રબાત : મોરૉક્કોનું પાટનગર અને તેનાં મુખ્ય ચાર શહેરો પૈકીનું એક શહેર. ભૌગોલિક સ્થાન : 33° 57´ ઉ. અ. અને 6° 50´ પ. રે. . તે આટલાંટિક મહાસાગરને કિનારે છીછરી નદી બો રેગ્રેગ(Bou Regreg)ના મુખ પર વસેલું છે. રબાત અને તેની તદ્દન નજીકનું સૅલે (Sale´) શહેર આ નદીના સામસામે કાંઠે આવેલાં છે. રબાત મોરૉક્કોના ફેઝ શહેરથી પશ્ચિમ તરફ 177 કિમી.ને અંતરે આવેલું છે.
રબાત જૂના અને નવા શહેર વિભાગોમાં વહેંચાયેલું છે. ઉત્તર તરફના જૂના વિભાગને મદીના નામથી ઓળખવામાં આવે છે, તેમાં સપાટ છતવાળાં નાનાં ઘરો અને ઘણી મસ્જિદો જોવા મળે છે. દરિયાકિનારા નજીકનું જૂનું રબાત આજે પણ ખંડિયેરોથી ઘેરાયેલું છે. ઉત્તર તરફ બારમી સદીના દરવાજા સહિત સત્તરમી સદીનો એક કિલ્લો પણ છે, ઍડ્યુલેસિયન બાગ છે, નજીકમાં મદરેસા (કૉલેજ) છે. તેમાં મોરૉક્કોનું કલાસંગ્રહાલય પણ છે. મદીનાની આજુબાજુ નવું શહેર વિકસ્યું છે, તેમાં પહોળા માર્ગોની બાજુઓમાં યુરોપિયન ઢબની આધુનિક ઇમારતો છે. તે પૈકીનો 1950ના દાયકામાં બાંધેલો મહેલ નવા શહેરમાં આવેલો છે. રાષ્ટ્રીય પુસ્તકાલય અને વહીવટી ઇમારતો શહેરના દક્ષિણ તરફના ભાગમાં આવેલાં છે. શહેરના બંને વિભાગો ઍવન્યુ મુહમ્મદ V નામના ધંધાકીય માર્ગથી જોડાયેલા છે. પ્રાર્થનાના સ્થળ તરીકે ઉપયોગમાં લેવાતી અધૂરા બાંધકામવાળી બારમી સદીમાં બાંધેલી મસ્જિદનો હુસેન ટાવર નામનો મિનારો ટેકરીને મથાળે હોવાથી ત્યાંથી બો રેગ્રેગ નદીનું ર્દશ્ય જોઈ શકાય છે. તેની નજીકમાં સ્વતંત્ર મોરૉક્કોના પ્રથમ શાસક મુહમ્મદ Vની કબર પણ છે.
રબાત મુખ્યત્વે તો મોરૉક્કોનું સરકારી તેમજ વહીવટી મથક છે. નદીમુખનો ભાગ કાંપકાદવ દ્વારા ભરાઈ જવાથી તેનો બંદર તરીકે ઉપયોગમાં થઈ શકતો નથી, તેથી તે ઔદ્યોગિક મથક તરીકે વિકસ્યું છે. આ શહેરમાં સુતરાઉ કાપડના અને બૂચ (cork) પર પ્રક્રમણ કરવાના ઉદ્યોગો આવેલા છે. અહીં કપાસ, ઍસ્બેસ્ટૉસ, સિમેન્ટ, ઈંટો, આટો વગેરેનું ઉત્પાદન લેવાય છે. હુન્નર-ઉદ્યોગમાં કુશળ કારીગરો ટોપલીઓ, ધાબળા, ગાલીચા-શેતરંજીઓ, ચાકળા, ચામડાની ચીજવસ્તુઓ તેમજ ફળો અને મત્સ્ય-પ્રક્રમણની પેદાશો બનાવે છે. રબાત ખાતે મુહમ્મદ V યુનિવર્સિટી 1957માં સ્થપાયેલી છે. જૂના નગરની નૈર્ઋત્યમાં પુરાતત્વીય સંગ્રહાલયમાં પ્રાગ્-ઐતિહાસિક અને રોમન કાળની ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવેલી છે. અહીં અલ મોહદ વંશ(1130–1269)ની તવારીખ આપતો બાબ-અર-રોઆહ (પવન દરવાજો) પણ છે.
રોમનોએ ઈસુ ખ્રિસ્તના પહેલા સૈકામાં આજના રબાતના સ્થળનો કબજો મેળવેલો. એ વખતની રોમન ઇમારતોનાં ખંડિયેરો રબાત શહેરના અગ્નિભાગમાં જોવા મળે છે. બર્બર (Berber) અગ્રણી અબ્દ-અલ-મુમિન અને તેના પૌત્ર યાકૂબ-અલ-મન્સૂરે આજનું રબાત બારમી સદીમાં સ્થાપેલું. 1912માં મોરૉક્કોના મોટા ભાગ પર ફ્રાન્સે પોતાનું વર્ચસ્ જમાવી તેને રક્ષિત પ્રદેશ બનાવ્યો તેમજ તેમણે રબાતને આ પ્રદેશનું મુખ્ય મથક પણ બનાવ્યું. 1956માં આ રક્ષિત રાજ્યનો અંત આવ્યો અને રબાત મોરૉક્કોના સ્વતંત્ર રાષ્ટ્રનું પાટનગર બન્યું. રબાત કાસાબ્લાન્કા અને ટેન્જિયર તેમજ ફેઝ સાથે રસ્તાઓ અને રેલમાર્ગથી જોડાયેલું છે. અહીં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે. 1994 મુજબ તેની વસ્તી આશરે 6,23,000 જેટલી છે.
રબાત-સૅલે સ્ખીરાત-તેમારા : વાયવ્ય મોરૉક્કોમાં રબાત-સૅલે-સ્ખીરાત-તેમારાનાં સંયુક્ત શહેરોથી બનેલો વિસ્તાર. તે પાટનગર રબાત અને જૂના કિલ્લેબંધીવાળા સૅલેને આવરી લે છે. અહીંનો આજુબાજુનો વિસ્તાર શહેરી અને ગ્રામીણ બંને પ્રકારનો છે. તેની વાયવ્યમાં આટલાન્ટિક મહાસાગર અને ઈશાન તરફ કેનિત્રા, અગ્નિ તરફ ખેમિસેટ અને નૈર્ઋત્ય તરફ બેન સ્લિમૅન પ્રાંતો આવેલા છે. આ વિસ્તાર 1,275 ચોકિમી. જેટલો છે. આ સંયુક્ત વિસ્તાર મોરૉક્કોમાં બીજા ક્રમે આવતો મોટો શહેરી વિસ્તાર છે. તેની વસ્તી 15,00,000 (1994) જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા