રણછોડ (અઢારમી સદી) : આશરે 1690–94થી 1816ના ગાળામાં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. તે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ખડાલનો મૂળ વતની હતો. ઉત્તરાવસ્થા ખડાલથી ત્રણ માઈલ દૂર આવેલા તોરણામાં પસાર કરેલી. પિતાનું નામ નરસઈદાસ. જ્ઞાતિ દશા ખડાયતા વણિક. પૂર્વજોની અટક ‘મહેતા’, પણ પોતે ભગત હોવાથી ‘ભગત’ અટક સ્વીકારી. આજે પણ એના વંશજો આ અટકથી પોતાને ઓળખાવે છે. ધર્મ વૈષ્ણવ, પણ ચુસ્ત પુષ્ટિમાર્ગી નહિ. ગુરુનું નામ કીકો. એને પોતાને બહોળું શિષ્યમંડળ હતું; જેમાં મધ્યકાળના જાણીતા કવિઓ દ્વારકાદાસ, તુળજો અને સુખાનંદ જેવાનો સમાવેશ થતો હતો. એણે પદ્ધતિસરનો શાસ્ત્રાભ્યાસ નહિ કર્યો હોય, પણ પરંપરામાંથી ભાગવત, રામાયણ, ગીતા અને પુરાણોનું જ્ઞાન મેળવ્યું હશે. ઉત્તરાવસ્થામાં એને તોરણાના પટેલોએ જીવનનિભાવ માટે આપેલી જમીનમાં એણે રણછોડરાયજીનું મંદિર બનાવ્યું, ગાદી સ્થાપી અને ગાદીપતિની ફરજો નિભાવી. હજી આજે પણ તોરણામાં આ મંદિર હયાત છે. એના વંશજો એને સંભાળે છે. વારસાગત એવા નેસ્તીના ધંધા સાથે સંકળાયેલા આ કવિનું જીવન પ્રભુમય અને સાદગીયુક્ત હતું. ડાકોરના ઠાકોર તરફ તેને અનન્ય અનુરાગ હતો.
મધ્યકાળમાં પદક્ષેત્રે ચિરંજીવ પ્રદાન કરનાર આ કવિની સર્જન-શક્તિના ઘડતરમાં નરસિંહ-મીરાં જેવાં પુરોગામીઓ તેમજ રાજે-રત્ના જેવા સમકાલીન કવિઓની પદરચનાનો પ્રબળ પ્રભાવ જોવા મળે છે.
અઢારમા શતકના રાજેના ઉત્તર સમકાલીન અને પ્રીતમના પુરોગામી એવા આ કવિનું સર્જન સ્વરૂપ અને કૃતિપ્રકારની દૃષ્ટિએ વૈવિધ્યવંતું છે. એનું સમગ્ર સર્જન પદ અને પદેતર લાંબી રચનાઓમાં વહેંચાયેલું છે. ‘રણછોડવાણી’ના સાત ભાગ અને અન્યત્રથી પ્રાપ્ત લગભગ 1,405 પદ ઉપરાંત 35 જેટલી લાંબી પ્રસંગાત્મક રચનાઓ એની પાસેથી મળેલ છે. બારમાસી, કક્કા, ચેતામણી, તાજણા, સાટકા જેવાં સ્વરૂપોમાં લખાયેલી લાંબી રચનાઓમાં ભાગવત-આધારિત ‘વૃંદાવનમાહાત્મ્ય’ કે ‘રસભાગવત’, રામાયણ-આધારિત ‘રામજન્મવધાઈ’ કે ‘સીતાવેલ’ ઉલ્લેખનીય છે. ‘રસ-ભાગવત’માં એણે કરેલો ભાગવતનો સંક્ષિપ્ત પદ્યાનુવાદ એની અનુવાદક તથા આખ્યાનકાર તરીકેની શક્તિનો પરિચય કરાવે છે.
મધ્યકાળમાં રણછોડને ગુજરાતી સાહિત્યક્ષેત્રે સ્મરણીય બનાવે છે એનું પદસાહિત્ય. ભજન, કીર્તન, થાળ, આરતી, પ્રભાતિયાં, ગરબી-ગરબા જેવા પ્રચલિત પદપ્રકારોમાં એણે રચનાઓ આપી છે. પંદરમા શતકથી આરંભાયેલો ભક્તિકવિતાનો પ્રવાહ જ્યારે અઢારમા શતકમાં ક્ષીણસ્રોત થતો જણાય છે, ત્યારે તેને પુષ્ટ કરવામાં રણછોડનો ફાળો મહત્વનો છે. એને ઉત્તરભક્તિયુગના પ્રસ્થાનકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચડ વૈષ્ણવ કવિ હોવાને નાતે કૃષ્ણ એના આરાધ્ય દેવ છે. કૃષ્ણને ગોપીભાવે, રાધાભાવે નિરૂપતાં પદોમાં એનું ઠીક ઠીક ગજું દેખાય છે. પદસર્જનમાં જ્ઞાન અને ભક્તિનાં સંવેદનોને વાચા આપતા આ કવિને જ્ઞાન કરતાં ભક્તિ મોટી લાગી છે. જ્ઞાનની આંટીઘૂંટીમાં પડેલાને તે ‘ચતુરાઈ પડશે ચૂલમાં’ કહીને ચેતવણી આપે છે, તો ભક્તિના પ્રાધાન્યને આગળ ધરતાં ‘એવાં ઘેલડાં પહેલડાં પાર પામે’ એમ કહે છે. પ્રેમલક્ષણા ભક્તિનાં એનાં પદોમાં એ રસિક રંગીલો કવિ છે. અલ્પસંશોધનને કારણે અલ્પખ્યાત રહેલા આ કવિનાં કેટલાંક પદ નરસિંહ, મીરાં, ‘પ્રેમસખી’, પ્રેમાનંદ કે દયારામ જેવાં ભક્તકવિઓની હરોળમાં એને ઊભો રાખે એવી કક્ષાનાં છે અને એ રીતે પદક્ષેત્રે એની પ્રતિભા નરસિંહ અને દયારામની વચ્ચેના મધ્યમણિ તરીકેની છે.
પ્રતિભા ડાહ્યાભાઈ શાહ