રફાયેલ, સાંઝિયો (જ. 6 એપ્રિલ 1483; ઉર્બિનો, ઇટાલી; અ. 6 એપ્રિલ 1520, રોમ, ઇટાલી) : રેનેસાં કાળના ઇટાલીના 3 મૂર્ધન્ય કલાકારોમાં માઇકલૅન્જેલો અને લિયૉનાર્દો દ વિન્ચી સાથે સ્થાન ધરાવનાર યુગપ્રવર્તક ચિત્રકાર અને સ્થપતિ. મૂળ નામ રફાયેલો સાંઝિયો (Raffaello Sanzio). માતા મેજિયા દિ બાતીસ્તા અને પિતા જિયોવાની સાન્તીના તેઓ પુત્ર. રેનેસાં કાળના પ્રસિદ્ધ જીવનકથાકાર વસારીના મતાનુસાર જિયોવાની એક સામાન્ય ચિત્રકાર હતા. તેમના હાથ નીચે રફાયેલનું કલાશિક્ષણ થયું. ઉર્બિનોના ઠાકુર ફેડેરિકોએ રફાયેલને આશ્રય આપ્યો. ફેડેરિકોના દરબારમાં રફાયેલને પોતાનાથી મુરબ્બી વયના રેનેસાંના 3 મહત્વના કલાકારો દોનેતો બ્રામાન્તે, લિયોન બાતીસ્તા આલ્બેર્તી અને પિયેરો દેલ્લ ફ્રાન્ચેસ્કા સાથે પરિચય થયો, જે ઘણો ફળદાયી બન્યો. માત્ર 17 વરસની વયે જ પોતાની અસાધારણ શક્તિઓથી રફાયેલે નામના મેળવવી શરૂ કરી. આશરે 1500માં પિતા રફાયેલને પેરુજિયા નગરમાં લઈ ગયા અને અહીં ઉમ્બ્રિયન (Umbrian) ચિત્રકાર પિયેત્રો પેરુજિનોનું શિષ્યપદ મળ્યું. પેરુજિનોની શાંત વાતાવરણ અને મોહક રંગોની અસર રફાયેલમાં આજીવન રહી. વસારીના મતાનુસાર આ પછી થોડા સમય માટે રફાયેલ ચિત્રકાર બર્નાર્ડિનો પિન્ટુરિકિયોના શિષ્ય બન્યા. આ પછી તેઓ ફ્લૉરેન્સ ગયા અને ત્યાં લિયૉનાર્દો, માઇકલૅન્જેલો, ફ્રા બાર્તોલોમિયો, મસાચિયો, દોનતેલ્લો, વેરોકિયો અને ઍન્તોનિયો પોલાઇઉઓલોની કલાકૃતિઓનો અભ્યાસ કર્યો. લિયોનાર્દો અને માઇકલૅન્જેલો પાસેથી રફાયેલ ઘણું શીખ્યો, જેમાં સંરચના (composition), ધૂંધળા પ્રકાશ (sfumato) અને તીવ્ર પ્રકાશ(chiaroscuro)નો સમાવેશ થાય છે.
જીવનનાં અંતિમ 12 વર્ષો રફાયેલે બ્રામાન્તેની સૂચના અને પોપ જુલિયસ બીજાના આદેશથી રોમમાં વિતાવ્યાં. અહીં તેમની સૌથી મહાન કલાકૃતિઓ સર્જાઈ વૅટિકન પૅલેસમાં સ્ટૅન્ઝા દેલ્લ સેન્યાચુરા (stanza della segnatura) ખંડમાંનાં ભીંતચિત્રોથી. આ ભીંતચિત્રોમાં ‘ડિસ્પુટા’ (Disputa) અને ‘સ્કૂલ ઑવ્ એથેન્સ’ (School of Athens) તેમની સિદ્ધિઓની ટોચ સમી કૃતિઓ છે.
‘ડિસ્પુટા’માં રોમન ચર્ચના સંતો અને પાદરીઓના જૂથની ઉપર ઈશ્વર અને પયગંબરોનું, સત્યના જય અને ચર્ચના વિજયનું ચિત્રાલેખન કર્યું છે.
‘સ્કૂલ ઑવ્ એથેન્સ’માં તત્કાલીન અને પ્રાચીન (ગ્રીક) બિનધાર્મિક (secular) ફિલસૂફોને સ્થાપત્યની વચ્ચે આલેખ્યા છે. આ ફિલસૂફોમાં પ્લેટો અને ઍરિસ્ટોટલનો પણ સમાવેશ થાય છે.
મધુર રંગો, લાવણ્યસભર માનવાકૃતિઓ અને લગભગ સૌષ્ઠવયુક્ત (symmatrical) સંરચના (composition) રફાયેલની ખાસિયતો છે. આ અંતિમ ચિત્રોમાં દેહલાલિત્ય અને સંરચનાની સંકુલતાઓમાં બરોક-શૈલીની શરૂઆત જોઈ શકાય છે.
સ્થાપત્ય : સ્થાપત્યમાં પણ રફાયેલનો રેનેસાંથી શરૂ કરીને બરોક તરફનો ઝોક જોઈ શકાય છે. તેણે શરૂઆતમાં બ્રામાન્તેની રેનેસાં શૈલી અપનાવી. સેંટ પીટર્સ ચર્ચના સ્થપતિ તરીકે બ્રામાન્તેના સ્થાને રફાયેલની નિમણૂક થતાં બ્રામાન્તેની સાદગીનો ઉચ્છેદ કર્યો અને પ્રાચીન (antiquity) અને બરોક-શણગાર પસંદ કર્યો. આ રીતે તેમણે (હાલમાં નષ્ટ) પેલેત્ઝો દેલ્લાકિલા (Palazzo dell’Aquila) નામના મહેલનું સર્જન કર્યું. તેનો ફસાદ (facade) દીવાલો પર સિમેન્ટ ચોંટાડીને તૈયાર કરેલા શણગાર ધરાવતો હતો અને આ શણગાર રંગબેરંગી અને ચમકતો હતો. મૃત્યુના થોડા જ વખત અગાઉ વીલા માદામા(Villa Madama)ના નકશા તૈયાર કરવાનું કામ હાથ પર લીધું, જે પછી અધૂરું જ રહ્યું. રફાયેલ 37 વર્ષની યુવાન વયે મૃત્યુ પામતાં પોપના દરબારે (papal court) પૂરા ઠાઠથી તેમની અંતિમવિધિ કરેલી. તેમનો પ્રભાવ યુરોપભરમાં સત્તરમી સદી સુધી રહ્યો.
અમિતાભ મડિયા