રફાલ, નડાલ (જ. 3 જૂન 1986, મેનેકોર, મેજોર્કા) : સ્પેનના મહાન ટેનિસ-ખેલાડી. તેમણે સતત અને સખત મહેનત કરીને રોજર ફેડરરને પાછળ રાખી 18 ઑગસ્ટ, 2008ના રોજ ટેનિસ-જગતના ‘વર્લ્ડ નંબર વન’ ખેલાડી બન્યા હતા; એટલું જ નહિ, પણ 2008ની બેઇજિંગ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૅમ્પિયન બન્યા હતા. 2008માં તેઓ પ્રથમ વાર ‘વિમ્બલ્ડન ચૅમ્પિયન’ બન્યા હતા. આ રીતે 2008માં નડાલ રફાલે ન કલ્પી શકાય તેવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, ટેનિસ-જગતમાંના અમર ખેલાડીઓમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ગ્રૅન્ડસ્લૅમ તરીકે ઓળખાતી વિશ્વમાં ખ્યાતિ ધરાવતી ચારેય સ્પર્ધાઓ જીતનારને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ બહુમાન મળે છે.
રફાલ નડાલને ‘ક્લે કૉર્ટ’ પર રમવાનું ખૂબ જ પ્રભુત્વ છે અને તેથી જ તેઓ સતત ચાર વર્ષ (2005થી 2008) દરમિયાન ‘ફ્રેન્ચ ઓપન ચૅમ્પિયન’ રહ્યા હતા. ગ્રૅન્ડસ્લૅમ ઉપરાંત રફાલ નડાલે ટેનિસની ઘણી અન્ય એટીપી સ્પર્ધાઓ જીતી છે. તેઓ ટેનિસને સંપૂર્ણપણે સમર્પિત છે અને અત્યાર સુધી પૂર્ણ એકાગ્રતાથી ટેનિસ-રમતની સાધના કરી છે.
ટેનિસ-જગતમાં સ્પેનને ટોચના સ્થાને લઈ જવામાં તેમનો ફાળો અજોડ છે.
પ્રભુદયાલ શર્મા