રથ, જયન્તી (શ્રીમતી)

January, 2003

રથ, જયન્તી (શ્રીમતી) (જ. 9 જુલાઈ 1960; ભુવનેશ્વર, ઓરિસા) : ઊડિયા લેખિકા. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષય સાથે એમ.એ. અને એમ.ફિલ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ભુવનેશ્વર ખાતેના ઓરિસા રાજ્ય મ્યુઝિયમના મદદનીશ ક્યુરેટર તરીકે જોડાયાં તે સાથે લેખનકાર્ય પણ કરતાં રહ્યાં.

તેમણે કેટલાક ગ્રંથો આપ્યા છે : ‘જાત્રારંભ’ (1984), ‘ભિન્ન વર્ણબોધ’ (1992), ‘શબ્દ ખેલ’ (1994); અને ‘છાયાપથ’ (1994) તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહો છે અને ‘જીવન પત્ર મો’ (1996) તેમનો નોંધપાત્ર કાવ્યસંગ્રહ છે.

સાહિત્યિક પ્રદાન બદલ તેમને નીલા શૈલા ઍવૉર્ડ; સુપ્રીતિ દેવી ગન્તાયત ઍવૉર્ડ (1991); સુધન્યા ઍવૉર્ડ (1990); અખિલ મોહન કથા સન્માન (1994) અને ધ બુક ફેર એવૉર્ડ  ભુવનેશ્વર (1996) આપવામાં આવ્યાં છે.

બળદેવભાઈ કનીજિયા