રણગોધલો (Indian courser) : ભારતનિવાસી રૂપાળું પંખી. એનું હિંદી નામ છે ‘નૂકરી’. કદ 22 સેમી. . ટિટોડી કરતાં ઘણું નાનું, પણ ઘાટ તેના જેવો જ. નર અને માદા એકસરખાં. માથું લાલ. બંને બાજુ આંખની ભ્રમર તરીકે પહોળી સ્પષ્ટ સફેદ રેખાઓ હોય છે. એની નીચે આંખમાંથી જ પસાર થતી કાળી રેખાઓ, બંને બાજુથી પાછળ ગરદન પર મળે છે.
પીઠ, પાંખો રાખોડી, પૂંછડી રાખોડી, વચલાં બે પીંછાં ભૂખરાં. બાકીનાં બહારના છેડા તરફનાં પીંછાં વધુ ને વધુ સફેદ હોય છે. કેડ સફેદ, પણ ઊડે ત્યારે દેખાય. દાઢી સફેદ, છાતી નારંગી લાલ, પેટાળ કાળાશ પડતું, પેટ સફેદ, ચાંચ અને આંખ કાળી અને પગ એકદમ ચૂના જેવા; બદામી રંગ ફક્ત ગળા અને છાતી પર જ હોય છે.
આસામ જેવાં ગીચ જંગલો સિવાય સમગ્ર ભારતમાં તે જોવા મળે છે. તે સૌરાષ્ટ્ર અને ગીર વિસ્તારમાં સામાન્ય છે. રેતાળ, પથરાળ સ્થળો, ખેડેલાં કે પડતર ખેતરો, ઝાડી-ઝાંખરાંઓવાળી ખુલ્લી જમીનમાં 200 સુધીની સંખ્યામાં ફરતાં હોય છે. માથું ઊંચું રાખી છાતી આગળ ધરીને જોવાની એમની ટેવ હોય છે. પછી દડબડ દડબડ દોડી કંઈક ચણીને ઊંચું થાય છે. સંચાર થતાં ચક્રાવા લેતું ઝડપથી ઊડે છે. તે બાજ પક્ષીના પંજામાં ભાગ્યે જ ઝડપાય છે. દેખાવે ખૂબ રૂપાળું આ પક્ષી રંગમાં જમીન સાથે સરળતાથી ભળી જતું લાગે છે.

રણગોધલો
તેનો ખોરાક કાળા નાના વંદા અને જીવડાં છે. તેની માળાની ઋતુ ઉનાળો હોય છે – જોકે જાન્યુઆરીથી જૂનની તે ગણાય છે. જમીન પર પીળાશ પડતાં પથરાળ રંગનાં ઈંડાં મૂકે છે. એકદમ શુદ્ધ બદામી રણગોધલો શિયાળામાં જોવા મળે છે.
બળદેવભાઈ કનીજિયા