષ્પત્તિમાં કરે છે. ભાવોના અનુભાવો એમ કહીને લોલ્લટે સામાજિકને પણ સાંકળ્યા છે અલબત્ત, સીધી રીતે નહિ. લોલ્લટના મતને વાસ્તવવાદ કહી શકાય. દંડી વગેરે પ્રાચીનો પણ રત્યાદિ સ્થાયીને જ શૃંગારાદિ રસ માનતા હતા.
અનુમિતિવાદ : લોલ્લટના મતનું શ્રીશંકુક ખંડન કરે છે. વિભાવાદિનું લિંગ રૂપે ગ્રહણ કર્યા વગર લિંગી એવા રસની પ્રતીતિ અશક્ય છે. ધુમાડા વગર પર્વત ઉપરના અગ્નિના જ્ઞાનની માફક ઉપચિત સ્થાયી માનવાથી તરતમભાવ સ્વીકારવો પડે તો હાસ્યના 6ને બદલે અનેક પ્રકારો સ્વીકારવા પડે.
શ્રીશંકુકનો મત અનુકૃતિ-અનુમિતિવાદ તરીકે જાણીતો છે. વિભાવો હેતુરૂપ, અનુભાવો કાર્યરૂપ અને વ્યભિચારીઓ સહચારીરૂપ છે. નાટકમાં નટ પ્રયત્નપૂર્વક તેને સિદ્ધ કરે છે. નટનાં તાલીમ અને અભ્યાસને બળે વિભાવાદિને નાટકમાં રજૂ કરે ત્યારે કૃત્રિમ હોવા છતાં કૃત્રિમ જણાતાં નથી. વસ્તુગત સૌન્દર્યના બળથી આ આભાસી અકૃત્રિમતા નિષ્પન્ન થાય છે. સામાજિક લિંગબળે પ્રતીત થતા રામાદિના સ્થાયીના અનુકરણરૂપ સ્થાયીને અનુમિત કરે છે. આમ અનુકૃત-અનુમિત-સ્થાયી તે જ રસ. આ વિગત ચિત્રતુરગ-ન્યાયથી સિદ્ધ થાય છે. ચિત્રમાં રહેલો અશ્વ જેમ સમ્યક્ મિથ્યા, સંશય અને સાદૃશ્ય પ્રતીતિથી જુદો જ અનુભવાય છે, તેમ નટ વિશે રામાદિ વિશિષ્ટ બુદ્ધિ થાય છે.
સામાજિકનું અનુમાન તો મિથ્યા છે, છતાં મણિપ્રદીપની પ્રભાને રત્ન સમજી દોડનારી બે વ્યક્તિમાંથી એકને સાચું રત્ન મળે છે, એકને મળતું નથી. બંનેનું આચરણ તો ભ્રમમૂલક જ છે. આમ અનુમાન ભ્રમમૂલક હોવા છતાં રસ આસ્વાદ્ય બને છે.
તૌતે રસના અનુકરણનું ખંડન કર્યું છે. તૌત જણાવે છે કે શ્રીશંકુક જેનું અનુકરણ કરે છે તે પ્રેક્ષકો જે કાંઈ રંગભૂમિ પર જુએ છે અને રતિ વગેરે ચિત્તવૃત્તિ છે, તે બંને વચ્ચે સ્વરૂપભેદ અને વિષયભેદ સ્પષ્ટ છે. નટનું શરીર ભૌતિક છે. ક્રોધ વગેરે ચિત્તવૃત્તિ છે. ભૌતિક વિગતનું ગ્રહણ ચક્ષુથી, જ્યારે રતિ વગેરે ભાવોનું અનુકરણ અંત:કરણથી થાય છે. આમ આશ્રયભેદ સ્પષ્ટ છે. કદાચ રતિનું અનુમાન થાય, પણ રત્યનુકારકનું શી રીતે થાય ચિત્રતુરગ-ન્યાયને પણ તૌત નકારે છે. નટ રામ છે એવી સમજ કેવી રીતે કેળવી શકાય ? રામબુદ્ધિ સમ્યક્ કેવી રીતે કહેવાય ? વળી પ્રતીતિ થતી હોય તો મિથ્યા કેવી રીતે કહેવાય ?
તૌતનો પોતાનો રસ વિશે અનુવ્યવસાયવાદ છે. અનુવ્યવસાય એટલે પશ્ર્ચાત્કરણ; સદૃશીકરણ નહિ.
ભુક્તિવાદ : ભટ્ટનાયક ઉત્પત્તિ, પ્રતીતિ અને અભિવ્યક્તિ ત્રણેય વાદનું ખંડન કરે છે, પછી પોતાનો મત જે ભુક્તિવાદ તરીકે પ્રસિદ્ધ છે તે આપે છે. સાંખ્યદર્શન પ્રમાણે બુદ્ધિ અથવા ચિત્તના ગુણો સત્વ, રજસ્, તમસ્ કલ્પ્યા છે. બુદ્ધિ ત્રિગુણાત્મિકા છે. જ્યાં સુધી તમસ્ અથવા મોહનું પ્રાધાન્ય છે ત્યાં સુધી વ્યક્તિ સૂક્ષ્મનું દર્શન કરી શકતી નથી. કાવ્યકલાનું કર્તવ્ય મોહને દૂર કરવાનું છે. મોહનું તિરોધાન કાવ્યમાં દોષહાન અને ગુણાલંકારદાનથી સિદ્ધ થાય છે. જ્યારે રૂપકમાં ચતુર્વિધ અભિનયથી આ વિગત સિદ્ધ થાય છે. મોહ દૂર થતાં સાધારણીકરણવ્યાપાર પ્રવર્તિત થાય છે. તે વિભાવને સાધારણીકૃત – બિનઅંગત બનાવે છે. રસસંવિત્ના જ ભાગ રૂપે એ વિભાવાદિ રજૂઆત પામે છે. કાવ્યના શબ્દોથી આમ સ્વસંવિતનું પૂર્ણ રૂપે પ્રકાશન થતાં રસનો આસ્વાદ – ભોગ થાય છે. આમ ભાવકત્વ ને ભોજકત્વ ‘કાવ્ય’ શબ્દના જ વ્યાપારો છે.
અભિનવગુપ્તે સ્વયં ભટ્ટનાયકના મતનું ખંડન કર્યું છે. તેઓ જણાવે છે કે રસનિષ્પત્તિમાં ભોગ શબ્દ શા માટે પ્રયુક્ત કરવો જોઈએ ? ભોગ પણ આખરે તો એક પ્રતીતિવિશેષ જ છે. આમ ભટ્ટનાયક જો ભોગનો અર્થ ‘રસન’ એવો જ કરતા હોય તો એક જ્ઞાનરૂપ જ છે. ભટ્ટનાયકે ભાવના અને ભોજકતા બે વ્યાપારો સ્વીકારીને ગૌરવદોષ વહોરી લીધો છે. કારણ કે ખરેખર તો ભાવનાવ્યાપાર ગુણાધાન અને દોષહાનરૂપ છે, જેને આનંદવર્ધને ઓછું મહત્વ આપ્યું નથી. વળી વ્યંજનાવ્યાપાર દ્વારા જ રસપ્રતીતિ સિદ્ધ થાય છે તેથી ભોજકત્વ અથવા ભોગીકરણને જુદાં માનવાની જરૂર નથી. ભટ્ટનાયકે માની લીધું કે રસાભિવ્યક્તિ ઘટની જેમ પૂર્વસિદ્ધ છે, પણ રસની અભિવ્યક્તિ તો ‘વિભાવાદિજીવિતાવધિ’ = તત્કાળપૂરતી જ છે. સ્ફોટના સંદર્ભમાં વૈયાકરણોએ સિદ્ધ કરેલ પ્રક્રિયા ધ્વનિવાદીઓએ ધ્વનનવ્યાપારની સમજ માટે પ્રવર્તાવી એનો અર્થ રસને પણ પૂર્વસિદ્ધ માનવો એ જરૂરી નથી. આ સૂક્ષ્મતા ન સમજવાથી ભટ્ટનાયકે આક્ષેપ કરવાની ક્ષતિ કરી. વળી ચિત્તની દ્રુતિ, વિસ્તાર અને વિકાસ એટલી ત્રણ જ અવસ્થાઓ શા માટે ? જેટલા રસ હોય તેટલી અવસ્થા સંભવી શકે.
અભિનવગુપ્તનો અભિવ્યક્તિવાદ : અભિનવગુપ્ત પોતાનો મત ખૂબ જ સુંદર રીતે તથા ઊંડાણથી રજૂ કરે છે. સૌપ્રથમ તો રસ કાવ્યાર્થ છે. અહીં અર્થ શબ્દ અભિધેયવાચી નહિ, પણ પ્રયોજનવાચી છે. કાવ્યાર્થ એટલે કાવ્યનું પ્રયોજન તે જ રસ છે – એમ અભિનવ ભારપૂર્વક સમજાવે છે.
સાધારણીકરણ – આચાર્ય લોલ્લટના આરોપવાદ અને શંકુકના અનુમિતિવાદમાં તાટસ્થ્ય અને આત્મગતત્વના દોષો આવે છે. તે દૂર કરવા માટે ભટ્ટનાયકે સાધારણીકરણ શબ્દ સર્વપ્રથમ આપ્યો છે, જેનો આચાર્ય અભિનવગુપ્ત પણ સ્વીકાર કરે છે. ભટ્ટનાયકના ભાવકત્વ અને ભોજકત્વ વ્યાપારને અભિનવગુપ્ત સ્વીકારતા નથી.
સહૃદય કાવ્ય કે નાટકના અભિધાથી મળતા અર્થનું ગ્રહણ કરે છે તે પછી ભટ્ટનાયકના મતે ભાવકત્વ વ્યાપાર દ્વારા સહૃદયમાં સત્વની પ્રધાનતા ઉત્પન્ન થાય છે. એટલે હું અને બીજાનો ભેદ સહૃદયમાં રહેતો નથી. કાવ્ય કે નાટકના વિશેષ પ્રસંગમાં પાત્રને પોતાના વ્યક્તિત્વથી સંબદ્ધ પણ સમજતો નથી કે અસંબદ્ધ પણ સમજતો નથી અને પાત્રને બદલે સામાન્ય યુવકને સમજે છે. આ ભાવો મૂળ પાત્રના નથી, મારા નથી, પરંતુ સામાન્ય યુવકના છે, એમ માનવાની ક્રિયાને સાધારણીકરણ કહે છે. ‘કાવ્યપ્રદીપ’ના લેખક ગોવિંદ ઠક્કુરના શબ્દોમાં, કાવ્ય કે નાટકની વિશિષ્ટ નાયિકાનું સામાન્ય રીતે કામિની રૂપે ગ્રહણ થવું એનું નામ સાધારણીકરણ અથવા સાધારણીભવન છે. એ પછી ભટ્ટનાયકના મતે ભોજકત્વના વ્યાપાર દ્વારા સહૃદય પોતાના મનમાં જાગેલા ભાવોનું રસાસ્વાદન કરે છે. આચાર્ય અભિનવગુપ્ત સાધારણીકરણના બે સ્તર માને છે. એક સ્તરમાં વિભાવાદિ સાથે સ્થાયી ભાવનું સાધારણીકરણ થાય છે અને બીજી બાજુ સામાજિક સાથે અનુભૂતિનું સાધારણીકરણ થાય છે. ‘આ મારા’ અને ‘આ બીજાના’ એવો ભેદ નાશ પામી બંને તાદાત્મ્ય પામી સર્વસામાન્યતા પામે તે સાધારણીકરણ છે.
રસસ્વભાવ : રસસ્વભાવ માનસી પ્રતીતિ છે, જેમાં વ્યક્તિ, કાલ વગેરે તત્વોનો પરિહાર થાય છે. ग्रीवाभङ्गाभिरामम्o વગેરેમાં મૃગપોતક છે જેને વિશે વ્યક્તિ, દેશ, કાળ વગેરેનાં નિયંત્રણો હોતાં નથી. સાક્ષાત્ ભયાનક રસની પ્રતીતિ થાય છે. નિજસુખદુ:ખાદિ ભાવ દૂર થાય છે. પરિણામે હાનોપાદાનબુદ્ધિ હોતી નથી. આમ નિર્વિઘ્ના સંવિત્ અથવા પ્રતીતિ એ જ ‘ચમત્કાર’ છે. આ પ્રતીતિ શાકુન્તલમાં કાલિદાસે કહેલી જનનાન્તરની સ્મૃતિરૂપા પ્રતીતિ છે. આમ વીતવિઘ્નાપ્રતીતિગ્રાહ્ય ભાવ તે જ રસ છે. આ પ્રતીતિ मिलयोगी, અમિતયોગીના જ્ઞાનથી અને સવિકલ્પજ્ઞાન તથા નિર્વિકલ્પજ્ઞાનથી સર્વથા જુદી છે. ખરેખર તો આમાં ચર્વણાની નિષ્પત્તિ થાય છે. સ્વપરભાવ તિરોહિત થાય છે. તેથી વિભાવાદિ કારક કે જ્ઞાપક નથી. કારણો દૂર થતાં રસરૂપી કાર્ય થતું નથી. રસ આનંદાત્મક છે. ‘आनन्दरूपता सर्वरसानाम्’ પરંતુ નાટ્યદર્પણકાર રામચન્દ્રે અને ગુણચન્દ્રે રસને સુખદુ:ખાત્મક સ્વીકારી નવો ચીલો પાડ્યો છે. તેમના મત પ્રમાણે સ્થાયી ભાવ વિભાવ અને વ્યભિચારીથી ઉત્કર્ષ પામે છે અને સ્પષ્ટ અનુભાવથી નિશ્ચિત થાય છે. રસ સુખદુ:ખાત્મક છે. શૃંગાર, હાસ્ય, વીર, અદભુત અને શાંત પાંચ સુખાત્મક છે, જ્યારે રૌદ્ર, કરુણ, ભયાનક અને બીભત્સ 4 દુ:ખાત્મક છે. કવિ-નટના કૌશલ્યથી ચમત્કારને બળે પ્રેક્ષકોને આનંદ થાય છે. બાકી તો રસનો મૂળ સ્વભાવ સુખદુ:ખાત્મક છે. જોકે મોટે ભાગે આચાર્યોનો ઝોક રસને કેવળ સુખાત્મક-આનંદાત્મક માનવા તરફ રહ્યો છે.
અભિનવગુપ્તના રસવિચારને પાછળથી મમ્મટ, હેમચન્દ્ર, વિશ્વનાથ તથા જગન્નાથ જેવા આલંકારિકોએ અને મમ્મટના ટીકાકારોએ અનુમોદન આપ્યું છે. જગન્નાથે શ્રીવત્સલાંછન ભટ્ટાચાર્ય વગેરે પ્રમાણે વેદાન્તની પરિભાષામાં રસમીમાંસા કરી છે. અજ્ઞાનનું આવરણ ચિદાત્મા પરથી દૂર થતાં સહૃદય અપરિમિત પ્રમાતૃભાવ પામે છે અને પોતાના આનંદસ્વરૂપની સાથે વાસના રૂપે રહેલ રત્યાદિ સ્થાયીને ભાવક આસ્વાદે છે. આમ સહૃદયગત ચિદાનંદરૂપ વ્યંજિત-રત્યાદિ એ જ રસ.
રસવિઘ્નો : રસાનુભૂતિમાં કવિ અને ભાવકપક્ષે જે બાધક તત્વ છે, તેને આચાર્યો રસવિઘ્ન તરીકે ઓળખે છે. બંને પક્ષે મળીને કુલ 7 રસવિઘ્નો ગણાવાયાં છે.
(1) સંભાવનાવિરહ – એટલે પ્રતીતિને વિશેની અયોગ્યતા. વર્ણ્ય-વસ્તુ જ અસંભવિત લાગે તો રસપ્રતીતિ શી રીતે થાય ? આ કવિપક્ષે રહેલું વિઘ્ન છે. (2) સામાજિક જ્યારે રાગ-દ્વેષથી યુક્ત થાય ત્યારે સાધારણીકરણ સિદ્ધ ન થાય. દેશકાળ વગેરેના સંદર્ભમાં. (3) ત્રીજું વિઘ્ન ભાવકપક્ષે જ છે. તે પોતાનાં જ સુખદુ:ખાદિથી વિવશ હોય તો ચેતના પર આવરણ આવી જાય છે તેથી સાધારણીકરણ સિદ્ધ થતું નથી. (4) કલાકૃતિ સ્વયં દોષયુક્ત હોય. (5) સ્ફુટત્વનો અભાવ નાટ્યકારે પ્રત્યક્ષકલ્પ રચના ન રચી હોય તો આ દોષ આવે છે. (6) અપ્રધાનતા – જેમાં મુખ્ય કથાનક પર ભાર મૂકવામાં આવતો નથી. મુખ્ય રસની હાનિ થતાં સંશયરૂપ વિઘ્ન ઉત્પન્ન થાય છે. (7) અને યોગ્ય વિભાવાદિ સામગ્રીના અભાવમાં સાતમું વિઘ્ન ઊભું થાય છે.
રસોનો પરિચય : ભરતે રસની સંખ્યા નાટ્યમાં આઠ માની છે. તેમણે (1) શૃંગાર, (2) હાસ્ય, (3) કરુણ, (4) રૌદ્ર, (5) વીર, (6) ભયાનક, (7) બીભત્સ અને (8) અદભુત એ આઠ રસોને વિસ્તારથી રજૂ કર્યા પછી નવમા શાંત રસનો અછડતો નિર્દેશ કર્યો છે. પાછળથી દસમો વત્સલ રસ કેટલાકે સ્વીકાર્યો છે. અગિયારમો ભક્તિરસ જૂજ આચાર્યો સ્વીકારે છે.
શૃંગાર રસ પ્રથમ અને મહત્વનો હોવાથી તેને રસરાજ કહ્યો છે. તેનો સ્થાયી ભાવ રતિ છે. તેનો યોગ ઉત્તમ પાત્રો સાથે હોય છે. આ રસના દેવ વિષ્ણુ છે અને રંગ કાળો છે, પરંતુ વેષ ઉજ્જ્વળ છે. નાયક અને નાયિકા શૃંગાર રસના આલંબન વિભાવ છે. ચંદ્ર અને ચંદન વગેરે ઉદ્દીપન વિભાવ છે. પ્રેમાલાપ, રોમાંચ વગેરે તેના અનુભાવ છે. મદ, શ્રમ વગેરે વ્યભિચારી ભાવ છે. આ રસ અત્યંત સુકુમાર હોવાથી સહેજ અનૌચિત્ય આવતાં જ તે રસ રહેતો નથી. ભોજ શૃંગાર એ એક જ રસને માને છે.
હાસ્યરસ શૃંગારમાંથી ઉત્પન્ન થયેલો રસ છે. શિવના ગણો આ રસના દેવ છે અને આ રસનો રંગ શ્ર્વેત છે. હાસ્યરસનો સ્થાયી ભાવ હાસ છે. વિકૃત વેશ અને અલંકાર, કલહ, અસત્પ્રલાપ વગેરે આ રસના વિભાવ છે. હોઠ કરડવા, નાક અને કપાળ હલાવવાં વગેરે હાસ્યરસના અનુભાવ છે. આળસ, અસૂયા વગેરે તેના વ્યભિચારી ભાવો છે. ઉત્તમ પાત્રમાં સ્મિત અને હસિત, મધ્યમ પાત્રમાં વિહસિત અને ઉપહસિત, અધમ પાત્રમાં અવહસિત અને અતિહસિત એવા તેના છ પ્રકારો ભરતે નાટ્યશાસ્ત્રમાં ગણાવ્યા છે.
કરુણ રસ રૌદ્ર રસમાંથી ઉત્પન્ન થયો છે. આ રસનો સ્થાયી ભાવ શોક છે. તેનો રંગ કબૂતર જેવો છે અને તેના દેવ યમ છે. ઇષ્ટનો નાશ અને અનિષ્ટની પ્રાપ્તિ વગેરે આ રસના વિભાવો છે. આંસુ, વિલાપ, નિસાસા વગેરે તેના અનુભાવો છે. નિર્વેદ, ગ્લાનિ, ચિંતા વગેરે તેના વ્યભિચારી ભાવો છે. નાટ્યકાર ભવભૂતિ કરુણ એ એક જ રસ છે એમ કહે છે. કરુણ રસમાં નાયક અને નાયિકામાંથી એકનું મૃત્યુ થાય છે તેથી વિયોગ કાયમી હોય છે, જ્યારે વિપ્રલંભ શૃંગારમાં વિયોગ ચોક્કસ સમય સુધી હોય છે એટલે નાયક અને નાયિકા બંને જીવિત હોય છે. રામચંદ્ર, ગુણચંદ્ર વગેરેના મતે કરુણ રસથી સહૃદયને દુ:ખ થાય છે. વાસ્તવિક જગતમાં બનતો કરુણ પ્રસંગ દુ:ખદ છે, પરંતુ કાવ્યમાં વર્ણવેલા અને નાટકમાં અભિનીત કરુણ રસના પ્રસંગથી આનંદ થાય છે એવો મત ઘણા આચાર્યો ધરાવે છે.
રૌદ્ર રસનો સ્થાયી ભાવ ક્રોધ છે. રૌદ્ર રસના દેવ રુદ્ર છે અને રંગ લાલ છે. રાક્ષસ, દૈત્ય અને ઉદ્ધત મનુષ્યોમાં રૌદ્ર રસ ઉત્પન્ન થાય છે. શત્રુ વગેરે રૌદ્ર રસના આલંબન વિભાવ છે. શત્રુ વડે અપમાન, અપકાર, કઠોર વચન વગેરે તેના ઉદ્દીપન વિભાવ છે. આંખ અને મોં લાલ થવાં, શત્રુને પડકાર, ગર્જના વગેરે રૌદ્ર રસના અનુભાવો છે. ઉગ્રતા, મદ, અમર્ષ વગેરે રૌદ્ર રસના વ્યભિચારી ભાવો છે. વીર અને રૌદ્ર રસનાં આલંબનો એક જ હોય છે, પરંતુ વીર રસમાં રહેલાં ઉત્સાહ, સ્ફૂર્તિ અને પ્રમોદ રૌદ્ર રસમાં ન હોવાથી બંને રસ જુદા પડે છે. રૌદ્રને મુખ્ય રસ ભરતે ગણ્યો છે, કારણ કે તેમાંથી કરુણ રસ જન્મે છે.
ભરત વીર રસને શૃંગાર અને રૌદ્ર જેવો મુખ્ય રસ ગણે છે, કારણ કે વીર રસમાંથી અદભુત રસ ઉત્પન્ન થાય છે. ઉત્સાહ વીર રસનો સ્થાયી ભાવ છે. વીર રસનો રંગ સોનેરી અને વીર રસના દેવ ઇન્દ્ર છે. વીર રસ ઉત્તમ પાત્રોમાં જ રહેલો હોય છે. શત્રુ વીર રસનો આલંબન વિભાવ છે. શત્રુ દ્વારા કરવામાં આવેલાં કાર્યો વીર રસનો ઉદ્દીપન વિભાવ છે. શત્રુને પડકાર, ગર્જના વગેરે આ રસના અનુભાવો છે. ઉગ્રતા, મદ, અમર્ષ વગેરે આ રસના વ્યભિચારી ભાવો છે. વીર રસમાં ઉત્સાહ, સ્ફૂર્તિ અને પ્રમોદ રહેલાં હોય છે, તેથી રૌદ્ર રસથી તે અલગ પડે છે. વળી વીર રસમાં ક્રોધનું નામ જ નથી હોતું. ફક્ત યુદ્ધવીર પ્રકારમાં અમર્ષ હોય છે, અન્ય પ્રકારોમાં ક્રોધનું નામ જ નથી હોતું. ભરતમુનિએ (1) દાનવીર, (2) યુદ્ધવીર, (3) ધર્મવીર – એ વીર રસના ત્રણ પ્રકારો ગણાવ્યા છે. ભોજ અને વિશ્વનાથ વગેરે દયાવીર પણ માને છે; જ્યારે જગન્નાથ તો પાંડિત્યવીર, સત્યવીર, બલવીર, ક્ષમાવીર વગેરે વીર રસના પ્રકારો ગણાવે છે.
ભરત ભયાનક રસને ગૌણ રસ માને છે, કારણ કે એ બીભત્સ રસમાંથી ઉત્પન્ન થયો છે. ભયાનક રસનો સ્થાયી ભાવ ભય છે. આ રસનો રંગ કાળો છે અને આ રસના દેવ કાળ છે. આ રસ બાળક, સ્ત્રીઓ, બીકણ મનુષ્યો અને નીચ પાત્રોમાં રહેલો હોય છે. શત્રુ, હિંસક પ્રાણી, નિર્જન સ્થળ વગેરે ભયાનક રસના આલંબન વિભાવ છે. ભયાનક રસના અનુભાવ સ્વેદ, કંપ, આંસુ વગેરે છે. ત્રાસ, મોહ, ચિંતા વગેરે આ રસના વ્યભિચારી ભાવ છે. આ રસના (1) સ્વનિષ્ઠ ભયાનક અને (2) પરનિષ્ઠ ભયાનક એવા બે પ્રકારો ભાનુદત્ત જેવા પાછળના આચાર્યો માને છે, પરંતુ ભરતમુનિએ તેના પ્રકારો ગણાવ્યા જ નથી.
બીભત્સ રસ ભરતના મતે મુખ્ય રસ છે, કારણ કે બીભત્સ રસમાંથી ભયાનક રસની ઉત્પત્તિ થઈ છે. બીભત્સ રસનો સ્થાયી ભાવ જુગુપ્સા છે. બીભત્સ રસનો રંગ નીલ છે. આ રસના દેવ મહાકાળ છે. અહૃદ્યદર્શન, અનિષ્ટદર્શન વગેરે આ રસના આલંબન-વિભાવ છે. મોં અને આંખો સંકોચવી, વમન વગેરે આ રસના અનુભાવો છે, મોહ, અપસ્માર અને વ્યાધિ વગેરે બીભત્સ રસના વ્યાભિચારી ભાવો છે. ભરત મુનિએ બીભત્સ રસના (1) ક્ષોભજ, (2) શુદ્ધ અને (3) ઉદ્વેગી – એવા ત્રણ પ્રકારો ગણાવ્યા છે. પાછળથી ભાનુદત્તે તેના (1) સ્વનિષ્ઠ બીભત્સ અને (2) પરનિષ્ઠ બીભત્સ – એવા બીજા બે પ્રકારો ગણાવ્યા છે.
અદભુત રસ ગૌણ રસ છે, કારણ કે તે વીર રસમાંથી ઉત્પન્ન થયેલો છે. અદભુત રસનો સ્થાયી ભાવ વિસ્મય છે. અદભુત રસનો રંગ પીળો છે અને તેના દેવ બ્રહ્મા છે. અલૌકિક વાણી, કાર્ય અને રૂપ અદભુત રસના આલંબન વિભાવ છે. અલૌકિકતાના ગુણોનું વર્ણન આ રસનો ઉદ્દીપન વિભાવ છે. ટીકીને જોવું, આંખ પહોળી થવી અને રોમાંચ વગેરે આ રસના અનુભાવો છે. વિતર્ક, હર્ષ, ઔત્સુક્ય વગેરે આ રસના વ્યભિચારી ભાવો છે. (1) દૃષ્ટ અદભુત, (2) શ્રુત અદભુત, (3) અનુમિત અદભુત અને (4) સંકીર્તિત અદભુત – એવા અદભુત રસના ચાર પ્રકારો માનવામાં આવ્યા છે. તમામ રસોમાં અદભુત રસનું તત્વ રહેલું હોવાથી અદભુત રસ સૌથી મહત્વનો હોવાના મતનો નિર્દેશ વિશ્વનાથે કર્યો છે. તે મત નારાયણ નામના તેમના પૂર્વજનો છે.
શાંત રસનો ભરત મુનિએ આછેરો નિર્દેશ જ નાટ્યશાસ્ત્રમાં કર્યો હોવાથી શાંત રસના સ્થાયી ભાવ વિશે પાછળના આચાર્યોમાં મતભેદો છે. કેટલાક શમને, કેટલાક નિર્વેદને, કેટલાક તત્વજ્ઞાનને શાંત રસનો સ્થાયી ભાવ માને છે. આચાર્યોના મતે શાંત રસનો રંગ સફેદ છે અને તેના દેવ નારાયણ છે. આ રસ ઉત્તમ પાત્રોમાં જ રહેલો હોય છે. જગતની અસારતા અને સંસારની અનિત્યતા વગેરે શાંત રસના આલંબન વિભાવ છે. વન, તીર્થ, એકાંત, સત્સંગ વગેરે આ રસના ઉદ્દીપન-વિભાવો છે. રોમાંચ અને ગદગ થઈ જવું વગેરે આ રસના અનુભાવો છે. હર્ષ, સ્મરણ અને દયા વગેરે શાંત રસના વ્યભિચારી ભાવો છે. કેટલાકના મતે શાંત રસ અભિનેય નથી, જ્યારે કેટલાક તેને અભિનેય માને છે.
વાત્સલ્ય રસને ગણતરીના આચાર્યોએ સ્વીકાર્યો છે. ભરતે તેનું નામ પણ આપ્યું નથી. સર્વપ્રથમ ભોજ, એ પછી વિશ્વનાથ તેને સ્વીકારે છે. તેઓ વાત્સલ્ય રસનો સ્થાયી ભાવ વાત્સલ્ય કે વત્સલતા છે એમ કહે છે. કેટલાક આચાર્યો તેને શૃંગાર રસમાં સમાવે છે, તો કેટલાક તેને પુત્રાદિવિષયક રતિભાવ માને છે. વાત્સલ્ય રસનો આલંબન વિભાવ પુત્ર વગેરે છે. પુત્રાદિની વિદ્યા, દયા વગેરે આ રસનો ઉદ્દીપન વિભાવ છે. રોમાંચ, માથું સૂંઘવું, આનંદાશ્રુ વગેરે વાત્સલ્ય રસના અનુભાવો છે. હર્ષ, ગર્વ, આવેગ વગેરે આ રસના વ્યભિચારી ભાવો છે. વાત્સલ્ય રસનો રંગ સફેદ છે અને એનાં દેવતા જગદંબા છે એમ વિશ્વનાથ કહે છે.
ભક્તિ રસને સ્વીકારનારા ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના મધુસૂદન સરસ્વતી અને રૂપ ગોસ્વામી – એ બે જ આચાર્યો છે. તેમના મત મુજબ ભક્તિ રસના આલંબન-વિભાવ ભગવાન છે. ભાગવત અને પુરાણાદિની કથાનું શ્રવણ ઉદ્દીપન-વિભાવ છે. અશ્રુપાત, રોમાંચ વગેરે આ રસના અનુભાવો છે. ભક્તની ભગવાન પ્રત્યેની ભક્તિ એ ભક્તિ રસનો સ્થાયી ભાવ છે. ભરતથી જગન્નાથ સુધીના આચાર્યો ભક્તિ રસને સ્વીકારતા નથી. ભરતે ભક્તિ રસનો નિર્દેશ જ કર્યો નથી. અભિનવ ભક્તિ રસને માનવા ના પાડે છે. મમ્મટ ભક્તિને દેવાદિવિષયક રતિભાવ માને છે. જગન્નાથ તેનો નિર્દેશ કરે છે, પરંતુ ભરતની રસ વિશેની વ્યવસ્થા તૂટી પડે અને અન્ય નવા રસો માનવા પડે માટે ભક્તિ રસને માનવા ના પાડે છે. અલબત્ત, મધુસૂદન સરસ્વતીએ ‘ભક્તિરસાયન’માં અને રૂપ ગોસ્વામીએ ‘હરિભક્તિરસામૃતસિંધુ’માં ભક્તિ રસની સ્થાપના કરી છે અને ભક્તિ રસને બધા જ રસોમાં શ્રેષ્ઠ માન્યો છે. તેમણે ભક્તિ રસના (1) પરાકોટિ ભક્તિ અને (2) અપરાકોટિ ભક્તિ એવા બે પ્રકારો પણ આપ્યા છે.
કાવ્યવાચન કે નાટ્યદર્શન દ્વારા જે આનંદની અનુભૂતિ થાય છે તે જ રસ છે અને બધા રસોમાં એ આનંદાનુભૂતિ જ સામાન્ય અને પ્રમુખ છે તેથી તેને ‘મહારસ’ના નામે અભિનવગુપ્ત ઓળખે છે. વિવિધ રસોનો વ્યાપાર જોતાં તેના મૂળમાં એક જ રસ છે અને તેથી ભરતે ‘રસ’ શબ્દ એકવચનમાં પ્રયોજ્યો જણાય છે. ભવભૂતિએ ‘एको रसः करण एव।’ એમ કરુણને, ભોજે શૃંગારને, વિશ્વનાથના પ્રપિતામહ નારાયણે અદભુત રસને, મધુસૂદન સરસ્વતીએ ભક્તિ રસને અને વિશ્વનાથે શાંત રસને પ્રાધાન્ય આપ્યું.
અભિનવગુપ્ત ‘રસ’ની તાત્વિક ભૂમિકાને પોતાની વિચારણામાં કેન્દ્રસ્થાને રાખી सर्वे रसाः शान्तप्रायाः – સર્વ રસોની પરિણતિ આનંદધર્મી શમમાં હોવાનું જણાવે છે. એમાં રસતત્વની અનિર્વચનીયતાનો સ્વીકાર-પુરસ્કાર સ્પષ્ટ છે.
પારુલ માંકડ
પ્ર. ઉ. શાસ્ત્રી