રશિયન ચલચિત્ર : સોવિયેત સંઘ જ્યારે અખંડ હતું ત્યારે તેનાં 15 જેટલાં ગણરાજ્યોમાં જે ચિત્રોનું નિર્માણ થતું તે મોટા ભાગે રશિયન ચિત્રો કે સોવિયેત ચિત્રો તરીકે ઓળખાતાં, પણ સોવિયેત સંઘનું વિભાજન થયા બાદ ગણરાજ્યોનું પોતાનું અલગ અસ્તિત્વ છે અને તેમનો પોતાનો નોખો ચલચિત્ર-ઉદ્યોગ છે. સોવિયેત સંઘમાં નિર્માણ પામેલાં રશિયન ચિત્રોનો ઇતિહાસ મહત્વપૂર્ણ રહ્યો છે. પ્રારંભે સોવિયેત સંઘમાં વિદેશી ચિત્રો છવાયેલાં રહ્યાં હતાં. 1917 સુધીમાં ત્યાં 17 જેટલી ચિત્રનિર્માણ-કંપનીઓ સ્થાપિત થઈ ચૂકી હતી, પણ રશિયન ચલચિત્ર નામનું કોઈ સ્પષ્ટ સ્વરૂપ બહાર આવ્યું નહોતું. 1917માં થયેલી ઑક્ટોબર ક્રાંતિ રશિયન ચિત્રોના ઇતિહાસમાં પણ નિર્ણાયક સાબિત થઈ હતી. એ સમય સુધી નિર્માણ પામેલાં મોટાભાગનાં ચિત્રોમાં સાહિત્યિક કૃતિઓ પર આધારિત ચિત્રોની સંખ્યા વધુ હતી. પુશ્કિન અને તૉલ્સ્તૉય ખૂબ જ લોકપ્રિય હતા. તેમની કથાઓ પર આધારિત ચિત્રો સ્તારેવિચ, મેયરહોલ્ડ, યેલ્ગેની, બુએર, ઇર્મોલિયેવ, ખાન્ઝાકૉવ વગેરે સર્જકોએ બનાવ્યાં હતાં, પણ ઑક્ટોબર ક્રાંતિ પછી ચલચિત્ર-ઉદ્યોગ માટેની સરકારી નીતિઓમાં પરિવર્તન આવ્યું. રાજકીય દ્બાણો વધવાને કારણે બુકૉવસ્કી, ગ્રાનૉવસ્કી, પ્રોતોઝોનૉવ, તોરઝાન્સ્કી જેવા દિગ્દર્શકો પૅરિસ, બર્લિન કે હૉલિવુડ જતા રહ્યા.
બૉલ્શેવિક સરકારે રાજ્ય શિક્ષણ-પંચની અંતર્ગત ચલચિત્ર-વિભાગ સ્થાપિત કર્યો હતો. 1918માં ક્રાંતિની પહેલી વર્ષગાંઠે જે ત્રણ ચિત્રોનું નિર્માણ કરાયું, તેના પરથી ચિત્ર-ઉદ્યોગ પર છવાઈ રહેલા સરકારી દૃષ્ટિકોણનો ખ્યાલ આવે છે. આ ત્રણ ચિત્રો હતાં ‘સિગ્નલ’ (દિ. એ. અર્કાતૉવ), ‘અન્ડરગ્રાઉન્ડ’ (દિ. કાસ્યાનૉવ) અને ‘અપરાઇઝિંગ’ (દિ. રાઝુમ્ની). રાજકીય રીતે લોકોને પોતાના સિદ્ધાંતો અને વિચારોની જાણ કરવા માટે અને તેમને શિક્ષિત કરવાના ઉદ્દેશથી એ સમયે જે ચિત્રો બનાવાયાં, તે ‘એજિત્કી’ અથવા ‘એજિત પ્રૉપેગેન્ડા’ તરીકે ઓળખાયાં. ‘ડેર ડેવિલ’ અને ‘ફૉર ધ રેડ નંબર’ નોંધપાત્ર એજિત્કી ચિત્રો છે.
1920ના જાન્યુઆરીમાં સોવિયેત સંઘમાં ચલચિત્ર-ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરી દેવાયું હતું. આ જ વર્ષોમાં વિવિધ રાષ્ટ્રોએ સોવિયેત સંઘની નાકાબંધી કરી દેવાને કારણે અહીંના ચિત્ર-ઉદ્યોગ પર વિપરીત અસર પડી હતી. 1921માં ગૃહયુદ્ધ પૂરું થયું ત્યાં સુધીમાં તો ચિત્ર-ઉદ્યોગ સંપૂર્ણપણે પડી ભાંગ્યો હતો. એ પછી લેનિનની નવી નીતિઓ અમલી બની. તે પછી સ્થિતિમાં કંઈક સુધારો થયો. વિદેશ-વ્યાપારની તકો વધવાને કારણે એકાએક ચલચિત્રોની આયાત વધી ગઈ. જોકે 1925માં સાવકિનો ટ્રસ્ટ મારફતે સરકારે ચિત્ર-ઉદ્યોગ પર નિયંત્રણ જારી રાખ્યું હતું. ખરું જોતાં રશિયન ચિત્રો માટે આ પાંચ-છ વર્ષ કલાત્મક સંક્રમણ, શક્તિસંચય અને આર્થિક પુનર્રચનાની દૃષ્ટિએ ખૂબ મહત્વનાં બની રહ્યાં હતાં. 1921માં માત્ર 11 ચિત્રોનું નિર્માણ થયું હતું, પણ 1924માં 157 ચિત્રો નિર્માણ પામ્યાં. તેમાં 1922-25 દરમિયાન દિગ્દર્શક વેર્તૉવનાં 23 ભાગમાં ફેલાયેલાં ‘કિનોપ્રાવદા’ ન્યૂઝરીલોનો પણ સમાવેશ થાય છે. તેમાં તેમણે સોવિયેત જીવનને કચકડા પર કંડાર્યું હતું. તેની પ્રયોગાત્મક મોન્ટાજ-શૈલીએ પછીના રશિયન ચિત્રો પર ઊંડો પ્રભાવ પાડ્યો હતો. આ શૈલીનો પ્રથમ સફળ પ્રયોગ 1924માં કુશેલૉવે ‘ધી એક્સ્ટ્રાઑર્ડિનરી ઍડ્વેન્ચર્સ ઑવ્ મિ. વેસ્ટ ઇન ધ લૅન્ડ ઑવ્ ધ બૉલ્શેવિક’માં કરી બતાવ્યો હતો. મોન્ટાજ-શૈલીમાં બે વિશ્વખ્યાત ચિત્રો આઇઝન્સ્ટાઇને પણ બનાવ્યાં હતાં. તેમાંનું એક ‘સ્ટ્રાઇક’ અને બીજું ‘ધ બૅટલશિપ પોટેમકિન’. આ ચિત્રોએ રશિયન ચિત્રોમાં નવા યુગનો આરંભ કર્યો હતો. એ સમયે પારંપરિક ચિત્રો ઉપરાંત પ્રકૃતિવાદી અને રાષ્ટ્રવાદી ચિત્રોનું નિર્માણ પણ ચાલુ જ હતું.
એ સમયે રશિયન ચલચિત્રો સમાજવાદ, યથાર્થવાદ કે સામ્યવાદી વિચારસરણીથી ઓતપ્રોત હતાં. તેને કારણે જે સર્જકો સમાજવાદી યથાર્થવાદના ઉદ્દેશથી અલગ ચિત્રો બનાવતા હતા તેમની આકરી ટીકા કરાતી હતી. આવી ફિલ્મોને નકારી કઢાતી હતી. આવાં ચિત્રો બનાવનારા સર્જકોમાં આઇઝન્સ્ટાઇન, પુદૉવકિન, દોવ્ઝેંકો અને વેર્તૉવ મુખ્ય હતા. આ સર્જકોએ ટીકાઓની પરવા કર્યા વિના પોતાની રીતે ચિત્રો બનાવવાનું ચાલુ જ રાખ્યું, પણ 1932માં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અંત આવ્યા બાદ તો આવા ચિત્રસર્જકોની મુશ્કેલીઓ ઓર વધી ગઈ. તેમણે બનાવેલાં ચિત્રો ભારે વિવાદનો વિષય બનવા માંડ્યાં. આ સ્થિતિના વિરોધમાં આઇઝન્સ્ટાઇને 1928થી 1938 દરમિયાન એક પણ ચિત્રનું નિર્માણ નહોતું કર્યું.
રાજનેતાઓ વિશે પણ સોવિયેત સંઘમાં ઉત્કૃષ્ટ ચિત્રો બન્યાં છે. લેનિન અને સ્તાલિન ચિત્રસર્જકોના પ્રિય નાયકો હતા. લેનિન પર મિખાઇલ રોમ અને સર્ગેઇ યુત્કેવિચનાં ચિત્રો અને સ્તાલિન પર બનેલાં ચાઉરેલી, કુલેશૉવ તથા વાસિલિયેવનાં ચિત્રોને સારી ખ્યાતિ મળી હતી. સ્તાલિનના અંતિમ દિવસોમાં ચિત્રનિર્માણમાં ભારે ઓટ આવી હતી. 1945માં માત્ર 19 ચિત્રોનું નિર્માણ થયું, જ્યારે 1950માં માત્ર છ ચિત્રો બન્યાં. 1956માં યોજાયેલી 20મી કૉંગ્રેસમાં ખ્રુશ્ર્ચેવના પ્રવચન બાદ રશિયન ચિત્ર-ઉદ્યોગમાં ફરી સળવળાટ થવા માંડ્યો. અત્યાર સુધી જે વિષયો ઉપેક્ષિત ગણાતા હતા તેના પર પણ ચિત્રો બનવા માંડ્યાં. 1956માં ચુકરાઇના ચિત્ર ‘ધ ફૉર્ટી ફર્સ્ટ’માં આવું પહેલી જ વાર બન્યું. યુવાનોમાં આ ચિત્ર ખૂબ લોકપ્રિય થયું. આ વર્ષોમાં ફરી વાર આઇઝન્સ્ટાઇન, પુદૉકિન, મેયરહોલ્ડ, યેલ્ગેની, તારકૉવસ્કી, કુલેશૉવ, ઝેલિયા બુઝસ્કી, દોવ્ઝેંકો, વર્તૉવ, વાસિલિયેવ, માચેરેટ, ચુકરાઇ, ખુસ્તિયેવ, ઝારખી વગેરે અનેક સર્જકો સક્રિય થતાં રશિયન ચિત્રોને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક આગવી ઓળખ મળી હતી. આ સમૃદ્ધ પરંપરાને આગળ વધારવા માટે ચિત્રસર્જકોની યુવાન પેઢી પણ કાર્યરત થઈ ગઈ, જેમાં લારિસ્સા શેપિલકો અને પારાદ્ઝાનોવ જેવી મહિલા-સર્જકોનો પણ સમાવેશ થતો હતો.
રશિયન ચિત્રો પર ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોઇકાની અસર 1985-86થી જ દેખાવા માંડી હતી અને 1989થી તે વધુ સ્પષ્ટ બની હતી. તેને કારણે રશિયન ચિત્રોમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. 20-20 વર્ષોથી પ્રતિબંધિત રહેલાં કેટલાંક ચિત્રોનું પ્રદર્શન પણ થયું, જેમાં આંદ્રેય કોન્ચેલૉવ્સ્કીનું ‘આસ્યાસ હૅપિનેસ’ અને વ્લાદિમિર નોઉમૉવના ‘અ બૅડ ઍનેક્ડોટ’નો સમાવેશ થતો હતો. 1967માં નિર્માણ પામેલા ઍલેક્ઝાન્ડર આસ્કોલ્ડૉવનું ચિત્ર ‘ધ કૉમિસાર’ છેક 1988માં પ્રદર્શિત થયું હતું. એ વર્ષે બર્લિન ચિત્ર-મહોત્સવમાં તેને કેટલાંક પારિતોષિકો પણ મળ્યાં હતાં. રશિયામાં સામ્યવાદના અંત પછી જે ચિત્રો બન્યાં છે તેમાં વૈચારિક અને ગુણાત્મક પરિવર્તનની સાથોસાથ ટેક્નિકમાં પણ સુધારો થયો છે. રશિયન ચિત્રોને એ પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસી પ્રશંસા મળી છે. આ ચિત્રોમાં સમકાલીન રશિયન સમાજનાં ભ્રષ્ટાચાર અને નૈતિક પતન પરત્વે આક્રોશ વ્યક્ત કરાયો છે. આવાં મોટાભાગનાં ચિત્રોના સર્જકો યુવાનો છે.
મહત્વપૂર્ણ ચિત્રો : ‘બ્રેડ’ (1918), ‘ક્ન્જેશન’ (1918), ‘સ્ટ્રાઇક’ (1925), ‘બૅટલશિપ પોટિમકિન’ (1925), ‘ધ ડેથ રે’ (1925), ‘બિયર્સ વેડિંગ’ (1926), ‘સ્ટેશન માસ્ટર’ (1926), ‘વિમેન ઑવ્ રયાઝાન’ (1927), ‘ધ ડેઝ’ (1927), ‘લેનિન ઇન ઑક્ટોબર’ (1937), ‘લેનિન ઇન 1918’ (1938), ‘ધ મૅન વિથ ધ ગન’ (1938), ‘ગ્રેટ ડાઉન’ (1938), ‘સાઇબેરિયન્સ’ (1940), ‘ધ ડિફેન્સ ઑવ્ જોરિન્સિન’ (1942), ‘ધ ક્રેન્સ આર ફ્લાઇંગ’ (1957), ‘ધ રોલર ઍન્ડ ધ વાયોલિન’ (1960), ‘ઇવાન્સ ચાઇલ્ડહુડ’ (1962), ‘હીટ’ (1963), ‘આઇ એમ ટ્વેન્ટી’ (1961), ‘આન્દ્રેઇ રુબલેવ’ (1968), ‘સોલારિસ’ (1972), ‘ધ મિરર’ (1974), ‘ધ બ્લ્યૂ બર્ડ’ (1976), ‘લાઇફ ઇઝ વન્ડરફુલ’ (1981), ‘નૉસ્ટેલ્જિયા’ (1983), ‘લિટલ વેરા’ (1988), ‘ડેન્જરસ ગેમ’ (1988), ‘રિપેન્ટન્સ’ (1988), ‘ધ હાઉસ બિલ્ટ ઑન સૅન્ડ’ (1991), ‘ટ્રૅક્ટર ડ્રાયવર્સ’ (1992), ‘બર્ન્ટ બાય ધ સન’ (1994), ‘પ્રિઝનર ઑવ્ ધ માઉન્ટન્સ’ (1996).
હરસુખ થાનકી