રકોસી, માટયાસ (જ. 1892; અ. 1963) : હંગેરીના અગ્રણી ઉદ્દામવાદી સામ્યવાદી નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી. તેઓ હંગેરીના સામ્યવાદી નેતા બાલા કૂન (1886–1939)ના રાજકીય અનુયાયી હતા. સમય જતાં તેઓ સોવિયત સંઘના સર્વેસર્વા જોસેફ સ્ટાલિન(1879–1953)ના પ્રભાવ હેઠળ આવ્યા હતા. સ્ટાલિનની દોરવણી મુજબ રકોસીએ બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં હંગેરીમાં સામ્યવાદી પક્ષને મજબૂત કરવામાં અગત્યનો ફાળો આપ્યો હતો. 1952માં તેઓ હંગેરીના પ્રધાનમંત્રી બન્યા, પરંતુ એક જ વર્ષ બાદ 1953માં યુગોસ્લાવિયાના ઉદારમતવાદી નેતા માર્શલ ટીટો(1892–1980)ના અનુયાયી ઇમરે નૅગીના જૂથના કાવતરાથી તેમને પ્રધાનમંત્રીના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ ઇમરે નૅગી હંગેરીના પ્રધાનમંત્રી બન્યા. 1955માં ટીટોવાદી હોવાના આરોપસર નૅગીની હકાલપટ્ટી થતાં રકોસી ફરી હંગેરીના પ્રધાનમંત્રી બન્યા. 1956માં હંગેરીમાં સ્ટાલિનવિરોધી બળવો થતાં રકોસીને ફરી પ્રધાનમંત્રી-પદ છોડવું પડ્યું અને ત્યારબાદ તેઓએ સોવિયત સંઘમાં રાજકીય શરણ લીધું. 1962માં તેમને હંગેરીના સામ્યવાદી પક્ષના સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા. ઑગસ્ટ, 1963માં સોવિયત સંઘમાં તેમનું અવસાન થયું હતું એવું માનવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે