રબાઉલ (Rabaul) : પાપુઆ ન્યૂ ગિનીના ન્યૂ બ્રિટન વિભાગમાં આવેલું કુદરતી બારું. ભૌગોલિક સ્થાન : 4° 17´ ઉ. અ. અને 152° 16´ પૂ. રે. તે ન્યૂ બ્રિટન ટાપુના ઉત્તર છેડા પર આવેલું ખૂબ જ વ્યસ્ત બંદર છે. તેની ઉત્તરમાં સેન્ટ જ્યૉર્જની ખાડી આવેલી છે. દુનિયાના બીજા કોઈ પણ બંદર પરથી થતી કોપરાં અને કોકોની હેરફેરમાં તે મોખરાનું સ્થાન ધરાવે છે. બંદરનું આ સ્થળ સક્રિય જ્વાળામુખીઓથી ઘેરાયેલું છે. સમુદ્રસપાટીથી 600 મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતો માઉન્ટ કોમ્બિઉ અહીંનો સૌથી મોટો જ્વાળામુખી ગણાય છે. આ બંદરેથી બિસ્માર્ક દ્વીપસમૂહ તેમજ નજીકની વાડીઓનાં કોપરાં અને કોકો વહાણો મારફતે બહાર જાય છે.
રબાઉલ ન્યૂ ગિનીનું મુખ્ય વેપારી મથક તથા વહીવટી કેન્દ્ર છે. 1937માં અહીં બે જ્વાળામુખી ફાટેલા, તેને પરિણામે આ નગરનો મોટો ભાગ નાશ પામેલો. બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં જાપાની લશ્કરે રબાઉલનો કબજો મેળવી લીધેલો. મિત્રરાજ્યોનાં લશ્કરી દળોએ આ નગર પર ઘણી વખત બૉમ્બવર્ષા કરેલી. બીજા વિશ્વયુદ્ધ બાદ આ નગરનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. આ નગરની વસ્તી આશરે 17,022 (1990) જેટલી છે.
જાહ્નવી ભટ્ટ