રશિયન મ્યુઝિયમ : સેંટ પીટર્સબર્ગમાં આવેલું રશિયન કલાના સંગ્રહનું અગત્યનું મ્યુઝિયમ.
ઓગણીસમી સદીના પ્રારંભમાં સ્થપતિ કાર્લો રોસીએ સેંટ પીટર્સબર્ગમાં એક મહેલ બાંધવો શરૂ કરેલો. ‘મિખાઇલૉવ્સ્કી પૅલેસ’ નામ ઓળખાતા આ મહેલનું બાંધકામ 1823માં પૂરું થયેલું. 1891માં આ મહેલ ‘રશિયન મ્યુઝિયમ’માં ફેરવાયો અને ત્યાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન રશિયન કલાની કૃતિઓ જાહેર જનતાના દર્શનાર્થે સંઘરવામાં આવી. હાલમાં અહીં કુલ 3 લાખ 15 હજાર કલાકૃતિઓ છે.
પ્રાચીન કલાકૃતિઓના વિભાગમાં મહાન રશિયન ચિત્રકારો થિયૉફેન્સ ધ ગ્રીક (14મી સદી), આન્દ્રેઇ રુબ્લિયૉવ (15મી સદી) અને સાયમન ઉશાકૉવ(17મી સદી)ની કૃતિઓ સચવાઈ છે. તેમાં ‘એન્જલ વિથ ગોલ્ડન હેર’ (12મી સદી) અને ‘સેંટ જૉર્જ સ્લેઇન્ગ ધ ડ્રૅગન’ (15મી સદી) જેવી વિરલ કૃતિઓ સમાવેશ પામે છે.
મધ્યયુગીન વિભાગમાં પશ્ચિમ યુરોપના પ્રભાવે રશિયન કલામાં જન્મેલો વાસ્તવદર્શી નિરૂપણનો ઉત્કૃષ્ટ આવિષ્કાર જોઈ શકાય છે. તેમાં અઢારમી સદીના રશિયન ચિત્રકારો ઇવાન વૅશ્નિયાકૉવ, ફિયૉડૉર રોકોટૉવ, દ્મીત્રી લૅવિટ્સ્કી, વ્લાદિમીર બોરોવિકૉવ્સ્કી અને શિલ્પિયૉ ફેડોટ શુબીન અને ફિયૉડૉસી શ્ચૅંદ્રીનની શ્રેષ્ઠ કૃતિઓ સમાવેશ પામે છે. અઢારમી સદીના રશિયન ચિત્રકાર કાર્લ બ્રિયુલૉવે ચીતરેલું વિરાટ કદનું ભવ્ય ચિત્ર ‘ધ લાસ્ટ ડે ઇન પૉમ્પેઇ’ પણ અહીં જ છે. તેમાં જ્વાળામુખીના વિસ્ફોટથી બેબાકળા બનેલા ગભરાઈ ગયેલા નાગરિકોની ભાગદોડ, તેમજ નીચે ખાબકતી ઇમારતો અને જ્વાળામુખમાંથી ફેંકાતા ખડકો નીચે તેમજ એકમેકના પગ તળે કચડાઈને મરી જતાં માણસોનાં અરેરાટીભર્યાં મોત ચીતરવામાં આવ્યાં છે. ઓગણીસમી સદીના બીજા ચિત્રકારો વાસિલી પેરૉવ, નિકોલાઇ ગે, ઇવાન ક્રૅમોવ્સ્કી, ઇલ્યા રૅપિન, વાસિલી સુરિકોવનાં ચિત્રો પણ અહીં છે. તેમાં ઇલ્યા રૅપિનનાં ચિત્રો ‘ધ ઝેપોરોઝયે કોસેક્સ રાઇટિન્ગ એ મૉકિન્ગ લેટર ટુ ધ તુર્કિશ સુલતાન’ અને ‘ધ વૉલ્ગા બોટમૅન’ પ્રખ્યાત છે. ચિત્રકારો આઇઝેક લૅવિર્ટન, ઇવાન ઍઇવેઝૉવ્સ્કી અને ઇવાન શિશ્કીનનાં નિસર્ગચિત્રો તેમજ ઓગણીસમી સદીના અંતના અને વીસમી સદીના પ્રારંભના ચિત્રકારોનાં ચિત્રો પણ અહીં છે. તેમાં વાલેન્તિન સેરૉવ, કૉન્સ્ટન્ટિન કોરોવિન, મિખાઇલ વ્રૂબેલ, ફિયૉડૉર મેલિયાવિન, મિખાઇલ નેસ્ટેરૉવ, બોરિસ કુસ્ટોડિયેવ, ઍલેક્ઝાન્ડર બેનોઇસ, કૉન્સન્ટિન સોમૉવ તથા ભારત જઈ વસેલા નિકોલસ રોરિકનાં ચિત્રો સમાવેશ પામે છે.
આધુનિક વિભાગમાં સોવિયેત સત્તાકાળ દરમિયાન કાર્યરત કલાકારોની કૃતિઓ સચવાઈ છે. તેમાં ચિત્રકારો અને શિલ્પકારો કુઝ્મા પટ્રોવ-વૉડ્કીન, કૉન્સ્ટન્ટિન યુઓન, એર્કેડી રીલૉવ, આઇગૉર ગ્રેબાર, ઍલેક્ઝાન્ડર ડીનેકા, એર્કેડી પ્લૅસ્ટૉવ, યેવેસેઇ મોઇસેયૅન્કો, આન્દ્રેઇ મિલ્નિકૉવ સમાવેશ પામે છે.
અમિતાભ મડિયા