રશોમોન : ચલચિત્ર. ભાષા : જાપાની. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1950. નિર્માતા : જિંગો મિનોરા. પટકથા : અકિરા કુરોસાવા અને શિનોબુ હાશિમોટો. કથા : રિયોનોસુકે અકુટાગાવાની નવલકથા ‘રશોમોન’ અને ટૂંકી વાર્તા ‘યાબુ નો નાકા’ પર આધારિત. છબિકલા : કાઝુઓ મિયાગાવા. કળા-નિર્દેશન : સો માત્સુયામા. સંગીત : ફુમિયો હાયાસાકા. મુખ્ય કલાકારો : તોશિરો મિફ્યુન, માચિકો ક્યો, માસાયુકી મોરી, તકાશી શિમુરા, મિનોરુ ચિયાકી, કિચિજિરો ઉએડા.
દરેક માણસનું સત્ય તેનું પોતાનું હોય છે અને તે બીજાને લાગુ પાડી શકાય નહિ એવો નિષ્કર્ષ કાઢતું જાપાની ચલચિત્ર. ‘રશોમોન’નાં ચલચિત્ર-નિર્માણ સંબંધિત તમામ પાસાં એટલાં નોંધપાત્ર હતાં કે દુનિયાભરમાં પહેલી વાર જાપાની ચલચિત્રો તરફ સૌનું ધ્યાન ખેંચાયું. ચિત્રની વાર્તાનો સમયગાળો આઠમી સદીના જાપાનનો છે. ક્યોટોમાં એક વ્યક્તિની નજર સામે જ તેની પત્ની પર બળાત્કાર કરવામાં આવે છે અને પછી પતિની હત્યા થાય છે. બળાત્કાર અને હત્યાનો જેના પર આરોપ છે તે લૂંટારો તાજોમારુ, ઘટનાને જોનારો કઠિયારો, બળાત્કારનો ભોગ બનેલી માસાગો અને ખુદ પતિ – આ ચારેય જણાં ઘટના સાથે સંકળાયેલાં છે અને ચારેયનાં બયાન જુદાં જુદાં છે. વરસાદી તોફાનમાં ફસાયેલો કઠિયારો તેના એક મિત્રને પોતે કઈ રીતે તાકેચિરો નામના એક માણસનો મૃતદેહ જોયો હતો તેની વાત કરે છે. આરોપી તાજોમારુ આ ઘટના વિશે કહે છે કે એ એક દ્વંદ્વ હતું. બળાત્કારનો ભોગ બનેલી માસાગો એવું બયાન આપે છે કે તેના પર બળાત્કાર થયા પછી જ્યારે તેના પતિએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો ત્યારે પોતે જ તેની હત્યા કરી નાંખી હતી. જ્યારે પતિએ પત્ની પર બળાત્કારની ઘટના અને પછી પોતે તેને ન સ્વીકારવાના દુ:ખથી ત્રસ્ત થઈને આપઘાત કરી લીધો હોવાનું પણ બહાર આવે છે. કઠિયારો જોકે સોગંદ ખાવા તૈયાર છે કે તાકેચિરોને લડવા માટે મજબૂર કરાયો હતો અને તાજોમારુએ જે કર્યું એ તેના સ્વબચાવ માટે કર્યું હતું. જોકે કઠિયારાનું બયાન પણ માની શકાય તેવું લાગતું નથી, એટલે જેની સામે આ બધાં બયાનો થાય છે તે પૂજારી મૂંઝવણમાં મુકાઈ જાય છે, પણ તરછોડાયેલા મળી આવેલા એક બાળકને કઠિયારો જ્યારે ગોદ લેવા તૈયાર થઈ જાય છે ત્યારે તેનો વિશ્વાસ પુન: સ્થાપિત થાય છે.
જાપાની દિગ્દર્શક અકિરા કુરાસાવાનું આ ચિત્ર તેના કથાનકની શૈલી, રજૂઆત, છબિકલાના નવીન પ્રયોગો વગેરે બાબતોને કારણે નોંધપાત્ર બન્યું હતું અને દુનિયાભરના અનેક ચિત્રસર્જકો વર્ષો સુધી તેનાથી પ્રભાવિત રહ્યા હતા. 1951માં વેનિસ ચિત્રમહોત્સવમાં ‘રશોમોન’ને ‘ગોલ્ડન લાયન’ પારિતોષિક મળ્યું હતું. એ વર્ષે શ્રેષ્ઠ વિદેશી ચિત્રનો ઑસ્કર ઍવૉર્ડ પણ મળ્યો હતો. આ ચિત્ર પરથી 1964માં હૉલિવુડમાં ‘ધી આઉટરેજ’ નામનું અંગ્રેજી ચિત્ર બન્યું હતું. તેનું દિગ્દર્શન માર્ટિન રિટે કર્યું હતું.
હરસુખ થાનકી